Ahmedabad

અમદાવાદમાં જબરો ખેલ પકડાયો, જૂના ડબામાં ખાદ્યતેલ ભરવાનું કારસ્તાન, 175 ટિન જપ્ત

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાંભાના પીપળજ રોડ પર "મમતા એગ્રો પ્રોટીન" પર દરોડા પાડ્યા. છત્રાલથી ટેન્કરમાં સોયાબીન, કપાસિયા, પામ તેલ મંગાવી જૂના ડબ્બામાં ભરી વેચાણ થતું હતું. 3.75 લાખના 175 ભરેલા ટિન, 300 ખાલી ડબ્બા મળ્યા. એકમ સીલ કરી FSSAI લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં જબરો ખેલ પકડાયો, જૂના ડબામાં ખાદ્યતેલ ભરવાનું કારસ્તાન, 175 ટિન જપ્ત

Ahmedabad Food Department Raid : અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યતેલોમાં થતી ભેળસેળ અને ગેરરીતિઓ સામે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં લાંભા વિસ્તારમાં જાણીતી કંપનીઓના જૂના અને વપરાશમાં લેવાયેલા ડબ્બામાં ખાદ્યતેલ ભરીને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા એક એકમ પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી માત્રામાં ભરેલા અને ખાલી ડબ્બા મળી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એકમ સીલ કરી દેવામાં આવ્યું હતું.

છત્રાલથી ટેન્કર મંગાવી ચલાવાતું હતું ભેળસેળનું કારસ્તાન

લાંભાના પીપળજ રોડ પર આવેલા આદર્શ એસ્ટેટમાં ધમધમતા 'મમતા એગ્રો પ્રોટીન' નામના એકમ પર ફૂડ વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ એકમ દ્વારા સોયાબીન, કપાસિયા અને પામ તેલ છત્રાલથી ટેન્કરમાં મંગાવવામાં આવતું હતું. ત્યારબાદ આ તેલને અલગ-અલગ બ્રાન્ડના નામે જૂના ડબ્બામાં ભરીને બજારમાં વેચવામાં આવતું હતું. સ્થળ પરથી આશરે 3.75 લાખ રૂપિયાની કિંમતના 175 ભરેલા ટિન તેમજ 300 જેટલા ખાલી વપરાયેલા ડબ્બા મળી આવ્યા હતા.

બ્રાન્ડ અને ટ્રેડમાર્ક વગરનું ગેરકાયદેસર વેચાણ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર ડૉ. તેજસ શાહના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી 'રાજહંસ' અને 'કપાસ' નામની બ્રાન્ડના લેબલ મળી આવ્યા હતા, પરંતુ આ લેબલ્સ ટ્રેડમાર્ક કરાયેલા નહોતા. ઉપરાંત, આ ખાદ્યતેલ કયા સ્થળોએ અને ક્યાં વેચવામાં આવે છે તેનો કોઈ પણ પ્રકારનો અધિકૃત રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો ન હતો. પેકિંગમાં ગંભીર ખામીઓ અને અનિયમિતતા જોવા મળતા ભરેલા ડબ્બાઓનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરાવી દેવામાં આવ્યું હતું.

FSSAI લાયસન્સ રદ કરવાની કાનૂની તજવીજ

વેપારી દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેષ્ટા કરવા બદલ ફૂડ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. એકમને સીલ કરવાની સાથે તેનું FSSAI લાયસન્સ રદ કરવા માટેની આગળની કાનૂની કાર્યવાહી પણ સત્તાવાર રીતે હાથ ધરવામાં આવી છે. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.