સેનાપતિ વગરની સેના: AMC ચૂંટણીના 7 મહિના બાદ પણ કોંગ્રેસ વિપક્ષના નેતાની પસંદગી કરવામાં નિષ્ફળ, જૂથબંધીમાં અટવાયું નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Opposition Leader : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાને 7 મહિના વીતી ગયા છે, તેમ છતાં કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાની પસંદગી કરી શક્યું નથી. આ દરમિયાન સામાન્ય સભાની સાત બોર્ડ બેઠકો પણ યોજાઈ ગઈ, પરંતુ વિપક્ષને હજુ સુધી સત્તાવાર નેતૃત્વ મળ્યું નથી. પરિણામે કોર્પોરેશનમાં કોંગ્રેસની સ્થિતિ સેનાપતિ વગરની સેના જેવી બની છે. સામાન્ય સભામાં વિપક્ષના નેતા ન હોવાથી શહેરીજનોના પ્રશ્નો, ભ્રષ્ટાચાર સામે મજબૂત અવાજ અને સત્તાપક્ષના નિર્ણયો સામે સંગઠિત રીતે વિરોધ નોંધાવવાની કામગીરી નબળી પડી છે. બીજી તરફ, કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે ભાજપને સામાન્ય સભામાં પોતાની વાત રજૂ કરવા અને નિર્ણયો આગળ વધારવા માટે વધુ મોકળાશ મળી રહી છે.
ચૂંટણીનાં 7 મહિના બાદ પણ કોંગ્રેસને વિપક્ષનો નેતા ન મળ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 28 એપ્રિલે જાહેર થયેલી ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને 32 બેઠકો મળી હતી. તેમ છતાં આ 32 કોર્પોરેટરોમાંથી વિપક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી તે મુદ્દે પક્ષમાં એકમતી સધાઈ નથી. પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ તેમજ પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ વિપક્ષના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી આ પદના બે મુખ્ય દાવેદાર છે. બંનેને નેતા બનાવવા માટે કોંગ્રેસમાં અલગ-અલગ જૂથો સક્રિય છે.
વિપક્ષના નેતા તરીકે પોતાના વ્યક્તિને ગોઠવવા બે જૂથ એક્ટિવ
પક્ષના આંતરિક રાજકીય સમીકરણોમાં એક તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું જૂથ છે, જ્યારે બીજી તરફ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનું જૂથ સક્રિય હોવાનું માનવામાં આવે છે. અમિત ચાવડા જૂથ તરફથી જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નીરવ બક્ષીને વિપક્ષના નેતા બનાવવા માટે લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. બીજી તરફ, શૈલેષ પરમાર જૂથ શહેઝાદ ખાન પઠાણના નામની હિમાયત કરી રહ્યું છે. આમ, વિપક્ષના નેતાની પસંદગી માત્ર કોર્પોરેટરોની પસંદગી પૂરતી મર્યાદિત ન રહેતાં પક્ષના મોટા નેતાઓ વચ્ચેના રાજકીય સમીકરણોનો વિષય બની ગઈ છે.
પ્રથમ વખત ચૂંટાયેલા જયમન શર્મા પણ દાવેદાર
આ બે મુખ્ય દાવેદારો વચ્ચે હવે બાપુનગરના કોર્પોરેટર જયમન શર્માનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. નીરવ બક્ષીને સમર્થન આપતા જૂથના કેટલાક લોકોનું કહેવું છે કે જો નીરવ બક્ષીને જવાબદારી ન સોંપવી હોય તો જયમન શર્માને વિપક્ષના નેતા બનાવવામાં આવે. જોકે, શર્મા પ્રથમ વખત ચૂંટાઈને કોર્પોરેશનમાં આવ્યા હોવાથી તેમની પસંદગી અંગે રાજકીય વર્તુળોમાં અલગ-અલગ મત છે. આ સંજોગોમાં જયમન શર્માના નામને સર્વસંમતિના વિકલ્પ તરીકે આગળ ધપાવવાની શક્યતા કેટલી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
સત્તાપક્ષ સામેની રજૂઆતોમાં એકસૂત્રતા જોવા મળતી નથી
વિપક્ષના નેતાની પસંદગીમાં થઈ રહેલા વિલંબની અસર સામાન્ય સભાની કામગીરીમાં પણ જોવા મળી રહી છે. વિપક્ષના નેતા તરીકે કોઈ એક ચહેરો જવાબદારી સંભાળતો ન હોવાથી કોર્પોરેટરો વચ્ચે સંકલન અને સત્તાપક્ષ સામેની રજૂઆતોમાં એકસૂત્રતા જોવા મળતી નથી. શહેઝાદ ખાન પઠાણના સમર્થક ગણાતા કેટલાક કોર્પોરેટરો સામાન્ય સભામાં હાજરી નોંધાવ્યા બાદ બેઠકમાંથી નીકળી ગયા હતા. પરિણામે સામાન્ય સભાની કાર્યવાહી ઘણી વખત નિરસ બની રહે છે અને ભાજપના સભ્યોની સરખામણીએ વિપક્ષની સામૂહિક હાજરી તથા આક્રમક રજૂઆતનો અભાવ અનુભવાય છે.
વહીવટી ખામીઓ, નાગરિકોની સમસ્યાને મજબૂત અવાજ નહીં
સામાન્ય રીતે વિપક્ષના નેતા કોર્પોરેશનના વહીવટમાં થતી ખામીઓ, ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા, નાગરિકોની સમસ્યાઓ અને સત્તાપક્ષના નિર્ણયોની સામે સમયાંતરે પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષનો અભિપ્રાય રજૂ કરતા હોય છે. પરંતુ હાલ કોઈ સત્તાવાર વિપક્ષના નેતા ન હોવાથી આવી રાજકીય પ્રવૃત્તિઓ પણ અસરગ્રસ્ત થઈ છે. આ સ્થિતિમાં 32 કોર્પોરેટરો ધરાવતો વિપક્ષ પોતાની સંખ્યાને અસરકારક રાજકીય અવાજમાં ફેરવી શકતો નથી.
ટૂંક સમયમાં વિપક્ષના નેતાની થઈ શકે છે જાહેરાત - શહેર પ્રમુખ
મહત્ત્વનું છે કે અગાઉ પણ કોંગ્રેસમાં જૂથબંધીના કારણે વિપક્ષના નેતાની પસંદગીમાં વિલંબ થયો હતો. આ વખતે પણ ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના સાત મહિના બાદ નામ નક્કી ન થતાં પક્ષની આંતરિક ખેંચતાણ ફરી ચર્ચામાં આવી છે. જોકે, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા માટે કોર્પોરેટરોની સેન્સ લેવામાં આવી ગઈ છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ટૂંક સમયમાં નામ જાહેર કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ બંને જૂથો વચ્ચે સમાધાન કરાવીને નામ જાહેર કરે છે કે જૂથબંધીના કારણે વિપક્ષને હજુ વધુ સમય સુધી નેતા વગર જ રહેવું પડે છે.




