Ahmedabad

CBIના કેસમાં આરોપી હોય તો પણ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થઈ શકે: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં સંડોવાયેલા આરોપીના પાસપોર્ટ રિન્યુઅલ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ આરોપીનો પાસપોર્ટ નિયમ મુજબ 10 વર્ષ માટે રિન્યૂ કરી શકાય છે. જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ નીચલી કોર્ટનો 3 વર્ષ માટે રિન્યુ કરવાનો આદેશ સુધારીને 10 વર્ષ માટે પરવાનગી આપી હતી. જોકે, વિદેશ જતા પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CBIના કેસમાં આરોપી હોય તો પણ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થઈ શકે: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
IMAGE - IANS

સીબીઆઈના પડતર કેસમાં સંડોવાયેલા આરોપીના પાસપોર્ટ રિન્યુઅલ અંગે ગુજરાત હાઇકોર્ટે એક અગત્યનો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ આરોપીનો પાસપોર્ટ નિયમ મુજબ 10 વર્ષની પૂર્ણ સમયમર્યાદા માટે રિન્યૂ કરી શકાય છે. જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ અવલોકન કર્યું હતું કે સામાન્ય પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થતો હોય ત્યારે ટ્રાયલ કોર્ટે પણ અરજદારને 10 વર્ષની જ મંજૂરી આપવી જોઈતી હતી. આ સાથે હાઈકોર્ટે અરજદારનો પાસપોર્ટ માત્ર ત્રણ વર્ષ માટે રિન્યૂ કરવાનો નીચલી કોર્ટનો હુકમ સુધારીને પૂરા 10 વર્ષ માટે રિન્યૂઅલની પરવાનગી આપી હતી અને પાસપોર્ટ ઑફિસને તે મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

શું હતો સમગ્ર કેસ?

અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં આવેલી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના કેસમાં આરોપી મોહમ્મદ ઈકબાલ ગનીભાઈ મેઘરેજીએ પોતાનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરવા મંજૂરી માગી હતી. જોકે, સીબીઆઈ કોર્ટે તેમને માત્ર 3 વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યુ કરવાની પરવાનગી આપી હતી. નીચલી કોર્ટના આ નિર્ણય સામે અરજદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

અરજદારપક્ષની રજૂઆત

અરજદાર તરફથી અદાલતમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ 67 વર્ષના સિનિયર સિટીઝન છે અને બિઝનેસના કામકાજ અર્થે તેમને અવારનવાર વિદેશ પ્રવાસ કરવાનો રહે છે. આ ઉપરાંત તેમના સંતાનો પણ વિદેશમાં સ્થાયી થયેલા છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓનો ટાંકો આપતાં દર્શાવાયું હતું કે માત્ર કેસ પેન્ડિંગ હોવાના કારણે પાસપોર્ટની મુદત ટૂંકાવી શકાય નહીં.

પાસપોર્ટ ઑફિસનો વાંધો હાઇકોર્ટે ફગાવ્યો

સુનાવણી દરમિયાન રિજનલ પાસપોર્ટ ઑફિસર તરફથી એવો વાંધો ઉઠાવાયો હતો કે અરજદારે હજુ પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ રિન્યૂઅલ માટે અરજી જ કરી નથી, જેથી આ પિટિશન સમય પહેલાંની (વહેલી) ગણાય. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દેતાં નોંધ્યું હતું કે કેસ પેન્ડિંગ હોવાને કારણે અરજદાર સક્ષમ કોર્ટની પૂર્વ મંજૂરી લીધા બાદ જ પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ જઈ શકે છે, તેથી અરજી યોગ્ય જ છે.

વિદેશ જતાં પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે

હાઇકોર્ટે અરજદારની અરજી મંજૂર રાખીને 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સાથે એક શરત પણ મૂકી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરજદારે ભારત છોડતાં પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને ટ્રાયલ કોર્ટ કાયદા મુજબ યોગ્ય શરતો લાદી શકશે.