Ahmedabad

અમદાવાદમાં સીલ મારેલી 60 દુકાનો ખુલશે પણ ફટાકડા નહીં વેચી શકે, વેપારીઓએ બોન્ડ લખવા પડશે

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 10 લોકોના મોત બાદ, ગેરકાયદે ચાલતી 60 ફટાકડાની દુકાનો અને ગોડાઉનો સીલ કરાયા હતા. ભાજપના દબાણથી 20 જ દિવસમાં આ દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વેપારીઓ ફટાકડા વેચી શકશે નહીં, માત્ર અન્ય સિઝનલ વેપાર કરી શકશે. આ નિર્ણય રોજગારીના પાસાને ધ્યાને રાખી લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સીલ મારેલી 60 દુકાનો ખુલશે પણ ફટાકડા નહીં વેચી શકે, વેપારીઓએ બોન્ડ  લખવા પડશે

Ahmedabad Blast Case: અમદાવાદની સરહદ પર ગતરાડ નજીક ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ મ્યુનિસિપલ શહેરભરમાં તપાસ કરીને અસલામત રીતે ચાલતા ફટાકડાના 60 દુકાન અને ગોડાઉન સીલ કર્યા હતા. પરંતુ ઘટનાના માત્ર 20 દિવસમાં જ આ દુકાનોના સીલ ખોલી આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે, જે તે દુકાનમાં વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં, તેવી શરત રાખવામાં આવી છે.

ભાજપના સત્તાધીશોએ વ્યવહારૂ ઉકેલ શોધી કાઢ્યો ખરો

ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટની 18મી જુલાઈની ઘટના બાદ મ્યુનિસિપલના એસ્ટેટ અને ફાયર વિભાગે શહેરભરમાં તપાસ કરીને ગેરકાયદે રીતે અને લોકોના જીવ જોખમાય તેવી રીતે ચાલતા ફટાકડાના 60 દુકાન તથા ગોડાઉન સીલ કરી દીધા હતા. જેને ખોલી આપવા માટે ભાજપના જ નેતાઓ દ્વારા દબાણ શરૂ થતાં આખરે આજે સ્થાયી સમિતિ દ્વારા આ દુકાનો ખોલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 લોકોના મોતની ઘટનાના માત્ર 20 દિવસમાં જ આ દુકાનોના સીલ ખુલી જશે. લોકોની સલામતી સામે ભાજપના શાસકોએ ખુબ જ વ્યવહારૂ ઉકેલ શોધી કાઢ્યો છે!

સ્થાયી સમિતિના જણાવ્યાનુસાર, રોજગારીના પાસાને ધ્યાને લઈને દુકાનોના સીલ ખોલવાની છૂટ આપવામાં આવી છે. જ્યાં વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. તે સિવાય સિઝનલ કોઈ પણ વેપાર કરી શકશે. દુકાન ખોલવા માટે વેપારીએ આ અંગેના બોન્ડ પણ મ્યુનિસિપલને લખી આપવા પડશે. પછી કોઈ વેપારીએ ફટાકડાનું વેચાણ કરવું હોય તો નિયમ મુજબ બીયુ પરમિશન, ફાયર એનઓસી અને પોલીસની મંજૂરી લેવી પડશે. પરંતુ હાલ કોઈ સ્થળે ફટાકડાનું વેચાણ કે સંગ્રહ કરવા દેવામાં આવશે નહીં.

ભાજપના કાર્યકરે ફટાકડાનું બોર્ડ ઉતારી રાખડીનું બોર્ડ લગાવી દીધું!

અમદાવાદના રાયપુર વિસ્તારમાં તાજેતરમાં મ્યુનિસિપલની ટીમ ફટાકડાની દુકાનોમાં તપાસ કરવા માટે નીકળી હતી. આ સમયે ક્ષતિઓ સામે આવતા દુકાનો સીલ કરવાની કાર્યવાહી તંત્રએ હાથ ધરી હતી. જોકે, આ ફટાકડાની એક દુકાન ભાજપના જ કાર્યકરની હતી. તેમણે તરત જ ફટાકડાનું બોર્ડ ઉતારી રાખડીનું બોર્ડ લગાવી દેતા મ્યુનિ.ની ટીમે આ દુકાન સીલ કરવાનું માંડી વાળ્યું હતું!