24 વેબસાઇટ, 5 ટેલિગ્રામ ચેનલો દ્વારા ડ્રગ્સ, ગાંજો, કોકેઈનનું વેચાણ, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime: શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ સહિત દેશના અન્ય મોટા શહેરોમાં ડ્રગ્સનો કારોબાર ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ડાર્ક વેબ અને ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ડ્રગ્સનો વેપલો ચલાવતી 24 ડાર્ક વેબસાઈટ અને 5 ટેલિગ્રામ ચેનલ અંગેની મહત્ત્વની વિગતો સામે આવી છે. આ પ્લેટફોર્મ પરથી હાઈબ્રીડ ગાંજો, કોકેઈન, એમડી (MD), એલએસડી (LSD) અને કેટામાઈન જેવા ઘાતક ડ્રગ્સના વેચાણને લગતી અનેક વિગતો મળી આવી છે.
સાયબર ક્રાઈમના ટેકનિકલ એનાલિસિસમાં ખુલ્યું નેટવર્ક
અમદાવાદમાં અગાઉ મોટા પ્રમાણમાં ઝડપાયેલા હાઈબ્રીડ ગાંજા અને અન્ય ડ્રગ્સના કન્સાઈન્મેન્ટમાં નાણાકીય વ્યવહાર ક્રિપ્ટો કે અન્ય ઓનલાઈન કરન્સી દ્વારા થતા હોવાનું તેમજ ઓર્ડર ડાર્ક વેબ પરથી અપાતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત, ટેલિગ્રામ ચેનલ પર કોડવર્ડનો ઉપયોગ કરીને સપ્લાય નેટવર્ક ગોઠવવામાં આવતું હતું. જેને પગલે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ એનાલિસિસ અને અન્ય બાતમીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
50 ટકા એડવાન્સ અને ક્રિપ્ટો-ગિફ્ટકાર્ડથી પેમેન્ટની ઓફર
સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન મળી આવેલી 5 ટેલિગ્રામ ચેનલમાં એડમિન દ્વારા કોકેઈન, હાઈબ્રીડ ગાંજો, એમડી, એલએસડી અને કેટામાઈન જેવા ડ્રગ્સના ભાવ, ફોટોગ્રાફ્સ અને ડિલિવરીની વિગતો પોસ્ટ કરવામાં આવી હતી. આ પૈકીના એક ગ્રુપમાં ગ્રાહકોને ઓર્ડર બુક કરવા માટે પોતાનું સરનામું મોકલવાનું કહેવાતું હતું, જેમાં ડ્રગ્સની 50 ટકા રકમ એડવાન્સમાં અને બાકીની 50 ટકા રકમ ડિલિવરી મળ્યા બાદ ચૂકવવાની ખાસ ઓફર આપવામાં આવી હતી. પેમેન્ટ માટે આ માફિયાઓ દ્વારા ક્રિપ્ટો કરન્સી, ગિફ્ટકાર્ડ, વેસ્ટર્ન યુનિયન અને મનીગ્રામની લિંક પૂરી પાડવામાં આવતી હતી.
ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા તંત્રની કવાયત
ટેલિગ્રામ ચેનલોની સાથે સાથે તંત્રને 24 જેટલી ડાર્ક વેબસાઈટ પણ મળી આવી છે, જેના પરની વિગતોને આધારે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ વેબસાઈટ અને વિવિધ ગ્રુપમાં મળી આવેલી નાણાકીય વ્યવહારની લિંક તેમજ મોબાઈલ નંબરોના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની મુખ્ય કડી મેળવવા માટે સાયબર ક્રાઈમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.




