સાબરમતી ટર્મિનલની નવી બિલ્ડિંગમાં કોપરની પાઈપો ચોરાતા 4-5 દિવસથી AC બંધ, પેસેન્જર હેરાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sabarmati news : અમદાવાદના સાબરમતી ટર્મિનલ (SBIB) સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી ભવ્ય મુખ્ય બિલ્ડિંગમાં છેલ્લા 4-5 દિવસથી તમામ એર કન્ડિશનિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. ચાલુ ઉનાળામાં એસી બંધ થઈ જતાં મુસાફરો અને રેલવે કર્મચારીઓને ભારે ગરમી અને શેકાવાનો વારો આવ્યો છે. ખાસ કરીને એસી વેટિંગ રૂમમાં બેસતા પેસેન્જરો માટે સ્થિતિ વધુ કફોડી બની છે.
કોપર પાઇપોની ચોરી થઈ હોવાની ચર્ચા
મળતી માહિતી મુજબ, સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગના ઉપરના ભાગેથી એસી સિસ્ટમમાં વપરાતા કિંમતી કોપર (તાંબાના) પાઇપો કાપીને ચોરી કરી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કોપર પાઇપ ગાયબ થઈ જતાં બિલ્ડિંગના અનેક એર કન્ડિશનિંગ યુનિટ્સ એકસાથે બંધ થઈ ગયા છે. જોકે, આ અંગે રેલવે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી.
કોન્ટ્રાક્ટરે ચાર્જ ન સોંપતા સમારકામમાં વિલંબ
સાબરમતી ટર્મિનલ ખાતે હાલ સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી કોન્ટ્રાક્ટરે હજુ સુધી આ નવી બિલ્ડિંગનો સત્તાવાર ચાર્જ રેલવે તંત્રને સોંપ્યો નથી. ચાર્જ હેન્ડઓવર ન થયો હોવાને કારણે એસી સિસ્ટમ ખોરવાયા બાદ તેના રિપેરિંગની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. એસી બંધ રહેતાં પેસેન્જરોની સાથે બિલ્ડિંગમાં ફરજ બજાવતા રેલવે કર્મચારીઓને પણ કામ કરવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.
કરોડોના આધુનિક પ્રોજેક્ટમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન પરિસરમાં RPF અને GRPની સુરક્ષા તૈનાત હોવા છતાં તેમજ સીસીટીવી (CCTV) સર્વેલન્સ હોવા છતાં જો આટલી મોટી ચોરી થઈ હોય તો તે સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને ચોરી થઈ છે કે અન્ય કોઈ ટેકનિકલ કારણોસર એસી બંધ છે તેની તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ મુસાફરો અને રેલવે સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.




