ગુજરાતમાં રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ: 3 વર્ષમાં 4,924 રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Road Accidents: ગુજરાતમાં આડેધડ ડ્રાઇવિંગ અને ઓવરટેક કરવાની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. રસ્તા પર દોડતા બેફામ વાહનોના કારણે હવે નિર્દોષ રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું પણ જોખમી બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાતમાં કુલ 4924 રાહદારીઓએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
અકસ્માતમાં સૌથી મોટું નુકસાન યુવાધનને
ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે, અકસ્માતનો ભોગ બનનારાઓમાં સૌથી મોટું નુકસાન યુવાધનને થઈ રહ્યું છે. એવા તારણો બહાર આવ્યા છે કે, અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓમાં 25થી 30 વર્ષના યુવા રાહદારીઓની સંખ્યા સૌથી વધુ છે. આ ઉપરાંત, 35થી 60 વર્ષની વયના પ્રૌઢ અને આધેડ વયના મૃતક રાહદારીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધુ નોંધાઈ છે. માર્ગ અકસ્માતમાં પરિવારના મુખ્ય કમાતા સભ્ય ગુમાવવાના કારણે ઘણાં પરિવારો નિરાધાર બન્યા છે.
વાર્ષિક અકસ્માતો અને મુખ્ય કારણો
ગુજરાતમાં અકસ્માતોનો ગ્રાફ દર વર્ષે નવી સપાટી વટાવી રહ્યો છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 15,000થી વધુ નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં સરેરાશ 1500 જેટલા રાહદારીઓ કાળનો કોળિયો બની જાય છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને સ્પીડ ક્રેઝ આ જીવલેણ અકસ્માતો માટે સૌથી મુખ્ય જવાબદાર પરિબળો હોવાનું સામે આવ્યું છે.

આર્થિક બોજ અને વીમા ક્લેમની સ્થિતિ
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભોગ બનનાર લોકોને હોસ્પિટલમાં તાકીદની (ઈમરજન્સી) સારવાર આપવા પાછળ સરકારી તંત્ર અને પરિવારો દ્વારા આશરે રૂપિયા 4.6 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભયાવહ સ્થિતિની બીજી તરફ, વળતર મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માત વીમા સંબંધિત 4308 જેટલા ક્લેમ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે અકસ્માતની સામાજિક અને આર્થિક અસરો કેટલી ઊંડી છે.
નેશનલ હાઇવે પર 182 બ્લેકસ્પોટ ડેન્જર ઝોન
નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ અને વહીવટી તંત્રની કડક કાર્યવાહીની ઢીલાશને કારણે ગુજરાતના રસ્તાઓ હવે ડેથ ટ્રેપ સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં હાલ નેશનલ હાઈવે પર કુલ મળીને 182 બ્લેક સ્પોટ છે, જ્યાં સૌથી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં એક જ સ્થળે પાંચથી વધુ અકસ્માત થયા હોય અને 10થી વધુ લોકોના મોત થયા હોય તે સ્થળને બ્લેક સ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ સ્થળોએ અકસ્માત ન થાય તે માટે રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કડક જાગૃતિ અને કાયદાકીય અમલવારી જરૂરી બન્યા છે.




