કિસમિસ 80%, બદામ 20% અને એલચીની કિંમતમાં 30%નો ભાવ વધારો, મોંઘવારીની ચક્કીમાં પીસાતી પ્રજા, નેતાઓના મોઢે તાળા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dry fruit price hike: સમગ્ર રાજ્યમાં તહેવારોની શરૂઆત થતાં જ મોંઘવારીની ચક્કીમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે અને નેતાઓ મોઢે તાળા મારીને બેસી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાંડના ભાવ રૂ. 70ને પાર પહોંચી ગયા બાદ હવે સુકામેવાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને પ્રસાદમાં ધરાવાતા ચૂરમાના લાડુથી માંડીને વિવિધ વાનગીઓમાં વપરાતા કિસમિસના ભાવમાં 80%નો વિસ્ફોટક વધારો થયો છે. આ ઉપરાંત બદામમાં 20% અને એલચીમાં 30%નો ભાવ વધારો થતાં એકંદરે સુકોમેવો ગરીબો અને મધ્યમ વર્ગની પહોંચ બહાર જઈ રહ્યો છે. માત્ર સુકોમેવો જ નહીં, પરંતુ લોટ અને તેલ સહિતની દૈનિક જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.
કિસમિસ, બદામ અને એલચીના ભાવ આસમાને પહોંચ્યા
માર્કેટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં પ્રતિ કિલો રૂ. 250ના ભાવે મળતી કિસમિસ (સુકી દ્રાક્ષ)નો ભાવ આજે વધીને રૂ. 450એ પહોંચી ગયો છે. એવી જ રીતે, માત્ર એક સપ્તાહ પૂર્વે રૂ. 1000 પ્રતિ કિલો વેચાતી બદામના ભાવ વધીને રૂ. 1200 થઈ ગયા છે. આ સિવાય એલચીનો ભાવ જે પહેલેથી જ પ્રતિ કિલો રૂ. 3500 હતો, તેમાં વધુ 30%નો વધારો થતાં હવે તે રૂ. 4500ના સ્તરે પહોંચી ગયો છે. સુકામેવા અને ખાંડના આ કમરતોડ ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે તહેવારોની ઉજવણી કરવી મુશ્કેલ બની ગઈ છે.
શ્રાવણ માસ, રક્ષાબંધન અને ગણેશોત્સવની વાનગીઓ પર મોંઘવારીનું ગ્રહણ
કાચા માલના ભાવ વધારાની સીધી અસર તહેવારોની મીઠાઈઓ અને ધાર્મિક પ્રસાદ પર પડી રહી છે. હાલ શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં મહાદેવને ધરાવાતા ચૂરમાના લાડુ, જેમાં મુખ્યત્વે કિસમિસ અને સુકામેવાનો ઉપયોગ થાય છે, તે મોંઘા થઈ ગયા છે. આગામી સમયમાં આવી રહેલા રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં મોં મીઠું કરાવવા માટેની મીઠાઈઓ તેમજ ત્યારબાદ આવનારા ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને ધરાવાતા લાડુ પ્રસાદના બજેટ પર પણ આ મોંઘવારીની સીધી અસર જોવા મળશે.
દૂધ-મીઠાઈના વેપારીઓ દ્વારા ભાવ વધારાની તૈયારી: મીઠાઈઓ 10% સુધી મોંઘી થશે
શહેરના દૂધ અને મીઠાઈના વેપારીઓના જણાવ્યા અનુસાર, ખાંડના ભાવમાં 40%નો વધારો થયો છે. આ સિવાય દૂધ, સુકોમેવો અને મીઠાઈ બનાવવા માટે વપરાતા તમામ કાચા માલના ભાવ વધી ગયા છે. આ પહેલાં મીઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકાઈ ચૂક્યો છે. આ તમામ પરિબળોને કારણે સરેરાશ રૂ. 450થી રૂ. 1200 પ્રતિ કિલોના ભાવે મળતા પેંડા અને કાજુ કતરી સહિતની મીઠાઈઓમાં 10% સુધીનો વધારો અમલી બની શકે છે. કેટલાક વેપારીઓએ તો અત્યારથી જ પ્રતિ કિલોએ રૂ. 40થી 50નો ભાવ વધારો ઝીંકી દીધો છે.









