ભરચોમાસે લીંબુના ભાવમાં 4 ગણો ભડકો! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, દિવાળી સુધી નહીં મળે રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lemon Price Hike: રોજિંદા ખાદ્યપદાર્થો અને અન્ય ચીજવસ્તુઓ બાદ હવે લીંબુએ પણ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અમદાવાદના છૂટક બજારમાં લીંબુનો ભાવ હાલ રૂ. 300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. માત્ર 15 દિવસમાં જ લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં પણ ભાવવધારો યથાવત રહ્યો છે. લીંબુની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ઘટ્યો છે, જેના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું માનવું છે. આગામી દિવાળી સુધી પરિસ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ઉત્પાદન અને ચોમાસાની અસર
ગુજરાત દેશમાં લીંબુના મોટા ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં લગભગ 40,000 હેક્ટર વિસ્તારમાં લીંબુની ખેતી થાય છે, જેમાં મહેસાણા અને ભાવનગરમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન થાય છે. આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ છે. અસ્થિર હવામાનને લીધે ખેતીની સાથે ફળની ગુણવત્તા તેમજ પાક ઉત્પાદનની આવક પર સીધી અસર પડી છે અને આ આવકમાં થયેલો ઘટાડો જ ભાવવધારાનું મુખ્ય કારણ છે.
હોલસેલ અને છૂટક બજારના ભાવમાં મોટો તફાવત
હોલસેલ બજારમાં પણ લીંબુના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. અમદાવાદમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં હોલસેલ ભાવ રૂ. 80થી 160 પ્રતિ કિલો આસપાસ હતા, જે વધીને હાલ રૂ. 120થી રૂ. 200 પ્રતિ કિલો સુધી નોંધાયા છે. જ્યારે છૂટક બજારમાં ભાવ રૂ. 300 સુધી પહોંચી જતાં હવે ગ્રાહકો મજબૂરીવશ જરૂરિયાત મુજબ જ લીંબુ ખરીદતા થયા છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં અને વચેટિયાઓને બખ્ખાં
હાલ છૂટક બજારમાં રૂ. 300 પ્રતિ કિલો વેચાતા લીંબુનો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર રૂ. 100થી 150 જેટલો જ ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને તેમનો પુરતો ભાવ પણ મળતો નથી. આમ, ખેડૂતો અને ગ્રાહકોના ભાવમાં જમીન-આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે, જેના કારણે વચેટિયાઓને મોટો નફો થઈ રહ્યો છે. છૂટક બજાર પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે ગ્રાહકો પાસેથી મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે, જેથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે અને મહેનત કરનાર ખેડૂતો વંચિત રહી જાય છે.




