Ahmedabad

અમદાવાદ: ભીખ માંગવા અને વિધિ કરવાના નામે દાગીના પડાવતી ઠગ મહિલા ઝડપાઇ, 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રામોલ પોલીસે ઘરમાં વિધિના બહાને સોનાના દાગીના પડાવતી મહિલાને ઝડપી પાડી છે. પોલીસે આરોપી મીનાબેન વાદી પાસેથી 60,000 રૂપિયાની સોનાની બુટ્ટી કબજે કરી. આ મહિલા ભીખ માંગવાના બહાને ગંગારામ ભાઈની ચાલીમાં ઘૂસી હતી. અગાઉ પણ તેણે રાજ્યના અનેક શહેરોમાં આવા ગુના આચર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ભીખ માંગવા અને વિધિ કરવાના નામે દાગીના પડાવતી ઠગ મહિલા ઝડપાઇ, 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના

Ahmedabad Crime News: અમદાવાદમાં ભીખ માંગવાના અને દુઃખ દૂર કરવાની વિધિ કરવાના નામે ઘરમાં ઘૂસીને લોકોના સોનાના દાગીના પડાવતી એક મહિલાને રામોલ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ મહિલા પાસેથી રૂપિયા 60,000ની કિંમતની સોનાની બુટ્ટી કબજે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી મહિલા અગાઉ પણ રાજ્યના અનેક શહેરોમાં આવા જ પ્રકારના ગુના આચરી ચૂકી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

દુઃખ દૂર કરવા માટે ઘરમાં વિધિ કરવાનું બહાનું

રામોલ-વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગંગારામ ભાઈની ચાલીમાં આશરે એકાદ મહિના પહેલાં આ મહિલા ભીખ માંગવા ગઈ હતી. ત્યાં એક મહિલાએ તેને ભીખ આપતાં, આ ઠગ મહિલાએ તેમને વાતોમાં ભોળવી તેમનાં દુઃખ દૂર કરવા માટે ઘરમાં વિધિ કરવાનું બહાનું કાઢ્યું હતું. વિધિના નામે તેણે આશરે 6 ગ્રામ વજનની અને રૂપિયા 60,000ની કિંમતની સોનાની બુટ્ટી મેળવી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

બાતમીને આધારે વોચ ગોઠવી ઝડપી લેવાઈ

ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી આ મહિલાને દબોચી લીધી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાની ઓળખ મીનાબેન મહેન્દ્રભાઈ વાદી (ઉંમર વર્ષ 40, રહે. બહીયલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર) તરીકે થઈ છે.

તેણે કબૂલાત કરી હતી કે છેતરપિંડીથી મેળવેલી સોનાની બુટ્ટી એક સોની પાસે ગીરો મૂકી દીધી હતી, જે પોલીસે કબજે કરી છે. રામોલ પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પકડાયેલી મહિલા રીઢા ગુનેગાર છે. અગાઉ પણ તેની સામે માંડવી (કચ્છ), મહેસાણા, ઘાટલોડિયા, પાલનપુર પૂર્વ, નરોડા અને છાપી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.