અમદાવાદમાં બોસનો ફોટો જોઈ એકાઉન્ટન્ટે ₹3 કરોડ ચૂકવી દીધા, કોન્ફરન્સ કોલ થતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Changodar Cyber Fraud News : અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલી 'પ્યોર એન્ડ ક્યોર ટેકનોલોજી' નામની કંપનીમાં સાઇબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાતિર ઠગે કંપનીના ડિરેક્ટર હેમંતભાઈના નામે અને તેમના જ ફોટોવાળું નકલી વોટ્સએપ પ્રોફાઇલ બનાવી કંપનીના એકાઉન્ટન્ટ હાર્દિકભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ઠગે ડિરેક્ટર તરીકેની ઓળખ આપી એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધા હતા અને અજાણ્યા બેંક એકાઉન્ટમાં 3 કરોડ રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બેંક બેલેન્સ પૂછીને 3 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આપ્યો આદેશ
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી ચાંગોદર ખાતેની આ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય હાર્દિકભાઈ પટેલ ગત 18 ઓગસ્ટે સવારે ઓફિસે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં પ્રોફાઇલમાં ડિરેક્ટર હેમંત સરનો ફોટો હતો. ઠગે કંપનીના બેંક એકાઉન્ટના બેલેન્સ અંગે પૂછપરછ કરતાં એકાઉન્ટન્ટે 13 કરોડ પ્લસ CC 6 કરોડ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઠગે 'એગ્રોઝેલા પ્રાઇવેટ લિમિટેડ' ના બેંક એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક 3,00,00,000 રૂપિયા ચૂકવી દેવા આદેશ કર્યો હતો.
કોન્ફરન્સ કોલ પર વાત થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો
ડિરેક્ટરનો જ આદેશ હોવાનું માનીને હાર્દિકભાઈએ પેમેન્ટ માટેની પ્રક્રિયા કરી કંપનીના અન્ય ભાગીદાર નયનભાઈ પાસેથી ફોન પર એપ્રુવલ મેળવીને રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. સવારે 11.46 વાગ્યે બેંકમાંથી પેમેન્ટ સક્સેસ થયાનો મેઇલ આવ્યો હતો. જોકે, 11.47 વાગ્યે નયનભાઈ અને અસલી ડિરેક્ટર હેમંતભાઈ સાથે કોન્ફરન્સ કોલ પર વાત થતાં ખુલાસો થયો હતો કે હેમંતભાઈએ આવો કોઈ મેસેજ કર્યો જ નહોતો. પોતાની સાથે 3 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની જાણ થતાં જ એકાઉન્ટન્ટે તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.




