શિક્ષકોને બદલીમાં હવે મૂળ કે નવરચિત જિલ્લામાં જવાનો એકવાર વિકલ્પ મળશે, નિયમમાં સુધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Teacher Transfer Rules: ગુજરાતની ધોરણ 9થી 12ની સરકારી શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમોમાં ઉમેરો કરીને સરકાર દ્વારા નવા નિયમો સાથે નવો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વિભાજનના કારણે ઊભી થયેલી વહીવટી પરિસ્થિતિઓ અને શિક્ષકોની વિવિધ રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ, શિક્ષકોને પોતાના મૂળ જિલ્લા અથવા નવરચિત જિલ્લામાં જવા માટે 'વન-ટાઈમ વિકલ્પ' (એકવાર તક) આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
શિક્ષણ વિભાગ દ્વારા નવી જોગવાઈઓ સાથે નિયમોનો નવો ઠરાવ
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ 12 નવેમ્બર, 2024ના રોજ બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં જિલ્લા વિભાજન અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોવાના કારણે વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હતી. આથી કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા નીતિ નક્કી કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતાં શિક્ષણ વિભાગ દ્વારા નવો ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે, જેમાં અગાઉના બદલી નિયમોમાં સુધારો કરીને જિલ્લા વિભાજન અંગેની નવી જોગવાઈઓ અને શરતો ઉમેરવામાં આવી છે.
બદલી માટે વન-ટાઈમ વિકલ્પની શરતો અને ફોર્મ
જિલ્લા વિભાજન બાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હોય ત્યાં મૂળ જિલ્લામાંથી નવરચિત જિલ્લામાં અથવા નવરચિત જિલ્લામાંથી મૂળ જિલ્લામાં જવા માટે શિક્ષકો પોતાના વિભાગ અને વિષયને અનુરૂપ વિકલ્પ આપી શકશે. આ ઉપરાંત, જો આખો તાલુકો કે કોઈ ગામ બીજા જિલ્લામાં સમાવવામાં આવ્યો હોય, તો ત્યાં ફરજ બજાવતા શિક્ષકો પણ નવા જિલ્લામાં રહેવું કે મૂળ જિલ્લામાં જવું તેનો વિકલ્પ પસંદ કરી શકશે. શિક્ષકો પાસેથી વિકલ્પ મેળવતા પહેલા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ખાલી જગ્યાઓની વિગતવાર યાદી પ્રસિદ્ધ કરીને જાણ કરવામાં આવશે. મૂળ અને નવરચિત જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ નિયત થયેલ વિકલ્પ ફોર્મ ફરજિયાતપણે ભરવાનું રહેશે.
બદલી કેમ્પ યોજવા માટેનો ક્રમ પણ નક્કી કરાયો
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે બદલી કેમ્પ તબક્કાવાર યોજવામાં આવશે. આ પ્રક્રિયામાં સૌથી પહેલાં વધ-ઘટ કેમ્પ યોજાશે, ત્યારબાદ જો જરૂર જણાશે તો તાલુકા વિભાજન કેમ્પ યોજવામાં આવશે. પછીના તબક્કામાં જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ અને ત્યારબાદ જરૂરિયાત મુજબ જિલ્લા વિભાજન કેમ્પનું આયોજન થશે, જ્યારે અંતમાં જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે.









