અમદાવાદ: રોડ-ગટરની ફરિયાદો વચ્ચે ઉત્સવોના પ્રચાર પાછળ AMCના ₹14.15 કરોડના ખર્ચનો આક્ષેપ, AMC બોર્ડ બેઠકમાં ગરમાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad civic issues vs publicity : અમદાવાદમાં રોડ, ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ઉત્સવો અને કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોવાનો મુદ્દો બોર્ડની બેઠકમાં ગુંજ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ છેલ્લા એક વર્ષમાં પબ્લિસિટી વિભાગ દ્વારા ₹14.15 કરોડનો ખર્ચ કરાયો હોવાના આંકડા રજૂ કરી તંત્રની પ્રાથમિકતાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.
ઉત્સવ અને પ્રચાર પાછળ કેટલો ખર્ચ
- કાંકરિયા કાર્નિવલ પાછળ ગયા વર્ષે રૂપિયા 6.84 કરોડ
- અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર-2025 પાછળ રૂપિયા 2.27 કરોડ
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રચાર પાછળ રૂપિયા 1.09 કરોડ
- પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રચાર પાછળ રૂપિયા 12.50 લાખ
- રથયાત્રાના પ્રચાર પાછળ રૂપિયા 35.46 લાખ
- સ્વાતંત્ર્ય દિનના પ્રચાર પાછળ રૂપિયા 21.33 લાખ
- ગૌરીવ્રત જાગરણ પાછળ રૂપિયા 8.89 લાખ
- દશામા વ્રત જાગરણ પાછળ રૂપિયા 9.76 લાખ
પોસ્ટરમાં ફોટા મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટકોર
કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે, હજારો-લાખો ફરિયાદોના કાયમી ઉકેલને બદલે લોકોના ટેક્સના નાણાં પ્રચાર અને બેનરોમાં નેતાઓના ફોટા લગાવવા પાછળ ખર્ચાય છે. સામે પક્ષે જૈનિક વકીલે ટકોર કરતાં કહ્યું હતું કે, પબ્લિસિટીનાં પોસ્ટરમાં તેમનો ફોટો મૂકવામાં આવતો નથી એટલે તેમને વાંધો છે. જ્યારે મેયરે ભદ્ર ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાનું જણાવી ઉત્સવોનું સમર્થન કર્યું હતું.
12 મોબાઇલ ટાવર કંપનીઓ પાસેથી ₹8.52 કરોડની વસૂલાત બાકી
બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરે કોર્પોરેશનની મિલકતો પર મોબાઇલ ટાવર લગાવવાની મંજૂરી ધરાવતી 12 કંપનીઓ પાસેથી ₹8.52 કરોડની બાકી વસૂલાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, સામાન્ય નાગરિકનો થોડો ટેક્સ બાકી હોય તો તેની મિલકત સીલ કરી દેવાય છે, તો કરોડો રૂપિયા બાકી રાખનાર કંપનીઓ સામે વસૂલાત માટે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી?




