અમદાવાદ: લક્ઝરી બસમાં પેસેન્જર બનીને આવેલા ઠગે કર્યો હાથફેરો, 10 લાખના 14 આઈફોનની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad iPhone Theft Case: મહારાષ્ટ્રના પુણેથી અમદાવાદ આવતી ખાનગી લક્ઝરી બસમાં લાખો રૂપિયાના આઈફોનની ચોરીની ઘટના સામે આવી છે. પુણેના વેપારી દ્વારા અમદાવાદ મોકલવામાં આવેલા 10.70 લાખ રૂપિયાની કિંમતના 14 એપલ આઈફોન બસમાં જ મુસાફર તરીકે બેઠેલા એક ઠગે ચોરી લીધા હતા. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે હાલ રામોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુસાફર બનીને આવેલા ઠગની કરતૂત
પુણેમાં મોબાઈલનો વ્યવસાય કરતા પ્રેમ સુરેશ ઠાકુરે ગત 15મી જુલાઈના રોજ અમદાવાદના આશ્રમ રોડ પર વેપાર કરતા સલમાનને 14 આઈફોનનું એક પાર્સલ બસમાં મોકલાવ્યું હતું. બીજા દિવસે જ્યારે સલમાન સીટીએમ સ્થિત ટ્રાવેલ્સની ઓફિસે પોતાનું પાર્સલ લેવા પહોંચ્યા, ત્યારે પાર્સલ અંદરથી ખાલી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે બસના સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, બસની છેલ્લી સીટ પર બેઠેલો એક શખસ પાર્સલ પોતાની સીટ પર લઈ ગયો હતો અને તેમાંથી મોબાઈલ કાઢી લીધા બાદ ખાલી ખોખું પાછુ મૂકી દીધું હતું.
ખોટા નામે ટિકિટ બુક કરાવી હતી
આ અંગે તપાસ કરતા પેસેન્જરનું લિસ્ટ અને રિઝર્વેશનની વિગતમાંથી ખુલ્યું હતું કે ચોરી કરનાર શખસે ખોટા નામથી ટિકિટ બુક કરાવી હતી. જોકે, મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેનું સાચું નામ ગજેન્દ્રસિંહ રાજપૂત હોવાનું ખૂલ્યું હતું. વેપારીએ જ્યારે તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે ફોન પરત આપવાની ના પાડી હતી. અંતે, આ સમગ્ર મામલે પુણેના વેપારી પ્રેમે આરોપી ગજેન્દ્રસિંહ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.









