ગણપતિ મહોત્સવ સાથે 'ઉત્સવ ઈકોનોમી', 10 વર્ષમાં ખરીદીનું પ્રમાણ અઢી ગણું વધ્યું, વેપાર 250 કરોડને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Ganesh Utsav Boom: જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાડા દેવ ગણપતિજીના પર્વ 'ગણેશ ચતુર્થી'ની આજથી આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દાયકાઓ અગાઉ ગણેશોત્સવ એટલે ઘરના મંદિરમાં આરાધનાની સાથે ડેકોરેશન, ફૂલો, મંડપ, સ્થાપિત ગણેશજીની પરિવારના સભ્યો સાથેની પૂજા- અર્ચના અને સાદગીભર્યો ઉત્સવ, પરંતુ આજે ગણેશોત્સવ માત્ર શ્રદ્ધા પૂરતો સીમિત રહ્યો નથી. બાપ્પાની આરાધનાની સાથે ડેકોરેશન, ફૂલ, મંડપ, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, મૂર્તિથી લઈને પ્રસાદ સુધીની આખી બજાર ધમધમી રહી છે. જેના લીધે અમદાવાદમાં આ દસ દિવસમાં જ 250 કરોડનું એક નવું ધાર્મિક અર્થતંત્ર ઊભું થાય છે.
સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પાછળનો મુખ્ય હેતુ હતો રાષ્ટ્રવાદ
રસપ્રદ વાત તો એ છે કે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત થઈ તેની પાછળ ધાર્મિક કરતાં પણ મોટો રાષ્ટ્રવાદી હેતુ હતો. અંગ્રેજોના સાશનકાળમાં જાહેર મેળાવડા પર નિયંત્રણ હતાં. લોકો એક જગ્યાએ એકત્ર થાય અને સ્વતંત્રતાની વાત કરે તે અંગ્રેજ સરકારને મંજૂર ન હતું. જોકે ધાર્મિક કાર્યક્રમો પર આવા કોઈ પ્રતિબંધ ન હોવાથી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ગણેશોત્સવને લોકજાગૃતિનું માધ્યમ બનાવ્યું હતું. ઘરમાં થતી પૂજાને જાહેર પંડાલ સુધી લઈ જઈ લોકોને મોટા સમૂહમાં એકત્રિત કરવાની નવી પરંપરા શરૂ થઈ હતી.
ગણેશોત્સવ બની રહ્યો છે ધાર્મિક ઈકોનોમીનું મોટું કેન્દ્ર
આજે તેની જગ્યાએધાર્મિક શ્રદ્ધા, સામૂહિક ઉજવણી અને ભવ્ય આયોજન કેન્દ્રસ્થાને આવ્યા છે. આજે એ પરંપરાએ એક આખી ધાર્મિક ઈકોનોમીને જન્મ આપ્યો છે. અમદાવાદમાં નાની સોસાયટીથી લઈને મોટા પંડાલો તેમજ કોર્પોરેટ ઓફિસો સુધી ગણેશજીની સ્થાપના કરાય છે. મૂર્તિ ખરીદવાથી લઈને મંડપ ડેકોરેશન કરનારા, ફૂલના વેપારીઓ, લાઈટિંગ- સાઉન્ડવાળા, કેટરિંગ અને પ્રસાદના અનેક વ્યવસાયોને ગણેશોત્સવમાં સીધી વ્યવસાય મળે છે. બાપ્પાના આગમનથી દિવાળી પહેલાં જ બજારને પણ એક મંગળ પ્રવેશ મળે છે.

દસ વર્ષમાં ગણેશોત્સવનું બજાર પહોંચ્યું અઢી ગણું
દસ વર્ષ અગાઉ ગણેશોત્સવ મોટાભાગે મહારાષ્ટ્ર પૂરતો સીમિત હતો. ગુજરાતમાં કેટલાક જ વિસ્તારોમાં તેનું ચલણ હતું. જેવી તે સમયે ઉત્સવની મર્યાદિત સંખ્યા અને મોંધવારીના ઓછા દરના કારણે ત્યારનો વેપાર 100 કરોડની આસપાસ હતો. જ્યારે આજે વધેલી ઉત્સવની સંખ્યા અને બેકાબૂ મોંધવારીના કારણે ગણેશોત્સવનું બજાર અઢી ગણું વધીને 250 કરોડે પહોંચ્યું છે. એક સમયે સ્વતંત્રતાની ચેતના જગાવનાર ગણેશોત્સવ આજે શ્રદ્ધાની સાથે હજારો નાના-મોટા વેપારીઓ માટે રોજગારનું માધ્યમ બની છે.
પ્રસાદ માટે મોદક અને મોતીચૂરના લાડુનું ધૂમ વેચાણ: મોદકનો ભાવ રૂ. 680એ પહોંચ્યો
મોદક, મોતીચૂરના લાડુ… આ બે મીઠાઈના નામ સાંભળતા જ પહેલો વિચાર આવે કે આ તો ગણપતિનો પ્રસાદ હશે! ગણેશ ચતુર્થીમાં શ્રદ્ધાળુઓ દ્વારા સવાર-સાંજ બાપ્પાને અલગ-અલગ પ્રકારના મોદક અને મીઠાઈઓ ભોગ ધરાવી પ્રસાદનું વિતરણ કરાય છે. જેથી ગણેશ મહોત્સવ દરમિયાન મોદક, મોતીચૂરના લાડુ સહિતની મીઠાઈની માંગ વધી ગઈ થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
દર્શનાર્થે આવતા ક્લાયન્ટ્સ સહિતના શ્રદ્ધાળુઓને રિટર્ન ગિફ્ટ તરીકે મીઠાઈનું બોક્સ આપવાનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી દીવાળીની જેમ હવે ગણેશોત્સવમાં પણ મીઠાઈની કુલ માંગમાંથી 30થી 40% ફાળો કોમર્શિયલ ક્ષેત્રનો રહે છે. દર વર્ષે મોદકમાં નવી-નવી વેરાયટી ઉમેરાઈ રહી છે. આજકાલ બજારોમાં બાપ્પાને છપ્પન ભોગ ધરાવવા 54 પ્રકારના મોદક જોવા મળે છે. જો કે દૂધ, માવા, ડ્રાયફ્રૂટ, રાંધણ ગેસ સહિતની ચીજ-વસ્તુઓના ભાવ વધતા મીઠાઈના ભાવમાં પણ 15%નો વધારો જોવા મળી રહ્યો છે. એક કિલો મોદકનો ભાવ રૂ. 680 રૂપિયા પહોંચી ગયો છે!

સોની બજારમાં ચાંદીની પાટ અને સોનાના મુગટની માંગ
ગણેશોત્સવમાં દુંદાડા દેવના ઘરનાં કે મંડપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાવવા ભક્તો દ્વારા સોના-ચાંદીની ખાસ વસ્તુઓ તૈયાર કરાવવામાં આવી છે. જેમાં બાપ્પાની સ્થાપના માટે ચાંદીની પાટ સૌથી વધુ માંગ છે. સાથે જ ભગવાનને શૃંગાર કરવા ચાંદી અને સોરસ્કી ડાયમંડના હાર, હાથના કડા, કાનના કુંડળ, કમરબંધ અને બાજુબંધ જેવા આભૂષણોની ખરીદી જોરોશોરોથી ચાલી રહી છે.
સાથે જ તેના પ્રિય મુષકરાજની ચાંદીની પ્રતિમા લેવાનું પણ લોકો ખુબ પસંદ કરે છે. પ્રસન્ન બાબત તો એ છે કે બપ્પાને પધરાવવા માટે સોનાના મુગટની માંગ ખૂબ છે. જેમાં 6 કેરેટ સોનામાંથી બનતા વિવિધ આકારવાળા મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માત્ર દાગીના જ નહીં પૂજા માટે ચાંદીની થાળી, વાટકી, ચમચી, ગ્લાસ અને કલશનું પણ ખૂબ વેચાણ છે.
ફૂલોની માંગ સામે આવક ફક્ત 50%, ભાવ દોઢ ગણા થયા
ગણેશ મહોત્સવમાં ફૂલોની માંગમાં પણ 15થી 20%નો વધારો જોવા મળે છે. પરંતુ સામે સફરજન, પેર, પપૈયા સહિતના ફૂલોની આવક ઘટીને 50% થઈ ગઈ છે! નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓ આ અંગે જણાવે છે કે, સફરજન અને પેર મોટા ભાગે કાશ્મીર અને શિમલાથી આવતા હોય છે. પરંતુ કલામાઈટ ચેન્જ અને અસ્તવ્યસ્ત ઋતુચક્રના લીધે ક્યાંક વધુ ગરમી, અતિભારે વરસાદ તો ક્યાંક ભારે બરફવર્ષા થઈ હતી. જેના લીધે ફળોના પાક બગડી જતા બજારમાં તેની આવક અડધી થઈ ગઈ છે. પરિણામે ફળોના ભાવ પણ 30થી 40% વધી ગયા છે.
ફૂલોના વેચાણમાં છ ગણો વધારો!, જાસૂદનો ભાવ બમણા
સામાન્ય દિવસોમાં બજારોમાં દરરોજ 10થી 12 હજાર કિલો ફૂલનું વેચાણ થાય છે. જ્યારે ગણેશોત્સવમાં તે આંકડો ઉપર 50 હજાર કિલોએ પહોંચી જાય છે. જેમાં સૌથી વધુ માંગ પીળા અને કેસરી ગલગોટાની રહે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મળતા મોટાભાગના ફૂલ મહારાષ્ટ્રના નાસિકથી આવે છે. ગણેશોત્સવમાં ત્યાં પણ માંગ વધુ હોવાથી મધ્યપ્રદેશમાંથી પણ ફૂલોનો જથ્થો ખરીદવામાં આવે છે. ચાલુ દિવસોમાં ગલગોટા, ગુલાબ, ઓર્કિડ, કાર્નેશન જેવા ફૂલો રૂ. 70થી 100 રૂપિયા કિલોમાં મળી જાય છે. પરંતુ ગણેશોત્સવમાં તેનો ભાવ સીધો 200થી 300 રૂપિયા કિલો પહોંચી જાય છે. તેમાં પણ પાંચ રૂપિયામાં એક નંગ મળતા લાલ જાસૂદનો ભાવ સીધો રૂ. 10 રૂપિયા થાય છે.




