Ahmedabad

ફાર્મા કંપનીના ખર્ચે પેરિસ જવું ભારે પડ્યું, અમદાવાદના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ગીતા પટેલ સહિત ત્રણ ડૉક્ટર 13 મહિના સસ્પેન્ડ

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. ગીતા જે. પટેલને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 13 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. ફાર્મા કંપનીના ખર્ચે પેરિસમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા બદલ તેમને વ્યાવસાયિક ગેરરીતિના દોષિત ઠેરવાયા છે. ₹1 લાખથી વધુનો પ્રવાસ અને રહેવાનો ખર્ચ સ્વીકાર્યો હતો. સુરતના ડૉ. જગદીશ સખિયા અને ડૉ. અમી શાહ સામે પણ આવા જ પગલાં લેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાર્મા કંપનીના ખર્ચે પેરિસ જવું ભારે પડ્યું, અમદાવાદના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ગીતા પટેલ સહિત ત્રણ ડૉક્ટર 13 મહિના સસ્પેન્ડ
AI તસવીર

Sponsored in Paris, Suspended in Gujarat: ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા અમદાવાદના મોભાદાર અને ધનિક વર્ગમાં લોકપ્રિય સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. ગીતા જે. પટેલને સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી 13 મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે. એક ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ટ્રેવલિંગ અને હોસ્પિટાલિટી (રહેવા-જમવાનો ખર્ચ) સ્વીકારવા બદલ તેમને વ્યાવસાયિક ગેરરીતિના દોષિત ઠેરવાયા છે. ડૉ. ગીતા પટેલ શહેરના અગ્રણી સ્કીન કેર અને લેઝર ટ્રીટમેન્ટ નિષ્ણાત છે. આ સાથે સુરતના અન્ય બે જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. અમી શાહ અને ડૉ. જગદીશ સખિયા સામે પણ શિસ્તભંગના પગલાં ભરાયા છે.

કેવી રીતે શરૂ થઈ તપાસ?

નેશનલ મેડિકલ કમિશન (NMC) ના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) ના નિર્દેશો બાદ આ કાર્યવાહી કરાઈ હતી. કમિશને 15 ડિસેમ્બર, 2025 ના રોજ પત્ર લખીને ગુજરાત મેડિકલ કાઉન્સિલને નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 ની કલમ 27 અને 30 હેઠળ તપાસ કરવા જણાવ્યું હતું. આ પૂર્વે, 23 ડિસેમ્બર, 2024 ના રોજ એપેક્સ કમિટી ફોર ફાર્મા માર્કેટિંગ પ્રેક્ટિસિસ દ્વારા એક ઓર્ડર પાસ કરાયો હોત, જેને કમિશને આગળ મોકલ્યો હતો.

પેરિસ અને મોનાકોની લક્ઝુરિયસ ટૂર

મેડિકલ કાઉન્સિલની તપાસ પ્રમાણે, અમદાવાદના સિંધુ ભવન રોડ પર 'ઝહરા સ્કીન એન્ડ લેઝર ક્લિનિક' ચલાવતા ડૉ. ગીતા પટેલે 26 થી 29 માર્ચ, 2024 દરમિયાન પેરિસ અને મોનાકોમાં યોજાયેલી 'એસ્થેટિક્સ એન્ડ એન્ટી-એજિંગ મેડિસિન વર્લ્ડ કોંગ્રેસ 2024' માં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. કાઉન્સિલને જાણવા મળ્યું કે તેમની હવાઈ મુસાફરીની ટિકિટો અને હોટેલમાં રહેવાનો તમામ ખર્ચ 'એબવી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' (AbbVie Healthcare India Pvt Ltd) નામની ફાર્મા કંપની દ્વારા ચૂકવાયો હતો. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ રેગ્યુલેશન, 2002 અને યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસિસના ઉલ્લંઘન બદલ કમિશનને મોકલેલા 30 તબીબોના લિસ્ટમાં આ કેસ સામેલ હતો.

શો-કોઝ નોટિસ અને સુનાવણી

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉ. પટેલને કારણદર્શક (શો-કોઝ) નોટિસ પાઠવીને એક્ઝિક્યુટિવ કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. તેઓ સમિતિ સમક્ષ હાજર થયા હતા અને 8 જાન્યુઆરી, 2026 ના રોજ પોતાની મૌખિક રજૂઆત સાથે લેખિત ખુલાસો પણ રજૂ કર્યો હતો.

કાઉન્સિલનું તારણ: ₹1 લાખથી વધુની લહાણી

તમામ પક્ષોને સાંભળ્યા બાદ કાઉન્સિલ એવા તારણ પર આવી કે ડૉ. પટેલે ફાર્મા કંપની દ્વારા સ્પોન્સર કરાયેલી મુસાફરી સુવિધાઓ અને આતિથ્યનો સ્વીકાર કર્યો હતો. કાઉન્સિલે એ પણ નોંધ્યું કે આ પ્રવાસ અને હોસ્પિટાલિટીનું મૂલ્ય ₹1 લાખ કરતાં વધુ હતું, જેના કારણે સુધારેલા નિયમો મુજબ કડક સજાની જોગવાઈ લાગુ થાય છે.

13 મહિના માટે સસ્પેન્શન

કાઉન્સિલે ડૉ. પટેલનું નામ સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી એક વર્ષ અને એક મહિના (13 મહિના) માટે દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અમલમાં આવે તે પહેલા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેથી આ સસ્પેન્શન 30 ઓગસ્ટ, 2026 થી શરૂ થઈને 29 સપ્ટેમ્બર, 2027 સુધી પ્રભાવમાં રહેશે.
આ દરમિયાન તેઓ ગુજરાતમાં કોઈપણ ક્ષમતામાં તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં. મેડિકલ રજિસ્ટ્રેશનને લગતા કોઈ પણ હક કે વિશેષાધિકારનો દાવો કરી શકશે નહીં. સસ્પેન્શનનો સમયગાળો પૂરો થયા બાદ તેમનું રજિસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને તેના નિયમોના પાલનને આધીન રહેશે.

સુરતના બે જાણીતા ડોક્ટરોને પણ સજા

આ જ આદેશ હેઠળ સુરતના બે પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ્સને ડૉ. જગદીશ સખિયા અને ડૉ. અમી શાહને પણ આવી જ સજા ફટકારાઈ છે. આ બંને ડોક્ટર પણ એ જ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા ફાર્મા કંપનીના ખર્ચે વિદેશ ગયા હોવાના દોષિત સાબિત થયા છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોને સ્પષ્ટ કર્યું છે કે તેઓ નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 ની જોગવાઈઓ હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં આ નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર ધરાવે છે.