Ahmedabad

અમદાવાદ: ઓઢવમાં કાકાસસરાએ વહુના નામની બીભત્સ ચિઠ્ઠીઓ ફરતી કરી, કારણ ચોંકાવનારું!

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવમાં 36 વર્ષીય મહિલાને બદનામ કરવાનું કાવતરું રચનાર કાકાસસરાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાના લગ્નજીવનમાં ભંગાણ પડતાં કાકાસસરાએ વહુના નામ અને નંબર સાથે બિભત્સ ચિઠ્ઠીઓ ચોંટાડી હતી. મહિલાને અજાણ્યા લોકોના બિભત્સ ફોન આવતા તેણે પોલીસ ફરિયાદ કરી. પોલીસે 100થી વધુ CCTV તપાસી કાકાસસરાને ઝડપ્યો. એકતરફી પ્રેમમાં પાગલ થઈ તેણે વહુનું લગ્નજીવન તોડવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઓઢવમાં કાકાસસરાએ વહુના નામની બીભત્સ ચિઠ્ઠીઓ ફરતી કરી, કારણ ચોંકાવનારું!

Ahmedabad news: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોતાના લગ્નજીવનમાં ભંગાણ થતાં વિકૃત માનસિકતા ધરાવતા કાકાસસરાએ પોતાની જ વહુને બદનામ કરવાનું કારસ્તાન રચ્યું હતું. કાકાસસરાએ વહુના નામ અને મોબાઇલ નંબર સાથે બિભત્સ લખાણ લખેલી ચિઠ્ઠીઓ જાહેરમાં ચોંટાડીને તેનું લગ્નજીવન તોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના બિભત્સ માગણી સાથે ફોન આવવાનું શરૂ થતાં મહિલાએ આખરે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.

અજાણ્યા શખ્સોના ફોન આવતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી

ઓઢવ વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી 36 વર્ષીય મહિલા તથા તેના પતિના મોબાઇલ નંબર પર 4 સપ્ટેમ્બરના રોજથી અચાનક અજાણ્યા લોકોના ફોન આવવાના શરૂ થયા હતા. ફોન કરનારા લોકો બિભત્સ માગણીઓ કરી રહ્યા હતા, જેથી પરેશાન થઈને મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક મામલાની ગંભીરતા સમજીને તપાસ હાથ ધરી હતી.

100થી વધુ cctv તપાસી પોલીસે કાકાસસરાને ઝડપ્યા

મહિલાની ફરિયાદના આધારે પોલીસે રામોલ ટોલટેક્સ, હાટકેશ્વર, ઓઢવ રિંગ રોડ અને સિંગરવા સહિતના વિસ્તારોના 100થી વધુ cctv કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન ઓઢવ એસ. પી. રિંગ રોડ પર આવેલ જાનવી આર્કેડના પાર્કિંગમાંથી બિભત્સ લખાણ લખેલી ચિઠ્ઠી ચોંટાડેલી એક ચલણી નોટ મળી આવી હતી. cctv અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ હીન કૃત્ય કરનાર મહિલાના કાકાસસરાની ધરપકડ કરી હતી.

એકતરફી પ્રેમ અને બદલો લેવાની ઘાતકી દાનત

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, પીડિત મહિલાએ જ અગાઉ પોતાના કાકાસસરાના લગ્ન કરાવ્યા હતા. જોકે, સંતાન થયા બાદ કાકાસસરાના પોતાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું અને છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ કાકાસસરા વહુના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. વહુને સબક શીખવવા, તેનું લગ્નજીવન ભાંગી પાડવા અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાના ઈરાદાથી કાકાસસરાએ આ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો છે.