ગુજરાત યુનિવર્સિટી સિન્થેટિક ટ્રેકમાં સ્ટેટ કે નેશનલ એથ્લીટ પાસેથી હવે ભાડું વસૂલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Sports Facility Policy: ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ ફેસિલિટીના ઉપયોગ માટે પ્રથમવાર સત્તાવાર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સિન્થેટિક ટ્રેક અને અન્ય રમતોના ઉપયોગ માટે નિયમો અને ભાડાં નક્કી કરવામાં આવ્યા છે, જેનાથી યુનિવર્સિટીની આવકમાં વધારો થશે અને વચેટિયાઓની દખલ અટકશે.
સ્ટેટ અને નેશનલ એથ્લીટ્સ માટે સિન્થેટિક ટ્રેકનો ઉપયોગ
સરકાર દ્વારા કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓની તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સિન્થેટિક ટ્રેક પર પ્રૅક્ટિસ કે રમત માટે રાજ્ય કક્ષાએ અથવા નેશનલ કક્ષાએ ભાગ લીધેલ હોય તેવા એથ્લીટ્સ પાસેથી 15૦૦ રૂપિયા ભાડું લેવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે એથ્લીટે સ્ટેટ કે નેશનલ કક્ષાનું પ્રમાણપત્ર તેમજ જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
કંપનીઓ અને સંસ્થાઓ માટે ઇવેન્ટના ભાડા અને GST નિયમો
વિભિન્ન સ્પોર્ટ્સ ફેસિલિટીઝમાં ઇવેન્ટ્સ માટે સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરવામાં આવ્યા છે:
- સિન્થેટિક ટ્રેક અને બેડમિન્ટન હૉલ: ખાનગી કંપનીઓ કે સંસ્થાઓ દ્વારા ઇવેન્ટ યોજવા માટે અડધા દિવસના 2500 રૂપિયા અને આખા દિવસના 5000 રૂપિયા ભાડું તથા તેના પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.
- અન્ય સ્પોર્ટ્સ હૉલ અને મેદાનો: બોક્સિંગ રિંગ ઇવેન્ટ માટે 11,000 રૂપિયા, વોલીબોલ, હેન્ડબોલ અને કબડ્ડી મેદાનની ઇવેન્ટ માટે 4000 રૂપિયા તેમજ ટેબલ ટેનિસ અને જુડો-કુસ્તી હૉલ માટે 6000 રૂપિયાનું ભાડું અને 18 ટકા જીએસટી લાગુ રહેશે.
વહીવટી પડકારો અને કોન્ટ્રાક્ટ સામે સવાલો
સ્પોર્ટ્સ ફેસિલિટી માટે રેટ અને નિયમો તો નક્કી કરી દેવામાં આવ્યા છે, જેનાથી યુનિવર્સિટીની આવક વધશે અને પારદર્શિતા આવશે. પરંતુ, બીજી બાજુ અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ છે કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી સ્પોર્ટ્સ ડિરેક્ટરની કાયમી જગ્યા ખાલી છે અને પૂરતો સ્ટાફ પણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, હાલમાં બેડમિન્ટન હૉલ ગોઠવણ અને લાગવગના કારણે બારોબાર ચલાવવા માટે આપી દેવાયા હોવાની ચર્ચા છે, ત્યારે આ જૂના કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તે મોટો પ્રશ્ન બન્યો છે. યુનિવર્સિટી દ્વારા સિન્થેટિક ટ્રેક સહિતના ઉપયોગ માટે વિદ્યાર્થીઓ માટે સવારનો અને સાંજનો ચોક્કસ સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.




