અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પર ફરજ પરથી ઘરે પરત ફરતા બે રેલવે કર્મચારીઓને નડ્યો અકસ્માત, એકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદના રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ પર વરસાદના કારણે ભીના થયેલા રસ્તા પર મોટરસાયકલ સ્લીપ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સાબરમતી આઈસીડી (ICD) ડેપોથી પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા બે રેલવે કર્મચારીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં બાઈકચાલક કર્મચારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે.
એલિસબ્રિજ નીચે બાઈક ફૂટપાથ સાથે અથડાયું
મળતી માહિતી અનુસાર, મણિનગર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ચિંતન રાઠોડ અને તેમના સહકર્મચારી કિરણ વાઘેલા રાત્રિના સમયે બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રિવરફ્રન્ટ પશ્ચિમમાં એલિસબ્રિજ નીચે ભીના રોડને કારણે તેની બાઈક અચાનક સ્લીપ થઈને ફૂટપાથની પાળી સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ચિંતન રાઠોડને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સાથી કર્મચારી ઈજાગ્રસ્ત, પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા કિરણ વાઘેલાને બંને ઢીંચણ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક અને ઈજાગ્રસ્ત બંને કેન્દ્ર સરકારના રેલવે વિભાગમાં સાબરમતી ખાતે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં જ 'એમ' ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




