શંકરસિંહ સામે વિરોધનો વંટોળ: સવર્ણ સમાજ લાલઘૂમ, અનામત આંદોલનની જેમ રસ્તા પર ઊતરવાની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shankersinh Vaghela Statement Controversy: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનને પગલે સમગ્ર રાજ્યનો સવર્ણ સમાજ આકરા પાણીએ થયો છે અને શંકરસિંહ વાઘેલા સામે મોરચો ખોલી દીધો છે. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, શંકરસિંહ વાઘેલાના જાહેર કાર્યક્રમનો વિરોધ કરાશે.
'જરૂર પડે અનામત આંદોલનની જેમ રસ્તા પર ઉતરીશું'
પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા વરુણ પટેલે આ મુદ્દે જણાવ્યું છે કે, 'શંકરસિંહ વાઘેલા (બાપુ)એ સવર્ણ સમાજનું ઘોર અને ધરાર અપમાન કર્યું છે. આ અપમાનને ચલાવી લેવામાં નહીં આવે. આ મુદ્દાને આગામી દિવસોમાં આક્રમક રીતે ઉઠાવવામાં આવશે.' પાટીદાર યુવાનો અને સામાજિક સંગઠનોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો જરૂર પડશે તો વર્ષ 2015ના અનામત આંદોલનની જેમ ફરી એકવાર રાજ્યભરમાં રસ્તા પર ઉતરી દેખાવો કરવામાં આવશે.
આ વિવાદને પગલે પાટીદાર, બ્રહ્મસમાજ સહિત અન્ય સમાજ અને વિવિધ સામાજિક સંગઠનો ટૂંક સમયમાં એક મહાબેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં આગામી વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે. શંકરસિંહ વાઘેલા વિરૂદ્ધ શાતિઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
એવું પણ નક્કી કરાયુ છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના જાહેર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે, કે આ ઉપરાંત, એવુ અલ્ટીમેટમ આપ્યું છે કે જો પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી નહીં માંગે, તો અનામત આંદોલનની જેમ રસ્તા પર ઉતરીશું. બીજી તરફ, આટલા વિરોધ છતાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન પર મક્કમ જોવા મળી રહ્યા છે. તેમણે પ્રતિક્રિયા આપી સ્પષ્ટ કર્યું છે કે, માફી માંગવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આ નિવેદન કોઈ જ્ઞાતિ વિશેષના વિરોધમાં નહોતું, પરંતુ અનામત પ્રથાનો વિરોધ કરનારી માનસિકતા અને સરકારની નીતિઓ સામે એક કટાક્ષ હતો.




