Ahmedabad

માફી માંગવાનો સવાલ જ નથી, હું ચીલાચાલુ નેતા નથી: મેલું ઉપાડવાના નિવેદન પર ઘેરાયેલા શંકરસિંહ વાઘેલાનો પલટવાર

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારામાં 'મેલું ઉપાડવા' અંગેના નિવેદન પર પૂર્વ CM શંકરસિંહ વાઘેલા અડગ છે. રાજ્યભરમાં સવર્ણ સમાજનો વિરોધ છતાં, તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો છે. વાઘેલાએ જણાવ્યું કે, તેમનું નિવેદન ભાજપ સરકાર અને અનામત વિરોધીઓ માટે હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, SC, ST, OBC ગુજરાતના સાચા માલિક છે. બ્રહ્મસમાજ અને પાટીદાર સમાજે 3 દિવસમાં માફી ન માંગે તો 'વસંત વગડો' ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માફી માંગવાનો સવાલ જ નથી, હું ચીલાચાલુ નેતા નથી: મેલું ઉપાડવાના નિવેદન પર ઘેરાયેલા શંકરસિંહ વાઘેલાનો પલટવાર

Shankersinh Vaghela Statement Video Viral: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી સમાજની વિરોધ સભા દરમિયાન 'મેલું ઉપાડવા' અંગે આપેલા નિવેદન બાદ રાજ્યભરના સવર્ણ સમાજમાં ઉઠેલા વિરોધ અને આક્રોશ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. વિરોધ કરનારાઓને વળતો જવાબ આપતાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના નિવેદન બદલ માફી માંગશે નહીં.

'હું ક્યારેય નિવેદન ફેરવી તોળતો નથી' - શંકરસિંહ વાઘેલા

મેલું ઉપાડવા અંગે આપેલા નિવેદન પર થયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'દુઃખી આદિવાસી ખેડૂતો સાથેના સંવાદમાં મેં જે નિવેદન આપ્યું તેના પર ભાજપના લોકો સમજ્યા વગર મચી પડ્યા છે. હું ક્યારેય કોઈ નિવેદન ફેરવી તોળતો નથી, તેથી માફી માંગવાનો કોઈ સવાલ જ નથી ઉપસ્થિત થતો.'

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર અનામત વિરોધી છે. મેં જે નિવેદન આપ્યું તે અનામત વિરોધી લોકો માટે હતું. મારો કહેવાનો અર્થ એ હતો કે જે લોકોએ વર્ષો સુધી મેલું ઉપાડ્યું છે તેનું વળતર અનામત છે. મારું નિવેદન ભાજપ માટે હતું અને ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ છે. મારી સામે કોમેન્ટ કરતાં પહેલાં વિચારજો, મારી સામે મજાક ના કરતા… હું ચીલાચાલુ નેતા નથી.'

કયા નિવેદનથી છેડાયો હતો વિવાદ?

સાગબારાના ખોપી ગામે જંગલની જમીનના ખેડાણ મુદ્દે આયોજિત જાહેરસભામાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, 'હું ઘણાં લોકોને કહું છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય, પછી ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ ગમે તે હોવ, મેલું ઉપાડવા બદલ મહિને 50 હજાર રૂપિયા હું તમને આપીશ. તમે આ લોકોનું મેલું ઉપાડો અને તેઓ જે હાલતમાં રહે છે તે હાલતમાં રહી જુઓ, ત્યારે ખબર પડશે કે તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વીજળી નથી, પાણી નથી, કશું જ નથી. અહીંયા વર્ષોથી તેમનો હક અને અનામત છે. SC, ST અને OBC મળીને 70 ટકા છો, તમે જ ગુજરાતના સાચા માલિક છો.'

સવર્ણ સમાજ અને નેતાઓમાં ભારે રોષ, 'વસંત વગડો' ઘેરવાની ચીમકી

શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ બ્રહ્મસમાજ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો. બ્રહ્મસમાજના અગ્રણીઓએ આ નિવેદનને વર્ગવિગ્રહ અને આંતરવિગ્રહ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે ચીમકી આપી હતી કે જો શંકરસિંહ વાઘેલા 3 દિવસમાં જાહેરમાં માફી નહીં માંગે તો તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન 'વસંત વગડો'ની બહાર ઉગ્ર દેખાવો કરવામાં આવશે.

પાટીદાર નેતાઓએ પણ આ નિવેદનને ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે અપાયેલું વાહિયાત નિવેદન ગણાવી શંકરસિંહ વાઘેલાને તેમની ઉંમર અને પરિપક્વતાનું ભાન રાખવા સલાહ આપી હતી. જોકે, સવર્ણ સમાજની માફીની માંગણી અને આંદોલનની ચીમકી સામે શંકરસિંહ વાઘેલાએ ઝૂકવાનો સાફ ઈનકાર કરી દેતાં આ રાજકીય અને સામાજિક ગરમાવો વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.