અમદાવાદ: ફસાયેલા 42 કરોડ પરત અપાવવાની લાલચ આપી વેપારી સાથે 28.50 લાખની ઠગાઈ, દંપતી સામે CIDમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Thaltej Couple Fraud: અમદાવાદમાં વેપારી સાથે થયેલી 42 કરોડ રૂપિયાની છેતરપિંડીના નાણાં પરત અપાવવાનું કહીને થલતેજમાં રહેતા દંપતીએ 28.50 લાખ રૂપિયા મેળવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમના અમદાવાદ યુનિટમાં નોંધાઈ છે.
નિકોલમાં આવેલા નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પીન ભીમાણીએ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદની વિગતો અનુસાર, તેઓ એક વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2021-22 દરમિયાન તેમની સાથે 42 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી, જે અંગે તેમણે CID ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ દરમિયાન જલ્પીનભાઈની મુલાકાત તેમના વકીલ મિત્ર મારફતે અનિલ વિભાણી અને તેની પત્ની રાજવી (બંને રહે. વેરેન્ટીસ 22, હેબતપુર ચાર રસ્તા, થલતેજ) સાથે થઈ હતી.
અનિલ વિભાણીએ દાવો કર્યો હતો કે તે આરોપીઓ પાસેથી 42 કરોડ રૂપિયા પરત કરાવી આપશે, કારણ કે તેના પોલીસ વિભાગ અને ગાંધીનગરમાં મંત્રીઓ સાથે સીધા સંબંધો છે. તેણે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંત્રીઓના નામ પણ આપ્યા હતા, જેથી જલ્પીનભાઈને તેના પર વિશ્વાસ બેઠો હતો. આ કામ માટે અનિલ વિભાણીએ પોલીસ અધિકારીઓને એડવાન્સમાં નાણાં આપવાના નામે 25 લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચની માગણી કરી હતી. જલ્પીનભાઈએ વિશ્વાસ મૂકીને તબક્કાવાર કુલ 28.50 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.
ત્યારબાદ આરોપી દંપતીએ 42 કરોડ રૂપિયા રિકવર થાય તેમાં પણ ટકાવારી (કમિશન)ની માગણી કરી હતી. જોકે, મહિનાઓ વીતી ગયા છતાં કામ ન થતાં અને આરોપીઓ તરફથી માત્ર વાયદા જ મળતાં જલ્પીનભાઈને શંકા ગઈ હતી. તેમણે પોતાના નાણાં પરત માગતાં અનિલ વિભાણી અને તેની પત્નીએ પૈસા આપવાની ના પાડીને ધમકી આપી હતી.
આ દરમિયાન જલ્પીનભાઈને જાણવા મળ્યું હતું કે અનિલ વિભાણી અને તેની પત્ની સામે અગાઉ પણ સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આખરે, છેતરપિંડીનો ભોગ બનેલા જલ્પીનભાઈએ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









