4 માળની ઊંચાઈ અને 500 હાથી જેટલું વજન... અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહાકાય મશીન કામે લગાડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના અંતર્ગત મુંબઈના વિક્રોલી ખાતેથી દેશના ઇતિહાસમાં સૌથી મોટી રેલ ટનલ બોરિંગ મશીને (TBM) ટનલ ખોદવાની શરૂઆત કરી દીધી છે. આ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક અને મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ મશીન દ્વારા મુંબઈના અત્યંત ગીચ વિસ્તારોની નીચેથી બુલેટ ટ્રેન માટે સુરક્ષિત રસ્તો તૈયાર કરવામાં આવશે.
ચાર માળની ઇમારત જેટલું ઊંચું અને ફૂટબોલ મેદાન જેટલું લાંબુ મશીન
આ વિશાળકાય મશીનનો વ્યાસ(ડાયામીટર) 13.6 મીટર છે, જે આશરે ચાર માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. ભારતમાં રેલ ક્ષેત્રે આટલા મોટા મશીનનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે. તેનું કુલ વજન આશરે 3100 ટન છે, જે 500 એશિયાઈ હાથીઓના વજન બરાબર થાય છે. એટલું જ નહીં, તેની 96 મીટરની લંબાઈ એક આખા ફૂટબોલ મેદાન જેટલી છે. આ ભીમકાય મશીનને ચલાવવા માટે જમીનની ઉપર એક આખી આધુનિક અને હાઇટેક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.
21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલનું નિર્માણ
બુલેટ ટ્રેન માટે મુંબઈથી અમદાવાદ વચ્ચે કુલ 21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાંથી 16 કિલોમીટરનો હિસ્સો આ વિશાળ મશીન દ્વારા ખોદીને તૈયાર કરાશે, જ્યારે બાકીનો 5 કિલોમીટરનો ભાગ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ(NATM) ટૅક્નોલૉજીની મદદથી પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ મશીન સિંગલ-ટ્યુબ ટનલ તૈયાર કરશે, જેમાં બુલેટ ટ્રેનના આવવા અને જવા માટેના બંને ટ્રેક એકસાથે હશે. મશીન આગળ વધવાની સાથે ખોદકામ અને ક્રોંક્રિટ લાઇનિંગનું કામ પણ એકસાથે કરે છે, જેથી ટનલ ઝડપથી અને મજબૂત બને.
મીઠી નદી અને ગીચ વિસ્તારોની નીચેથી પસાર થશે ટ્રેક
આ અંડરગ્રાઉન્ડ ટનલ મુંબઈના સૌથી વ્યસ્ત રહેણાક વિસ્તારો, ઊંચી ઇમારતો, રસ્તાઓ અને મીઠી નદીની બરાબર નીચેથી પસાર થવાની છે. આ માટે વિશેષ 'મિક્સશીલ્ડ ટૅક્નોલૉજી'નો ઉપયોગ કરાયો છે, જે વધુ ભૂગર્ભ જળ ધરાવતા વિસ્તારો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આધુનિક ટૅક્નોલૉજીને કારણે જમીન ધસી પડવાનો કે ઉપરની ઇમારતોને નુકસાન થવાનો કોઈ ભય રહેતો નથી.
20 માળની ઇમારત જેટલો ઊંડો શાફ્ટ અને સુરક્ષા વ્યવસ્થા
આ જાયન્ટ મશીનને જમીનની અંદર ઉતારવા માટે વિક્રોલીમાં 56 મીટર ઊંડો એક વિશાળ શાફ્ટ બનાવાયો છે, જેની ઊંડાઈ લગભગ 20 માળની ઇમારત જેટલી છે. આ જગ્યાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાવર સબ-સ્ટેશન અને બેકઅપ જનરેટર જેવી સુવિધા ગોઠવવામાં આવી છે. ખોદકામ દરમિયાન ઉપરની સપાટી પર કોઈ પ્રભાવ ન પડે તે માટે ખાસ સેન્સર્સ, ટિલ્ટ મીટર અને સીસ્મોગ્રાફ લગાવવામાં આવ્યા છે, જે લાઇવ ડેટા સીધો કંટ્રોલ રૂમને મોકલે છે.
100 ટનની કૉંક્રીટનું રિંગથી સુરંગ સંપૂર્ણ વોટરપ્રૂફ બનશે
થાણેના મહાપે કાસ્ટિંગ યાર્ડમાં આ ટનલને મજબૂતી આપવા માટે 100-100 ટનની 7700 કૉંક્રિટ રિંગ તૈયાર કરાઈ રહી છે. ભવિષ્યમાં ટનલમાં પાણીના લીકેજનો ખતરો બિલકુલ ન રહે તે માટે ડબલ-લેયર રબર સીલ અને અત્યાધુનિક વોટરપ્રૂફ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આખી ટનલ સંપૂર્ણપણે સુરક્ષિત બને.









