અમદાવાદમાં હજુ બે સપ્તાહ ડેન્ગ્યૂના કેસ વધશે, કમિશનરની બેઠકમાં આરોગ્ય તંત્રની કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Review Meeting: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં મળેલી વીકલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય વિભાગની નબળી કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન આરોગ્ય ખાતાના અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે, શહેરમાં આગામી 2 સપ્તાહ સુધી ડેન્ગ્યુના કેસ પીક પર રહેશે. આ બાબત સામે આવતા જ કમિશનરે અધિકારીની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે, જો આટલો અગાઉથી ખ્યાલ હતો તો તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કેમ કરવામાં ન આવી?
દવાનો યોગ્ય છંટકાવ થાય તો ફોગિંગની જરૂર જ નથી: કમિશનર
બેઠકમાં શહેરમાં થતા ફોગિંગની કામગીરીની સમીક્ષા કરતી વખતે કમિશનરે ટકોર કરી હતી કે ફોગિંગ યોગ્ય રીતે થતું નથી. તેના બચાવમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, એક એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીને 22 લાખ રૂપિયાના બિલમાંથી 2 લાખ રૂપિયા પેનલ્ટી પેટે કાપીને 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ સાંભળીને કમિશનરે કટાક્ષ કરતા કહ્યું કે, કામ ન કરવા બદલ પણ તમે એજન્સીને 20 લાખ રૂપિયા ચૂકવી દીધા! તેમણે પેનલ્ટી કાપવાના બદલે આખું બિલ જ અટકાવી દેવાની કડક તાકીદ કરી હતી. જો શહેરમાં યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવામાં આવે તો ફોગિંગ કરવાની જરૂર જ રહેશે નહીં.
રોગચાળાના મેપિંગ અને આંકડા રજૂ ન કરી શકતા અધિકારીને તાકીદ
રિવ્યુ બેઠક દરમિયાન જ્યારે કમિશનરે શહેરમાં ડેન્ગ્યુ સહિતના અન્ય રોગચાળાના આંકડા અંગેનું ચોક્કસ મેપિંગ માંગ્યું, ત્યારે આરોગ્ય અધિકારી કોઈ સ્પષ્ટ આંકડા રજૂ કરી શક્યા નહોતા. કેસ વધવાની શક્યતા હોવા છતાં યોગ્ય તૈયારીઓ ન હોવા બદલ કમિશનરે કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો હતો કે, આગામી બેઠકમાં આરોગ્ય અધિકારીએ રોગચાળાના ચોક્કસ મેપિંગ અને આંકડા સાથે ફરજિયાત હાજર રહેવું પડશે.
કર્મચારીઓની હાજરી અને હોટેલોમાં CCTV મુદ્દે ચર્ચા
આ રિવ્યુ બેઠકમાં સફાઈ કામદારો અને ઈજનેર વિભાગના કર્મચારીઓની અનિયમિત હાજરીનો મુદ્દો પણ ગાજ્યો હતો, જે અંગે કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, શહેરમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડાનું લાઈવ પ્રસારણ થાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ મામલે અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, શહેરની કુલ 11,000 હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અત્યાર સુધીમાં આશરે 3,000 સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.





