અમદાવાદ: પાણીની ટાંકીઓની સફાઈમાં બેદરકારી સામે કાર્યવાહીનો આદેશ, જવાબદાર એજન્સી અને અધિકારીની તપાસ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Water Tank Cleaning: અમદાવાદની 80 લાખથી વધુ વસ્તીને પાણી પૂરું પાડતી ટાંકીઓની સફાઈ સમયસર ન થવાનો ગુજરાત સમાચાર ડિજિટલે મુદ્દો ઉપાડ્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સત્તાધીશોએ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. શહેરની 244 પાણીની ટાંકીઓમાંથી 48 ટાંકીઓની સફાઈ નિયત છ મહિનાની સમયમર્યાદામાં થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવા અને સફાઈની કામગીરી માટે જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવા સૂચના આપી છે.
પાણીની ટાંકીઓની સફાઈમાં બેદરકારી સામે કાર્યવાહીનો આદેશ
ગુજરાત સમાચાર ડિજિટલ દ્વારા પાણીની ટાંકીઓની સફાઈ સમયસર ન થતી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરની કુલ 244 ટાંકીઓમાંથી 196 ટાંકીઓની સફાઈ છ મહિનાની અંદર થઈ ગઈ છે, જ્યારે 48 ટાંકીઓની સફાઈ નિયત સમયમર્યાદામાં થઈ નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જે એજન્સીને ટાંકીઓની સફાઈની જવાબદારી સોંપવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સફાઈની કામગીરીમાં વિલંબ માટે જવાબદાર અધિકારી કે વ્યક્તિની ભૂમિકા પણ તપાસવામાં આવશે અને જવાબદારી નક્કી કરીને પગલાં લેવામાં આવશે.
48 ટાંકીઓની સફાઈમાં વિલંબ સામે સવાલ
પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ પીવાના પાણીની વ્યવસ્થા સાથે સંકળાયેલો મહત્ત્વનો મુદ્દો છે. શહેરની 244 ટાંકીઓમાંથી 48 ટાંકીઓની સફાઈ છ મહિનાની સમયમર્યાદામાં ન થઈ હોવાને કારણે સફાઈની કામગીરીનું આયોજન, કોન્ટ્રાક્ટરની જવાબદારી અને અધિકારીઓની દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે. હવે સંબંધિત એજન્સી દ્વારા સફાઈની કામગીરીમાં વિલંબ કેમ થયો, જવાબદાર અધિકારીઓએ સમયસર દેખરેખ રાખી હતી કે નહીં અને બાકી રહેલી ટાંકીઓની સફાઈ ક્યારે પૂર્ણ થશે તે બાબતો મહત્ત્વની રહેશે.
ડિસેમ્બર સુધીમાં ગ્રીન એનર્જીનો વપરાશ 44% કરવાનો લક્ષ્યાંક
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં સોલર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ વધારવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. હાલમાં કોર્પોરેશનના કુલ વીજવપરાશમાંથી 28% વીજળી ગ્રીન એનર્જીમાંથી મેળવવામાં આવે છે. ડિસેમ્બર સુધીમાં આ પ્રમાણ વધારીને 44% કરવાનો અને 2028 સુધીમાં 100% વીજવપરાશ ગ્રીન એનર્જીમાંથી મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કાંકરિયામાં 'વિંગ્સ ઓવર કાંકરિયા'ને મંજૂરી
શિયાળાની મોસમમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જોવા મળતાં દેશી-વિદેશી પક્ષીઓ વિશે નાગરિકો અને પક્ષીપ્રેમીઓ વધુ માહિતી મેળવી શકે તે માટે 'વિંગ્સ ઓવર કાંકરિયા' પહેલને મંજૂરી આપવામાં આવી છે. આ માટે કોર્પોરેશન બાયનોક્યુલર ખરીદશે. કાંકરિયા ઝૂનો સ્ટાફ દરરોજ સવારે અને સાંજે બે-બે કલાક માટે મુલાકાતીઓને પક્ષીઓનું અવલોકન કરવાની સુવિધા આપશે અને તેમની ઓળખ તથા વિશેષતાઓ વિશે માહિતી આપશે.
દશેરાએ ફાફડા-જલેબીના સ્ટોલ પર ગુણવત્તાની તપાસ
દશેરાના તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના સ્ટોલ પર વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા માટે કોર્પોરેશનના ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. સાથે જ સ્ટોલધારકો ફૂટપાથ પર દબાણ ન કરે તેની તકેદારી રાખવા પણ જણાવાયું છે.




