અમદાવાદ: સોશિયલ મીડિયા પર અજાણ્યાનો સંપર્ક ભારે પડ્યો; 'સોનુ' બની હિન્દુ સગીરાને ફસાવનાર ગ્વાલિયરનો પરિણીત બિટ્ટુખાન ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: સોશિયલ મીડિયા પર હિન્દુ યુવકની ખોટી ઓળખ આપીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરાનું ઓનલાઇન જાતીય શોષણ અને બ્લેકમેઇલિંગ કરવાના એક ચકચારી કેસનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. કણભા પોલીસ અને એલ.સી.બી. (LCB)ની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી 25 વર્ષીય આરોપી બિટ્ટુખાન ઉર્ફે 'સોનુ' રહીશખાનની ધરપકડ કરી લીધી છે.
'સોનુ' નામ ધારણ કરી સાચી ઓળખ છુપાવી
મળતી માહિતી અનુસાર, આરોપી બિટ્ટુખાને ગત ફેબ્રુઆરી મહિનામાં એક મેસેજિંગ એપ્લિકેશન મારફતે સગીરાનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાનું નામ 'સોનુ' હોવાનું જણાવી પોતે 23 વર્ષનો કુંવારો હિન્દુ યુવક હોવાની ખોટી ઓળખ આપી હતી. સગીરા અભ્યાસ અર્થે અન્ય શહેરમાં હોસ્ટેલમાં રહેતી હોવાથી, આરોપીએ પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવીને તેનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ સગીરાનો વોટ્સએપ નંબર મેળવ્યો હતો.
અશ્લીલ વીડિયો કોલ રેકોર્ડિંગ અને બ્લેકમેઇલિંગ
ધીમે-ધીમે વાતચીત વધારીને નરાધમે સગીરાને અશ્લીલ વીડિયો કોલ કરવા દબાણ કર્યું હતું અને કપટપૂર્વક તેના સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારી લીધા હતા. આટલું જ નહીં, આરોપીએ સગીરાના જી-મેઈલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પાસવર્ડ પણ મેળવી લીધા હતા અને તેની પ્રવૃત્તિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ તેણે સગીરાને રૂબરૂ મળી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. સગીરાએ ઇનકાર કરતા જ આરોપીએ સ્ક્રીન રેકોર્ડિંગ અને ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું.
આરોપી એક સંતાનનો પિતા નીકળ્યો
સતત ત્રાસના કારણે સગીરાના વર્તનમાં બદલાવ આવતા તેની માતાએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન સગીરાને યુસુફ નામના એક અન્ય મિત્ર પાસેથી ખબર પડી કે, પોતાની જાતને કુંવારો હિન્દુ ગણાવતો 'સોનુ' વાસ્તવમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો બિટ્ટુ ખાન રહીશ ખાન છે. એટલું જ નહીં, આરોપી પહેલેથી જ પરિણીત છે અને તેને એક દીકરી પણ છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને તપાસ
સમગ્ર હકીકત સામે આવ્યા બાદ 15મી જુલાઈના રોજ કણભા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો (POCSO) એક્ટ અને આઇટી (IT) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી બિટ્ટુખાન ઉર્ફે સોનુને દબોચી લીધો હતો.
પોલીસને આરોપીના મોબાઈલમાંથી અન્ય 3થી 4 યુવતીઓના સંપર્કો પણ મળી આવ્યા છે. આ કેસમાં કોઈ નાણાકીય ફંડિંગ કે અન્ય કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









