Ahmedabad

અમદાવાદ: વટવામાંથી 10.11 લાખના ગાંજા સાથે મહારાષ્ટ્રનો યુવક ઝડપાયો, 10 હજારની લાલચમાં ડિલિવરી કરવા નીકળ્યો હતો

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા પોલીસે રોપડા ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રના નાઝીમ અહમદ શાહને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 10.11 લાખ રૂપિયાની કિંમતનો 20.220 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો. નાઝીમ 10,000 રૂપિયાની લાલચમાં ઓડિશાથી ગાંજો લઈને રાજકોટ જઈ રહ્યો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વટવામાંથી 10.11 લાખના ગાંજા સાથે મહારાષ્ટ્રનો યુવક ઝડપાયો, 10 હજારની લાલચમાં ડિલિવરી કરવા નીકળ્યો હતો

Ahmedabad Crime News: અમદાવાદના વટવા વિસ્તારમાંથી પોલીસે 10.11 લાખ રૂપિયાની કિંમતના 20.220 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રના એક યુવકની અટકાયત કરી છે. માત્ર 10 હજાર રૂપિયાની લાલચમાં ગાંજાની ડિલિવરી કરવા નીકળેલા આ યુવકને વટવા પોલીસે રોપડા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો.

10 પાર્સલમાં 20.220 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો

મળતી માહિતી મુજબ, વટવા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રોપડા ચેકપોસ્ટ નજીકથી મહારાષ્ટ્રના ધુલેના રહેવાસી નાઝીમ અહમદ શાહને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલી બેગની તલાશી લેતાં પ્લાસ્ટિકની ટેપથી પેક કરેલા 10 પાર્સલ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં આ પાર્સલમાં 20.220 કિલોગ્રામ ગાંજો હોવાનું ખુલ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત 10.11 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

આર્થિક ભીડનો ફાયદો ઉઠાવી 10 હજારની ટ્રીપ ઓફર કરી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી નાઝીમ આશરે એક વર્ષ પહેલાં સુરતની એક કંપનીમાં નોકરી કરતો હતો. તે દરમિયાન તેની મુલાકાત હિરેન અને રાજકોટના શુભમ પરમાર નામના શખસો સાથે થઈ હતી. છેલ્લા એક મહિનાથી નાઝીમ આર્થિક સંકટમાં હોવાથી તેણે શુભમ પાસે નાણાકીય મદદ માગી હતી. રૂપિયાની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવી શુભમે તેને ગાંજાની હેરફેરના ગેરકાયદે કામમાં ધકેલ્યો હતો અને રાજકોટ માલ પહોંચાડવાની એક ટ્રિપના 10,000 રૂપિયા આપવાની લાલચ આપી હતી.

ઓરિસ્સાથી બસ બદલી અમદાવાદ પહોંચ્યો પણ વટવા પોલીસે દબોચી લીધો

પોલીસે જણાવ્યાનુસાર, આરોપી નાઝીમ શુભમના કહેવાથી ઓડિશાના ભુવનેશ્વર ગયો હતો, જ્યાં દીબાના મુનિ અને મુકેશ નામના શખસોએ તેને ગાંજા ભરેલી બેગ સોંપી હતી. પોલીસથી બચવા આરોપી અલગ-અલગ ટ્રાવેલ્સની બસ બદલીને અમદાવાદના વટવા સુધી પહોંચ્યો હતો. અહીંથી તે રાજકોટ જવા રવાના થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. વટવા પોલીસે આ મામલે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી ઘટનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યાં છે.