અમદાવાદમાં સાયબર ફ્રોડની 5 અલગ અલગ ઘટના, કંકોત્રીની APK, ટેલિગ્રામ ટાસ્ક અને ફેક લિંકથી હેકરે લાખો રૂપિયા પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદમાં રોજ અલગ અલગ રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ જેટલા સાયબર ફ્રોડ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ડિજિટલ કંકોત્રીના નામે ફેક APK ફાઈલ મોકલીને 6.38 લાખ, ટેલિગ્રામ પર ટાસ્ક અને ટ્રેડિંગમાં નફાની લાલચ આપીને 5.75 લાખ, ફેસબુક પર બેંક પેન્શન કાર્ડની જાહેરાત મૂકીને 4,99 લાખ, અદાણી ગેસનું બિલ અપડેટ ન હોવાથી કનેક્શન કાપી નાખવાનો ડર બતાવીને ફેક લિંકથી 94 હજાર અને રૂબરૂ પેટીએમ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ચાર્જ ઝીરો કરવાના બહાને 49 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ તમામ ઘટનામાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઓળખીતાના હેક થયેલા નંબર પરથી લગ્ન કંકોત્રીની APK ડાઉનલોડ કરતા ખાતું સાફ
પહેલી ઘટનામાં મેઘાણીનગરમાં રહેતા 71 વર્ષીય નંદકિશોર ગોરધનભાઈ ટાંકના મોબાઈલ પર કોઈ ઓળખીતાના હેક થયેલા વોટ્સએપ નંબર પરથી લગ્ન કંકોત્રીના નામે એક A.P.K ફાઈલ આવી હતી, જેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતાં હેકરે તેમના મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો. ત્યારબાદ હેકરે આઈડી-પાસવર્ડની ચોરી કરી અને ઓટીપી બાયપાસ કરીને વૃદ્ધની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી રોજ જુદા-જુદા ટ્રાન્ઝેક્શનથી 6,38,578 અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બેંકમાંથી મેસેજ આવતા છેતરપિંડીની જાણ થવાથી વૃદ્ધે તેમના પુત્ર સાથે મળીને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રિવ્યૂ ટાસ્કના બદલામાં વધુ પ્રોફિટની લાલચે 5.75 લાખ ગુમાવ્યા
બીજી ઘટનામાં રાણીપમાં રહેતા અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગનું કામ કરતા 42 વર્ષીય જીગ્નેશ રજનીકાન્ત મકવાણા સાથે ટેલિગ્રામ પર ટાસ્ક અને ટ્રેડિંગના બહાને ફ્રોડ થયો છે. અલગ અલગ આઈડી પરથી ઠગે તેમને Google Coin Map Income 220 અને Group Profit Plan Group 610078 નામના ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યા હતા. શરૂઆતમાં રિવ્યુ ટાસ્કના બદલામાં નાનો પ્રોફિટ આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો. એ પછી વધુ નફાની લાલચ આપી oasis નામની ફેક વેબસાઇટ્સ પર ટ્રેડિંગના બહાને ફરિયાદી અને તેમની પત્નીના એકાઉન્ટમાંથી 06,01,962 જમા કરાવડાવ્યા હતા. ટ્રેડિંગમાં નફો બતાવ્યા બાદ જ્યારે ફરિયાદીએ રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ એકાઉન્ટ ફ્રીઝ થવાનું અને ખોટી રીતે રકમ ઉપાડવા તથા ક્રેડિટ પોઈન્ટ ઓછા હોવાનું બહાના કાઢીને ઠગે વધુ રૂપિયા માંગણી કરી હતી. આમ, કુલ રોકાણમાંથી શરૂઆતમાં પાછા 26,118 મળ્યા હતા. જે બાદ 5,75,844 ઠગે પાછા ના આપતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી છે.
નિવૃત્ત બેન્કકર્મી ફેસબુકમાં જાહેરાત જઈ પેન્શન કાર્ડ માટે એપ્લાય કર્યું અને ખાતામાંથી 4.99 લાખ ગુમાવ્યા
ત્રીજી ઘટનામાં મકરબામાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત બેંકકર્મી પ્રદીપકુમાર રવજીભાઈ રૈયારેલાએ ફેસબુક પર બેંક ઓફ બરોડા પેન્શન કાર્ડની જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી હતી. જે બાદ તેમને ફોન આવ્યો હતો અને ઠગે કાર્ડ એપ્રુવ થયાનું કહી તેમની પાસેથી નામ, સરનામું અને તેમના બેંક ઓફ બરોડાના સેવિંગ એકાઉન્ટની માહિતી લઈ લીધી હતી. ત્યારબાદ બપોરે બેન્ક એકાઉન્ટમાંથી 4,99,500નું ઓનલાઈન ટ્રાન્જેક્શન થયું હતું. પોતાની સાથે થયેલા આ સાયબર ફ્રોડ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરી અને પછી પોલીસ ફરિયાદ કરી છે.
ગેસ કનેક્શન કપાઈ જવાની ધમકી આપી 10 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહી હેકરે 94 હજાર પડાવ્યા
ચોથી ઘટનામાં પાલડીમાં રહેતા અને કપડના વેપારી 48 વર્ષીય હસમુખભાઈ શાહને તારીખ 25 ઓગસ્ટના રોજ અદાણી ગેસના નામે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ અપડેટ ન હોવાથી રાત્રે ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. ફરિયાદીએ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સામેવાળા વ્યક્તિએ બિલ અપડેટ કરવા રૂપિયા 10 ટ્રાન્સફર કરવાનું કહી એક લિંક મોકલી હતી, જે ખોલીને ફરિયાદીએ પોતાના HDFC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો ભરી દીધી હતી. જોકે, તેમની દીકરીએ ફ્રોડની શંકા વ્યક્ત કરતા તેમણે તરત જ પોતાના કાર્ડ બંધ કરાવી દીધા હતા. આમ છતાં, તારીખ 7 સપ્ટેમ્બરે રોજ બપોરે તેમના પત્ની બીનલબેનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 94,920 અને હસમુખભાઈના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 10,000 સહિત કુલ 1,04,980 ટ્રાન્સફકર કરી લીધા હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પાન પાર્લર ચલાવતા મહિલાને પેટીએમનો માસિક ચાર્જ ઝીરો કરવાનું કહી બે ઠગે 49 હજાર પડાવ્યા
પાંચમી ઘટનામાં નવા વાડજમાં રહેતા 62 વર્ષીય પ્રભાબેન રામભાઈ પટેલ ઘરે યુગ પાન પાર્લર ચલાવે છે. ગત 19 તારીખે એક્ટિવા પર આવેલા 35થી 40 વર્ષના બે શખ્સોએ પોતાને પેટીએમ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. પેટીએમનો માસિક ચાર્જ ઝીરો કરી આપવાની લાલચ આપી હતી. તેમણે પ્રભાબેન પાસે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું અને મોબાઈલ પોતાના હાથમાં લઈ કોઈ પ્રોસેસ કરી 24 કલાકમાં સ્કીમ એક્ટિવેટ થવાનું કહી જતા રહ્યા હતા. બીજા દિવસે આ બંને શખ્સો ફરી આવ્યા અને OTP ચેક કરવાના બહાને ફરીથી મોબાઈલ અનલોક કરાવી પ્રોસેસ કરી પાછો આપ્યો હતો. તે પછી બીજા દિવસે પ્રભાબેનના પેટીએમ સાથે લિંક બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા 49,999 કપાઈ ગયાનો મેસેજ આવતા છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ બાબતે તેમના પુત્ર દીપકે પોલીસ ફરિયાદ કરી છે.




