Ahmedabad

અમદાવાદ: સોસાયટીના રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતાં કોન્ટ્રાક્ટરે મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો, ફરિયાદ નોંધાઈ

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રાણીપમાં સોસાયટી રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતાં શિવાલય ઇન્ફ્રાના સંચાલક તેજસ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુભાષબ્રિજ નજીકની સોસાયટીની મહિલાઓની છેડતી, અભદ્ર મેસેજ અને કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો હતો. 16 મેના રોજ મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી ધમકી અપાઈ. છેલ્લા 6 મહિનાથી વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મોકલી તેજસ પટેલ ત્રાસ આપતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સોસાયટીના રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતાં કોન્ટ્રાક્ટરે મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો, ફરિયાદ નોંધાઈ

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોસાયટીના રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતાં મહિલાઓની છેડતી કરવા, અભદ્ર મેસેજ મોકલવા અને કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવા અંગે એક કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુભાષબ્રિજ નજીક આવેલી સોસાયટીના રહીશોની ફરિયાદના આધારે રાણીપ પોલીસે શિવાલય ઇન્ફ્રાના સંચાલક તેજસ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે મામલો

ફરિયાદની વિગતો અનુસાર, અગાઉ આ સોસાયટીના રીડેવલપમેન્ટની જવાબદારી તેજસ પટેલને સોંપવામાં આવી હતી. જોકે, સોસાયટીના નિયમો અને શરતો સાથે અસહમતી દર્શાવતાં સોસાયટી દ્વારા તેને આ કામમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપી મહિલાઓ જ્યારે બહાર જતી ત્યારે તેમની પાછળ જઈને અપશબ્દો બોલતો હોવાનો આક્ષેપ છે. ગત 16મી મેના રોજ આરોપી પોતાની કાર લઈને સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંકડા પર બેઠેલી મહિલાઓ પર કાર અથડાવવાનો પ્રયાસ કરી ગંભીર ધમકીઓ આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત, તેજસ છેલ્લા છ મહિનાથી સોસાયટીના સભ્યોના મોબાઇલ નંબર ભેગા કરીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અભદ્ર ભાષા, અશ્લીલ વીડિયો અને ટિપ્પણીઓ પોસ્ટ કરી માનસિક ત્રાસ આપતો હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો છે. આ સતત ત્રાસથી કંટાળીને આખરે સોસાયટીની મહિલાઓએ રાણીપ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.

આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'મહિલાઓની ફરિયાદના આધારે તેજસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સોસાયટી અને કોન્ટ્રાક્ટર વચ્ચે રીડેવલપમેન્ટ અંગે વિવાદ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટ અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'