AMCના 63 સિવિક સેન્ટર્સમાં હવેથી ટોકન સિસ્ટમ લાગુ, શહેરીજનોને ફાયદો કે નુકસાન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Civic Center: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે મિલકતમાં તત્કાલ નામ ટ્રાન્સફર કરાવવા માંગતા શહેરીજનો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી માત્ર 7 ઝોનલ કચેરીઓ ખાતે ઉપલબ્ધ આ ટોકન સિસ્ટમ હવે શહેરના તમામ 63 સિવિક સેન્ટરોમાં પણ અમલમાં મૂકવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ થવાથી નાગરિકોને કલાકો સુધી કતારોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.
'સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ' દ્વારા ઓનલાઈન સ્લોટ બુકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સાતેય ઝોનલ કચેરીઓમાં મિલકત નામ ટ્રાન્સફર માટે 'લોગબૂક360' નામની સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ નાગરિકોએ મિલકતમાં નામ ટ્રાન્સફર માટે અગાઉથી જ ઓનલાઈન સ્લોટ બુક કરવાનો રહેશે. બુક કરેલી તારીખ અને સમયે કચેરીએ પહોંચતા જ નાગરિકનું કામ તરત હાથ પર લેવામાં આવશે. ઝોનલ કચેરીઓમાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ હવે 63 સિવિક સેન્ટરોમાં તેનું વિસ્તરણ કરાઈ રહ્યું છે.
અન્ય સેવાઓ પણ આગામી સમયમાં સિસ્ટમમાં જોડાશે
હાલમાં માત્ર મિલકત નામ ટ્રાન્સફર માટે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ રહી છે, પરંતુ તબક્કાવાર રીતે પ્રોપર્ટી ટેક્સને લગતી કામગીરી તેમજ હેલ્થ વિભાગ સંબંધિત જન્મ પ્રમાણપત્રમાં સુધારા જેવી મહત્ત્વપૂર્ણ નાગરિક સુવિધાઓને પણ આ સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે.
ઓફલાઈન કામગીરી ચાલુ રહેશે, પણ ઓનલાઈન બુકિંગને અગ્રતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા અનુસાર, જે નાગરિકો ઓનલાઈન સ્લોટ બુક કર્યા વગર કે ટોકન લીધા વિના રૂબરૂ આવશે, તેમનું કામ પણ ઓફલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. જોકે, જે-તે સમયે ઓનલાઈન બુકિંગ કરાવીને આવેલા અરજદારોને પ્રાથમિકતા આપીને તેમનું કામ પહેલાં પૂરું કરવામાં આવશે.
છેલ્લા 5 મહિનામાં નામ ટ્રાન્સફરની 12,000થી વધુ અરજીઓ
મહાનગરપાલિકાના આંકડા મુજબ, અમદાવાદ શહેરના તમામ ઝોનમાં છેલ્લા 5 મહિના દરમિયાન મિલકતમાં તત્કાલ નામ ટ્રાન્સફર કરવા માટે કુલ 12,640 અરજીઓ મળી છે. આ હિસાબે શહેરમાં દર મહિને સરેરાશ 2,500 જેટલી તત્કાલ નામ ટ્રાન્સફરની અરજીઓ આવે છે. સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ તાજેતરમાં જ અમલી થઈ હોવાથી અત્યાર સુધી આ તમામ અરજીઓ ઓફલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવતી હતી.




