અમદાવાદમાં તોડબાજી કરતી ગેંગનો ચોંકાવનારો કિસ્સો, દેહ વેપારના ખોટા કેસનો ડર બતાવી યુવકને લૂંટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદ શહેરમાં નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતી ગેંગનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વસ્ત્રાલ વિસ્તારમાં રહીને નરોડાની ફેક્ટરીમાં નોકરી કરતા 40 વર્ષીય મહેશભાઈ યાદવ ગત 7 સપ્ટેમ્બરના રોજ લાંભા ખાતે આવેલા બળિયાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. સવારે દર્શન કરીને મંદિરના બહાર નીકળવાના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં જ રોકી લીધા હતા.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો દાવો કરી અપહરણ જેવો માહોલ સર્જ્યો
રિક્ષામાં આવેલા બંને શખ્સોએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ અચાનક જ મહેશભાઈનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં અપહરણ જેવો ભયાનક માહોલ ઊભો કરી દીધો હતો. ત્યારબાદ નકલી પોલીસે મહેશભાઈ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘તમે નારોલ સર્કલ પાસે દેહવેપાર કરતી મહિલાઓ પાસે ગયા હતા અને તેના સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે આવી ગયા છે.’ આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ સમાધાન નહીં કરે તો આ ફોટા અને ફૂટેજ તેમના પરિવારજનોને બતાવીને તેમને સમાજમાં બદનામ કરી દેવામાં આવશે.
પાકીટમાંથી ઓળખપત્ર આંચકી લીધું અને બળજબરીથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા
બદનામીનો ડર બતાવીને નકલી પોલીસે મહેશભાઈનું પાકીટ ચેક કર્યું હતું અને તેમાંથી તેમનું ઓળખપત્ર કાઢીને પોતાની પાસે રાખી લીધું હતું. ત્યારબાદ યુવકને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડીને નારોલ વિસ્તારની અલગ-અલગ દુકાનો પર લઈ ગયા હતા. ત્યાં માર મારવાની ધમકી આપીને દુકાનદારોના ક્યુઆર કોડ (QR Code) પર ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ એક દુકાને ₹43,430 અને બીજી દુકાને ₹19,190 ફોન પે મારફતે ટ્રાન્સફર કરાવીને દુકાનદારો પાસેથી કુલ ₹62,620ની રોકડ રકમ મેળવી લીધી હતી.
પત્નીની હિંમત બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ઘટના બાદ શરૂઆતમાં સામાજિક બદનામી અને ડરના કારણે યુવકે આ અંગે પરિવારમાં કોઈને પણ જાણ કરી ન હતી. જોકે, બાદમાં તેમણે પોતાની પત્નીને આપ વીતી જણાવતા પત્નીએ હિંમત આપી હતી અને પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. અંતે, છેતરપિંડી અને તોડબાજીનો ભોગ બનનાર યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા નકલી પોલીસના શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




