Ahmedabad

નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું, બે મહિલા સહિત 7 આરોપી પકડાયા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડા હંસપુરામાં સાહિત્ય આર્કેડમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 2 મહિલાઓ સહિત 7 આરોપીઓને ઝડપી લીધા છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના બહાને છેતરી, ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી પૈસા પડાવતા હતા. બિટકોઈન અને હવાલા દ્વારા નાણાં મેળવી, પોલીસે લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું, બે મહિલા સહિત 7 આરોપી પકડાયા

Naroda Fake Call Center Ahmedabad : અમદાવાદ શહેરના નરોડા હંસપુરા વિસ્તારમાં આવેલા સાહિત્ય આર્કેડમાં છેલ્લા ત્રણ મહિનાથી સક્રિય રીતે ધમધમતા એક ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના બહાને આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરવામાં આવી રહી હતી. નરોડા પોલીસે બાતમીના આધારે સાહિત્ય આર્કેડના પ્રથમ માળે આવેલી દુકાન નંબર 112માં દરોડો પાડીને બે મહિલાઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે અને સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ ફોન તથા રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમેરિકાની બેંકોના ડેટા મેળવતા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અમેરિકાની વિવિધ બેન્કોના વકીલ કે લીગલ એડવાઈઝર તરીકે ખોટી ઓળખ આપીને નાગરિકો સાથે સંપર્ક કરતા હતા. તેઓ અમેરિકન નાગરિકોના બેન્ક ખાતા સંબંધિત લીક થયેલો ડેટા મેળવીને ટાર્ગેટ નક્કી કરતા અને કર્મચારીઓને વિદેશી ઉચ્ચાર સાથે વાત કરવાની ખાસ સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી. આ કર્મચારીઓ અમેરિકન નાગરિકોને ઈ-મેલ મોકલીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરાવવાની લાલચ આપતા હતા અને નાગરિકો વિશ્વાસમાં આવી જતા તેમના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લેતા હતા. આ રીતે મેળવેલી સંવેદનશીલ વિગતો વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે પેમેન્ટ હેન્ડલર્સને મોકલીને નાણાં કઢાવવામાં આવતા હતા.

અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઠગાઇ

ઠગાઈના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત અને ટેક્નોલોજી આધારિત હતી. લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા નાણાં સીધા ભારતીય બેંક ખાતામાં લેવાને બદલે બિટકોઈન એટલે કે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મેળવવામાં આવતા હતા. ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપ અને ડાર્ક વેબની મદદથી આ બિટકોઈનને ભારતીય ચલણમાં ફેરવીને હવાલા અને આંગડિયા પદ્ધતિ દ્વારા રોકડ રકમ મેળવવામાં આવતી હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં જીગેશ ઝાલાહર, દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ વૈષ્ણવ, ઇમ્તીહેન સંગ ચાર્મયાર્ડ, પ્રીતીબેન પટેલ અને વૈશાલી વેધાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કોલ સેન્ટરને લીડ કોણ પૂરું પાડતું હતું અને આ નેટવર્ક સાથે અન્ય કયા શખ્સો જોડાયેલા છે તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.