અમદાવાદ: 'બંધ કરો આ તાયફાઓ, ચોક્કસ લોકોને જ પ્રશ્નો પૂછવા દો છો', નિકોલના લોક દરબારમાં ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Nikol Lok Darbar: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ્ક્રોઈ વિધાનસભા મતવિસ્તારના નિકોલ વોર્ડમાં યોજાયેલા લોક દરબારમાં સ્થાનિક પ્રશ્નોને લઈને હોબાળો થયો હતો. નાગરિકોએ રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ અને દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન માત્ર ચોક્કસ લોકોને જ પ્રશ્નો પૂછવા દેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા. સ્થિતિને થાળે પાડવા ભાજપના હોદ્દેદારોને સ્ટેજ પરથી નીચે આવી નાગરિકોને સમજાવવા પડ્યા હતા.
લોક દરબારમાં સ્થાનિકો દ્વારા રોડ પર વધી રહેલા લારી-ગલ્લા અને શાકમાર્કેટના દબાણનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો હતો. દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા ખાણીપીણીના પ્લોટોના કારણે આસપાસના વિસ્તારમાં ન્યુસન્સ થતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.
200થી વધુ ગેસ બાટલાના ઉપયોગનો આક્ષેપ
નિકોલ રિંગ રોડ પર આવેલા એક ખાણીપીણીના પ્લોટ અંગે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. અહીં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા વિના 200થી વધુ ગેસના બાટલા ઉપયોગમાં લેવાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો. આ મામલે ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

આવાસ યોજનાના મકાનોમાં 50 ટકા ભાડૂઆત હોવાનો આક્ષેપ
કલ્પેશ પટેલ નામના અરજદારે જણાવ્યું કે, નિકોલ વિસ્તારમાં તો ભરી ભરીને તમે અમને આવાસ આપ્યા છે. આ આવાસ યોજનામાં 50 ટકા લોકો લાભાર્થીઓ નથી પરંતુ ભાડુઆત રહે છે. આ બાબતે ધ્યાન આપજો. તમે પૂર્વ અને પશ્ચિમના ભાગ કરશો નહીં. આ સિવાય અન્ય એક અરજદાર જીગર કાછડીયાએ જણાવ્યું કે, સંકલ્પ સ્કૂલ પાસે જે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે. તમે ત્યાં જઈને જઈ આવો છો એક પણ આંચકો આવે તો ખૂબ જ જાનહાની થઈ શકે છે. પૂર્વ ઝોનના અધિકારીઓ સાંભળતા જ નથી.

એકસાથે રજૂઆત કરવા લોકો પહોંચતા સ્થિતિ વણસી
કાર્યક્રમમાં નાગરિકોને પ્રશ્નો પૂછવાની તક આપવા મુદ્દે પણ ભારે બોલાચાલી થઈ હતી. ચોક્કસ લોકોને જ બોલવાની મંજૂરી મળતી હોવાનો આક્ષેપ કરી લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. નાગરિકો એકસાથે રજૂઆત કરવા આગળ આવતા સ્થિતિ વણસતા હોદ્દેદારોને સ્ટેજ પરથી નીચે આવી મામલો શાંત પાડવાની ફરજ પડી હતી.
મેયરે સમસ્યાઓના ઝડપી ઉકેલની ખાતરી આપી
લોક દરબારમાં મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, ભાજપના નેતા ગોરધન ઝાડફિયા, સ્થાનિક કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. મેયરે નાગરિકોની મૌખિક તેમજ લેખિત રજૂઆતો સાંભળી હતી. નિકોલમાં શાળા અને સ્મશાનગૃહના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું હતું. લોક દરબાર કાર્યક્રમમાં હોબાળો કરવામાં આવ્યો હોવાને લઈને મેયરે જણાવ્યું હતું ક, સ્થાનિક લોકો ઊભા થઈ અને એક સાથે પ્રશ્નોની રજૂઆત કરવા આવી ગયા હતા ત્યારે તમામ લોકોને અમે સાંભળ્યા છે અને તેમના જેટલા પણ પ્રશ્નો છે. તેનું અમે ચોક્કસથી નિરાકરણ લાવીશું.




