અમદાવાદમાં કરોડોની છેતરપિંડીના 6 ગુના: એક જ ભેજાબાજે ઈન્ડિયામાર્ટથી 4 વેપારીઓને લગાવ્યો ચૂનો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fraud Case: ઓનલાઈન પ્લેટફોર્મનો દુરુપયોગ કરી અને વેપારમાં ઊંચા વળતરની લાલચ આપીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાના 6 બનાવો સામે આવ્યા છે. આ તમામ બનાવો અંગે પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે 6માંથી 4 ઘટનાઓમાં વિરાગ પટેલ નામનો એક જ આરોપી મુખ્ય સૂત્રધાર છે. જ્યારે અન્ય 2 ઘટનાઓમાં અલગ-અલગ આરોપીઓએ ઠગાઈ આચરી છે. એક જ ગઠિયાએ ઇન્ડિયામાર્ટ અને બોગસ કંપનીઓના નામે 4 વેપારીઓને નિશાન બનાવ્યા છે, જ્યારે અન્ય 2 કિસ્સામાં રોકાણના નામે 1.32 કરોડ રૂપિયાની અને શો-રૂમમાં કારના ડાઉન પેમેન્ટ પેટે 3,56,820 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સિમેન્ટના વ્યવસાયમાં રોકાણના નામે 1.32 કરોડ રૂપિયાની ઠગાઈ
ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા મહિલા વેપારી દર્શનાબહેન પટેલ સાથે 1.32 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સેટેલાઇટના રામદેવનગર ખાતે રહેતા અને સાન્વિક સર્વિસીઝ ચલાવતા પ્રતિક કેજરીવાલ અને તેના પત્ની હેમલત્તા કેજરીવાલે સિમેન્ટના વ્યવસાયમાં રોકાણ કરવા પર 2.5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. આ વિશ્વાસમાં આવીને દર્શનાબહેને જાન્યુઆરી-2025થી મે-2025 ના સમયગાળા દરમિયાન ટુકડે-ટુકડે કુલ રૂપિયા 2,78,87,500 બેન્કથી ટ્રાન્સફર કર્યા હતા.
જેમાંથી આરોપીઓએ 1,46,65,000 રૂપિયા પાછા આપ્યા હતા, પરંતુ બાકીની મૂળ રકમ 1,32,22,500 રૂપિયા તેમજ તેના પરનો નફો આપવાની ના પાડી દીધી હતી. છેલ્લા પાંચેક મહિનાથી આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અને કાનૂની નોટિસનો પણ કોઈ જવાબ ન આપતા, આખરે ભોગ બનનાર મહિલા વેપારીએ દંપતી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિરાગ પટેલે 4 વેપારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો
ચાંદખેડામાં ઈન્ડિયામાર્ટ ઓનલાઇન એપ દ્વારા વેપારી તરીકેની ખોટી ઓળખ આપીને લાખો રૂપિયાનો માલ ખરીદી છેતરપિંડી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં મોટેરામાં બિઝનેસ કરતા વેપાર કરતા અને બોડકદેવમાં રહેતા વિરાગ પટેલે રકનપુરમાં પોપ્યુલર ઓટોટેક બેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી ધરાવતા કિંચિત ગડિયા સાથે 22,93,900 રૂપિયાની છેતરપિંડી કરી છે. 26મી એપ્રિલ 2022ના રોજ વિરાગ પટેલે ઈન્ડિયામાર્ટ એપ દ્વારા કિંચિતનો સંપર્ક કરીને પોતાને વેચાણ માટે ઈન્વર્ટર બેટરીની જરૂર હોવાનું કહ્યું અને એ પછી 29મી એપ્રિલ 2022ના રોજ મીટિંગ કરીને 250 બેટરીનો ઓર્ડર બુક કરાવ્યો હતો. આ ઓર્ડર મુજબ પાંચમી મે 2022ના રોજ પીકઅપ વાનથી કઠવાડામાં આવેલા ગોડાઉનમાં કુલ 226 બેટરીઓ મોકલી આપવામાં આવી હતી. આ માલના બદલામાં વિરાગ પટેલે 12મી મે 2022નો ઇન્ડિયન બેન્કનો ચેક આપ્યો હતો, જે બેન્કમાં જમા કરાવતા ખાતામાં ઓછા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો. ચેક બાઉન્સ થયા બાદ વિરાગ પટેલે પૈસા ચૂકવવાના બદલે ખોટા વાયદાઓ કર્યા હતા અને ફોન ઉપાડવાનું બંધ કરી પોતાની મોટેરાની ઓફિસ અને કઠવાડાનું ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે ભોગ બનનાર વેપારીએ વિરાગ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડાની બીજી એક ઘટનામાં ઇન્ડિયામાર્ટ ઓનલાઈન એપથી કોન્ટેકમાં આવીને વેપારી સાથે 12,20,474 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વસ્ત્રાલમાં રહેતા અને અમરાઈવાડી ખાતે ફેમિયમ મેકિયમ નામનું ફર્નિચર અને હાર્ડવેરનું કારખાનું ધરાવતા પ્રેરક સંજયકુમાર મોદીનો ગત 26/04/2026 ના રોજ ચાંદખેડા જગતપુર સ્થિત બ્રહ્માણી એન્ટરપ્રાઇઝના રૂપેશકુમાર કિરીટભાઈ પ્રજાપતિએ સંપર્ક કર્યો હતો. રૂપેશ અને તેના પાર્ટનર વિરાગ પટેલે દાહોદ ખાતે ડંકી પ્રોજેક્ટની સાઇટ ચાલુ હોવાનું કહી 50 બોક્સ કિચન હાર્ડવેરના સામાનનો ઓર્ડર આપ્યો હતો અને પોતાનું નવું સ્ટાર્ટઅપ હોવાનું જણાવી શરૂઆતમાં બાકીમાં માલ આપવા અને થોડા સમય બાદ પૈસા ચૂકવી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આરોપીઓની આ લોભામણી વાતોમાં આવીને પ્રેરકભાઈએ ટુકડે ટુકડે કુલ 12,20,474 રૂપિયાનો સામાન મોકલી આપ્યો હતો, જેની સામે આરોપીઓએ નવનિર્માણ કો. ઓ. બેન્કનો સહી કરેલો કોરો ચેક આપ્યો હતો. જ્યારે વેપારીએ 8,78,038 રૂપિયાની રકમ ભરીને ચેક બેન્કમાં નાખ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. ત્યારબાદ પણ આરોપીઓએ ખોટા બહાના બતાવી વધુ સામાન મંગાવી આર.ટી.જી.એસ.થી એકસાથે પેમેન્ટ કરવાનું ખોટું આશ્વાસન આપ્યું હતું અને અંતે પોતાની ઓફિસ બંધ કરી, ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ જતા ભોગ બનનાર વેપારીએ રૂપેશ પ્રજાપતિ અને વિરાગ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફૂટવેર વેપારી સાથે 1.80 લાખનો વિશ્વાસઘાત
માધવપુરામાં બૂટ-ચપ્પલના વેપારી સાથે 1,80,275 રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. શાહીબાગમાં સુમેલ 11માં કે. આર. બી ફૂટવેર પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. કરણ ભગતે નોંધાવેલી ફરિયાદ મુજબ 25 સપ્ટેમ્બર 2025ના રોજ ખોડિયાર એન્ટરપ્રાઇઝના વિરાગ પટેલ નામના શખસે તેની કંપનીના સેલ્સમેન રાજેશ પરમારનો સંપર્ક કર્યો હતો. વિરાગે હોલસેલનો વેપાર કરતા હોવાનું જણાવી બૂટ-ચપ્પલના ફોટા મંગાવ્યા હતા અને બીજા દિવસે દુકાને આવી લેડીઝના 402 અને જેન્ટ્સના 122 જોડી બૂટ-ચપ્પલનો ઓર્ડર આપ્યો હતો. વિશ્વાસ કેળવવા વિરાગે ખોડિયાર એન્ટરપ્રાઇઝના નામના બે સહી કરેલા બ્લેન્ક ચેક આપ્યા હતા અને સાંજે પોતાના માણસ સાથે લોડિંગ ટેમ્પામાં 1,80,275 રૂપિયાનો માલ મંગાવી લીધો હતો. જોકે, જ્યારે ફરિયાદીએ કોટક મહિન્દ્રા બેન્કમાં ચેક જમા કરાવ્યા ત્યારે તે બાઉન્સ થયા હતા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં વિરાગે પૈસા ન ચૂકવતા આખરે વેપારીએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
સોલામાં લેધર ચંપલ ખરીદીમાં 1.79 લાખની ઠગાઈ
સોલા વિસ્તારમાં દીપક લેધર સેલ્સના નામે વેપાર કરતા સુરજ નાગર સાથે ઈન્ડિયામાર્ટ દ્વારા કોન્ટેક્ટ કરી 1,79,052 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. 22મી સપ્ટેમ્બર 2025ના રોજ ન્યૂ રાણીપમાં રહેતા વિરાગ પટેલે ફરિયાદીના ભાઈ આકાશને ફોન કરી, પોતે વૈષ્ણોદેવી સર્કલ પાસે ખોડિયાર એન્ટરપ્રાઈઝ ધરાવતો હોવાની ખોટી ઓળખ આપીને 1686 જોડી ચંપલનો ઓર્ડર આપ્યો હતો. ઠગે વિશ્વાસમાં લઈ પોર્ટર ટેમ્પાથી લાખો રૂપિયાનો માલ મંગાવી લીધો હતો અને પેમેન્ટ પેટે કડી નાગરિક સહકારી બેન્કનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક ઓછા બેલેન્સના કારણે બે વખત પરત ફરતા વેપારીએ પોતાના નાણાંની ઉઘરાણી કરી હતી. જેની સામે આરોપી વિરાગે ફોન પર બિભત્સ ગાળો ભાંડી હવે રૂપિયા ભૂલી જવાનું અને થાય તે કરી લેવાનું કહી ધમકી આપી હતી.
વેપારીએ જાતે જઈને તપાસ કરતા વૈષ્ણોદેવી સર્કલ પાસે આપેલી ઓફિસનું સરનામું બોગસ નીકળ્યું હતું અને આરોપીએ અન્ય લોકો સાથે પણ સમાન પ્રકારે છેતરપિંડી કરી હોવાનું સામે આવતા આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ મથકે વિશ્વાસઘાત અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
કાર શો-રૂમના ટીમ લીડરે ગ્રાહકોના ₹3.56 લાખ ચાંઉ કર્યા
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલ નજીકના પોપ્યુલર વ્હીલર્સ પ્રા.લિ. નામના મારુતિ સુઝુકીના શો-રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શો-રૂમના સેલ્સ મેનેજર મુનીશ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની જ કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા અને બોપલના આર્યન આવિષ્કારમાં રહેતા જિગ્નેશ વોરાએ તારીખ 11/05/2026થી 25/06/2026 ના સમયગાળા દરમિયાન કંપની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
જિગ્નેશ વોરાની કામગીરી ગ્રાહકોને નવી કારની માહિતી આપી બુકિંગ લેવાની અને પેમેન્ટ કેશિયર પાસે જમા કરાવવાની હતી. પરંતુ, તેણે 5 જેટલા ગ્રાહકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી કારના ડાઉન પેમેન્ટ પેટે રોકડા રૂપિયા સ્વીકાર્યા હતા અને તે રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. જિગ્નેશે ગ્રાહકો કેવલ મકવાણા પાસેથી 1,00,000 રૂપિયા, મુકેશ રાઠોડ પાસેથી 26,820 રૂપિયા, જયેશ પટેલ પાસેથી 40,000 રૂપિયા, ગણેશસિંગ સિખારા પાસેથી 90,000 રૂપિયા અને વિશાલ લોઢી પાસેથી 1,00,000 રૂપિયા મળીને કુલ 3,56,820 રૂપિયા ઉઘરાવીને તે રકમ ચાંઉ કરી જઈ છેતરપિંડી આચરી છે. હાલમાં સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









