ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપી ઝડપાયા, 341 પોલીસકર્મીઓની 43 અલગ-અલગ ટીમની કામગીરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Operation Clean Sweep 2.0: આગામી રથયાત્રાના પાવન પર્વ પૂર્વે ઝોન-7ના આઠ પોલીસ મથકો અને LCB દ્વારા 24 કલાક માટે ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત 341 પોલીસકર્મીઓની 43 અલગ-અલગ ટીમોએ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 5 અન્ય રાજ્યોમાં તપાસ કરીને કુલ 190 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં હત્યાનો પ્રયાસ, અપહરણ અને નકલી નોટોના વેપાર જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 20 વર્ષથી ફરાર બે આરોપીઓ તેમજ લાંબા સમયથી પકડવાના બાકી 83 જેટલા વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
20 વર્ષથી નાસતા-ફરતા હાર્ડકોર ગુનેગારો જેલ ભેગા
આ અંગે ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે, આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને, ઝોન-7 ના આઠ પોલીસ સ્ટેશન અને એલસીબી સાથે મળીને ઓપરેશન ક્લીન સ્વીપ 2.0નું આયોજન કર્યું હતું. આ 24 કલાકના ઓપરેશન દરમિયાન કુલ 190 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 83 આરોપીઓ એવા છે જેઓ ગુનામાં લાંબા સમયથી પકડવાના બાકી હતા. આ ઉપરાંત, અમે તડીપાર, વોરંટ અને પ્રોહિબિશનના કેસોના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.
આ ઝડપાયેલા આરોપીઓમાંથી 22 આરોપીઓ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અને બે આરોપીઓ 20 વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ગુનેગારો છેતરપિંડી, ખૂનની કોશિશ, અપહરણ, નકલી નોટોનો વેપાર અને મંદિર ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. દાખલા તરીકે, 20 વર્ષથી ફરાર એક આરોપી કે જે નકલી નોટો પેટ્રોલ પંપ પર વાપરતો હતો તેને અમે રાજસ્થાનથી પકડ્યો છે, જ્યારે સ્કોર્પિયો ચોરીના અન્ય એક આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
43 ટીમોનું ગુજરાતથી લઈને ઉત્તરાખંડ સુધી સર્ચ ઓપરેશન
સમગ્ર ઓપરેશનને પાર પાડવા માટે અમે 341 પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરીને 43 અલગ-અલગ ટીમો બનાવી હતી. અમારી આ ટીમોએ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય શહેરો જેવા કે મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને રાજકોટમાં પણ તપાસ કરી હતી. આટલું જ નહીં, અમે પાંચ અન્ય રાજ્યો જેવા કે,ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનમાં પણ અમારી ટીમો મોકલીને આ આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી છે.









