Ahmedabad

અમદાવાદ: યુવકના દસ્તાવેજ પર 15 ક્રેડિટ કાર્ડ મેળવી 23 લાખથી વધુની છેતરપિંડી, 3 સામે ફરિયાદ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ગોધરાના ચિરાગ શુક્લાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અપર્ણા સિંહ, નંદકિશોર સિંહ અને હિતેન શાહે તેમના સાળા ગુંજન ભટ્ટના દસ્તાવેજોનો દુરુપયોગ કરી 15 ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. આ ઉપરાંત, બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરાવી કુલ 23.98 લાખની છેતરપિંડી આચરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: યુવકના દસ્તાવેજ પર 15 ક્રેડિટ કાર્ડ મેળવી 23 લાખથી વધુની છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Credit Card Fraud: અમદાવાદમાં યુવકના ઓળખ કાર્ડ અને દસ્તાવેજોનો દુરુપયોગ કરી 15 ક્રેડિટ કાર્ડ મેળવી તેમજ બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરાવી કુલ 23.98 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ગોધરાના રહેવાસી ચિરાગ શુક્લાએ તેના સાળા ગુંજન ભટ્ટ તરફથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અપર્ણા સિંહ, નંદકિશોર સિંહ (રાજપૂત) અને હિતેન શાહ નામના શખસોએ ગુંજનનો વિશ્વાસ કેળવી આ આર્થિક છેતરપિંડી આચરી છે.

જાણો શું છે સમાગ્ર મામલો

ફરિયાદની વિગતો અનુસાર, ગુંજન ભટ્ટ 2018થી અપર્ણા સિંહને ઓળખતા હતા. વર્ષ 2024માં હિતેન શાહે મોબાઈલ શોપ શરૂ કરી હતી, જ્યાં અપર્ણા સિંહ પણ અવારનવાર બેસતી હતી. ગુંજન નિયમિતપણે આ દુકાને જતા હોવાથી આરોપીઓ સાથે તેની નિકટતા વધી હતી. આ વાતચીત દરમિયાન આરોપીઓએ ગુંજનને વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓમાંથી લોન તથા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મદદ કરવાની ઓફર કરી દસ્તાવેજોની નકલો મેળવી લીધી હતી.

દસ્તાવેજોના આધારે આરોપીઓએ 2024થી મે 2026 દરમિયાન ગુંજનના નામે 15 ક્રેડિટ કાર્ડ મેળવી લીધા હતા. ગુંજનની જાણ બહાર આ ક્રેડિટ કાર્ડ્સ પરથી અંદાજે 5 લાખ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આરોપીઓએ મૂળ ક્રેડિટ કાર્ડ પોતાની પાસે જ રાખ્યા હતા.

આ ઉપરાંત, આરોપીઓએ ગુંજનને મકાન પર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડમાંથી 22.66 લાખ રૂપિયાની મોર્ટગેજ લોન લેવડાવી હતી. તેમાંથી ક્રેડિટ કાર્ડના હપ્તા પેટે 4.58 લાખ રૂપિયા ચૂકવાયા બાદ બાકી રહેલી રકમમાંથી 12.98 લાખ રૂપિયા ગુંજનના એસબીઆઈ ખાતામાં જમા થયા હતા. આરોપીઓએ ગુંજનને નાણાંની તાત્કાલિક જરૂરિયાત હોવાનું કહી 13મી એપ્રિલ 2025થી 25મી મે 2026 દરમિયાન અનેક વ્યવહારો દ્વારા પોતાના વિવિધ ખાતાઓમાં 18.98 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આમ, બેન્ક ખાતાઓમાંથી ડાયવર્ટ કરાયેલા 18.98 લાખ રૂપિયા અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા મળીને કુલ 23.98 લાખ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું હતું. ગુંજન ભટ્ટ અને તેમની પત્ની માનસિક ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હોવાથી આ સમગ્ર છેતરપિંડી પરિવારના ધ્યાને મોડી આવી હતી. હાલ આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી બેન્ક સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડ અરજીઓ અને ટ્રાન્ઝેક્શન રેકોર્ડના આધારે વધુ તપાસ હાથ ધરી છે.