ગુજરાતમાં હજુ 24.52 લાખ ઘરો નળ કનેક્શન વિહોણા, કેગના રિપોર્ટમાં જળ જીવન મિશનની પોલ ખુલી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat CAG Report: ગુજરાતમાં દરેક ગ્રામીણ પરિવારને ઘરમાં નળ મારફતે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જળ જીવન મિશન યોજનાનો અમલ કરાયો હતો. પરંતુ કેગના રિપોર્ટમાં આ યોજનાના અમલીકરણને ગંભીર ખામીઓ બહાર આવી છે. નવેમ્બર 2024 સુધી ગુજરાતમાં 72.14 લાખ ગ્રામીણ ઘરોને કાર્યરત ઘરેલુ નળ જોડાણ આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું, પરંતુ તેની સામે 47.62 લાખ ઘરોને જ જોડાણ આપવામાં આવ્યું હતું. એટલે કે 34 ટકા ઘરો સુધી જ નળનું જોડાણ પહોંચ્યું જ ન હતું. મહત્ત્વની વાત એછેકે, નળનું જોડાણ ન હોવા છતાંય ગુજરાતના ઘણાં ગામોને હર ઘર જલ એટલે તમામ ગામોમાં નળ કનેક્શન ધરાવતા ગામ એવું જાહેર કરી દેવાયું હતું.
જળજીવન મિશનના અમલમાં ઘણી ખામીઓ
ઓગસ્ટ, 2019માં જળ જીવન મિશન શરૂ થયું, ત્યારે ગુજરાતમાં આશરે 1.01 કરોડ ગ્રામીણ ઘરો પૈકી 72.07 લાખ ઘરોને મિશન હેઠળ નળ જોડાણ આપવાની જરૂરિયાત ઓળખાઈ હતી. બાદમાં 72.14 લાખ ઘરો માટે યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી. જોકે નવેમ્બર 2024 સુધીમાં 47.62 લાખ ઘરોને જ નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતને ‘હર ઘર જલ’ એટલે કે તમામ ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ ધરાવતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 91.18 લાખ ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ હોવાનો દાવો કરાયો હતો.
કેન્દ્ર સરકારે સર્વે કરતાં માલુમ પડ્યુંકે, હર ઘર જલ ગામોમાં 98.1 ટકા ઘરોમાં નળ જોડાણ હતું, પરંતુ 89.5 ટકા નળમાં પાણી આવતુ હતું. 11.6 ટકા નળ કનેક્શન વપરાશ વિના પડી રહ્યા હતાં. આ ઉપરાંત 80.2 ટકા ઘરોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું હતું, જ્યારે 83.6 ટકા ઘરોને નિર્ધારિત સમયમાં પાણી પાણી મળતું હતું. કેગે નોંધ્યુંકે, હવે રાજ્યમાં જે ગામોને ‘હર ઘર જલ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ખરેખર દરેક ઘરમાં નિયમિત પાણી પહોંચે છે કે નહીં, નળ જોડાણો કાર્યરત છે કે નહીં તથા પાણીની ગુણવત્તા નિર્ધારિત માપદંડ મુજબ છે કે નહીં તેની અસરકારક ચકાસણી મહત્વની બની છે.
ઓડિટ રિપોર્ટમાં યોજના માટેના આયોજન અને કામના અમલીકરણ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક ગામોને નિર્ધારિત માપદંડોની સંપૂર્ણ સિદ્ધિ થયા પહેલાં જ ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરી દેવાયા હતાં. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, કરાર વ્યવસ્થાપનમાં ખામીઓ અને વિવિધ કારણોસર પાણી પુરવઠાની યોજનાના અમલમાં વિલંબ થયો હતો. છે. જમીન ઉપલબ્ધ ન થવી અને ડિઝાઇન મંજૂરીમાં વિલંબ જેવા કારણોને લીધે પણ યોજના ધીમી પડી હતી. નિરીક્ષણોથી સ્પષ્ટ છે કે યોજનાની સફળતા માત્ર કાગળ પરના જોડાણના આંકડા નહીં, પરંતુ દરેક ઘરના નળમાંથી નિયમિત અને શુદ્ધ પાણી પહોંચે છે કે નહીં તેના આધારે નક્કી થવી જોઈએ.




