અમદાવાદમાં 149મી રથયાત્રા: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra 2026: અષાઢી બીજ (16 જુલાઈ)ના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે (14મી જુલાઈ) જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અત્યંત ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ગયા છે. નેત્રોત્સવ વિધિને લઈને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
નેત્રોત્સવ પૂજન વિધિ શરૂ
આજના ધાર્મિક મહોત્સવની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે થઈ હતી, જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 7:30 વાગ્યાથી નેત્રોત્સવ પૂજન વિધિનો પ્રારંભ કરાયો હતો. જે સવારે 10:30 વાગ્યા સુધી ચાલી હતી. આ પૂજન વિધિમાં આશરે 30 જેટલા યજમાનો સહભાગી બન્યા હતા.

ધ્વજારોહણ, મહાઆરતી અને સાધુ-સંતોનો ભંડારો
નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ જગન્નાથ મંદિરના મુખ્ય શિખર પર પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન હતું. બપોરે 11 વાગ્યે મંદિરમાં પધારેલા દેશભરના સાધુ-સંતો માટે ખાસ ભંડારા (મહાપ્રસાદ) અને વસ્ત્રદાન તેમજ દાન-દક્ષિણા આપવાનો સમારંભ યોજાયો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભગવાનના આ અલૌકિક દર્શન કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો મંદિરે પહોંચ્યા છે અને નેત્રોત્સવ વિધિના દર્શન કરવા માટે આતુર દેખાઈ રહ્યા છે. રથયાત્રા પૂર્વેના આ મહોત્સવમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે.
સુરક્ષાનું અભેદ્ય કિલ્લા જેવું આયોજન
કુલ 16.5 કિલોમીટર લાંબા રૂટ પર નીકળનારી જગન્નાથ રથયાત્રામાં ગજરાજથી લઈને મુખ્ય રથ સુધીનો વિસ્તાર જ આશરે 2.5થી 3.5 કિલોમીટર જેટલો લાંબો હોય છે. સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે સમગ્ર રૂટને 16 રેન્જમાં વહેંચી દેવામાં આવ્યો છે.
•ઉચ્ચ અધિકારીઓ: 10 IG, 42 DCP અને 88 ACP સુરક્ષાની કમાન સંભાળશે.
•પોલીસ જવાનો: 800થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI)ને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
•સેન્ટ્રલ ફોર્સ: સ્થાનિક પોલીસની મદદ માટે મિલિટરી અને પેરા-મિલિટરી ફોર્સ તહેનાત રહેશે.
•સુરક્ષા પોઇન્ટ્સ: રૂટ પર 59 જેટલા નાકા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યારે અગાઉથી જ અનેક અસામાજિક તત્વોની અટકાયત કરી લેવાઈ છે.
સ્માર્ટ પોલીસિંગ અને હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ
આ વર્ષની રથયાત્રામાં સુરક્ષા માટે સ્માર્ટ પોલીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
•ફેસ રેકગ્નિશન: શંકાસ્પદ ચહેરાઓ ઓળખવા માટે 64,000થી વધુ લોકોના ડેટા સાથે સિસ્ટમ સજ્જ કરાઈ છે.
•ડ્રોન સર્વેલન્સ: આકાશમાંથી બાજ નજર રાખવા માટે 100થી વધુ હાઈટેક ડ્રોન તૈનાત રહેશે.
•ડીજે પર નિયંત્રણ: ભગવાનના ગજરાજ (હાથીઓ) પર ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. ગજરાજ શાંતિપૂર્વક પસાર થઈ શકે તે માટે જ્યાં સુધી તેઓ પસાર ન થાય ત્યાં સુધી ડીજે ન વગાડવા અપીલ કરાઈ છે.
•રથયાત્રાના દર્શન દરમિયાન કોઈપણ વ્યક્તિએ ભયજનક ઇમારતો કે બાલ્કનીઓની નજીક ઊભા રહેવાનું ટાળવું, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.









