Aapna to adhar vanka

મુખ્યમંત્રી ઝરખ ઝટપટ સામે સિંહ સમર્થિત વિદ્યાર્થી નેતા પાડા પીંજણનું આંદોલન

By GS Team
20 Aug 20264 mins read
TukuTouch Logo
મુખ્યમંત્રી ઝરખ ઝટપટના જંગલમાં પેપરલીક અને ભરતી ગેરરીતિના આરોપમાં વિદ્યાર્થી નેતા પાડાકુમાર પીંજણે આંદોલન શરૂ કર્યું. તેણે વીડિયો પોસ્ટ કરી ભૂખ હડતાલ અને ઉગ્ર દેખાવોની ચીમકી ઉચ્ચારી. વિપક્ષના નેતા સસલાભાઈના સમર્થક તિમોર હરણે રાજા સિંહના સમર્થિત મુખ્યમંત્રી ગોધા ગપ્પાબાજના જંગલમાં આંદોલન શરૂ કર્યું. સસલાભાઈએ રાજા સિંહને મેસેજ કર્યો "હિસાબ સરભર".

Summarized by AI; it may make mistakes. Check important info

મુખ્યમંત્રી ઝરખ ઝટપટ સામે સિંહ સમર્થિત વિદ્યાર્થી નેતા પાડા પીંજણનું આંદોલન
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • પાડા પીંજણના આંદોલનને નબળું પાડવા સસલાભાઈના ઈશારે તિમોર હરણે રાજા સિંહના સમર્થિત ગોધા ગપ્પાબાજના જંગલમાં આંદોલન શ: કર્યું

'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો 'જંગલ ન્યૂઝ…'
'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ બ્રેકિંગ ન્યૂઝ આપ્યાઃ 'કોકરોચ કચવાટિયો ભૂખ હડતાલ પર છે અને રાજા સિંહના દરબાર સુધી માર્ચ કાઢવાનો છે એ તો આપ સૌ જાણો છો, હવે મુખ્યમંત્રી ઝરખ ઝટપટના જંગલમાં પેપરલીક અને સરકારી ભરતીમાં થયેલી ગરબડોના આરોપમાં વિદ્યાર્થી નેતા પાડાકુમાર પીંજણે આંદોલન શ: કર્યું છે. પાડાકુમારે એક વીડિયો પોસ્ટ કરીને આંદોલન અંગે જાણકારી આપી છે.'
હસીના હરણીએ જે વીડિયો બતાવ્યો એમાં પાડાકુમાર પીંજણે કહ્યુંઃ 'જ્યાં સુધી મુખ્યમંત્રી ઝરખ ઝટપટ મારી માંગણીઓ સ્વીકારી નહીં લે ત્યાં સુધી ભૂખ હડતાલ પર ઉતરીને તેના ઘરની સામે ઉગ્ર દેખાવો કરીશ. મુખ્યમંત્રી બન્યા પછી ઝરખભાઈએ જેટલી ભરતી કરી છે એ તમામમાં ગરબડો થઈ છે એટલે એ બધી જ ભરતીઓ રદ્ થશે ત્યાં સુધી દેખાવો અને ભૂખ હડતાલ ચાલુ રહેશે..'
વીડિયો પૂરો થયો પછી સ્ક્રીન પર હાજર થઈને હસીના હરણીએ ઉમેર્યું, '…તો દોસ્તો આખાય જંગલમાં વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. અત્યાર સુધી વિપક્ષના નેતા સસલાભાઈ કોકરોચ કચવાટિયાના આંદોલનને સમર્થન આપે છે અને શાન દીપડાને પકડી લેવાયા તેનો વિરોધ કરે છે. શું હવે સસલાભાઈ તેમના સહયોગી ઝરખ ઝટપટ સામે શ: થયેલા આ આંદોલનને ટેકો આપશે?' હસીના હરણીએ સમાચારને રાજકીય રંગ આપ્યા પછી અહેવાલ પૂરો કર્યો, '…તો આ હતું અમારું વિશેષ બુલેટિન, જોતા રહો જંગલ ન્યૂઝ!'
'જંગલ ન્યૂઝ'નું બુલેટિન જોઈને રાજા સિંહ મનોમન બબડયાઃ 'સસલાભાઈ તૈયાર રહેજો. મજા તો હવે આવશે.'
રાજા સિંહના સોશિયલ મિડીયા ઈન્ચાર્જ ફ્રોગભાઈ ફ્રોડે જંગલના સોશિયલ મિડીયામાં સસલાભાઈ વિ:દ્ધ ટ્રેન્ડ ચલાવવા એક પછી એક પોસ્ટનો મારો ચલાવ્યો.
-'કોકરોચ કચવાટિયા અને શાન દીપડાના આંદોલનમાં વિદ્યાર્થીઓને સપોર્ટ કરનારા સસલાભાઈ પાડાકુમાર પીંજણના આંદોલનને સપોર્ટ આપશે?'
-'સસલાભાઈ તેમના સહયોગી ઝરખ ઝટપટને સમજાવશે?'
-'સસલાભાઈ ઝરખ ઝટપટના જંગલમાં જઈને પાડાકુમાર પીંજણને મળશે?'
-'કોકરોચો માટે કેટ કમાન્ડો સામે ઝઝૂમનારા સસલાભાઈ ઝરખના સુરક્ષાદળ સામે ઝઝૂમશે?'
રાજા સિંહની વિ:દ્ધનો માહોલ હતો એમાં જાણે બે ભાગ પડી ગયા. હવે રાજા સિંહના સમર્થકો પાસે સસલાભાઈને ટાર્ગેટ કરવાનો મજબૂત મુદ્દો હતો. જંગલના સોશિયલ મિડીયામાં સસલાભાઈ અને ઝરખની વિ:દ્ધમાં ટ્રેન્ડ ચાલ્યો.
ઝરખ ઝટપટ સામે આંદોલન શ: થયું છે એ ન્યૂઝ જોઈને સસલાભાઈને પરસેવો વળી ગયો. તેણે અંગત સલાહકાર અને તેમની પાર્ટીના પ્રમુખ લંગુર લપલપિયાને ફોન જોડયો, 'આપણી તરફેણનો સરસ માહોલ બન્યો હતો એ તો એક દિવસમાં હવા થઈ ગયો. હવે શું કરવું છે? હું જંગલ જોડો યાત્રાએ નીકળી જાઉં?' સસલાભાઈ ભારે ચિંતામાં હતા.
'આ રાજા સિંહનું કામ છે. આપણે ચિંતન શિબિર ગોઠવીને વિચારવું જોઈએ.' લંગુર લપલપિયા પાસે દરેક પ્રશ્નનો આ એક જ ઉકેલ હતો. પાર્ટીનો પરાજય થાય કે રાજા સિંહ સામે મોરચો ખોલવાનો હતો, દરેક વખતે લંગુર લપલપિયો ચિંતન શિબિર યોજવાની જ સલાહ આપતો.
'તમે જૂની માનસિકતામાંથી બહાર આવો. કંઈક નવું વિચારો!' સસલાભાઈએ લંગુરને ખખડાવી નાખ્યો, 'જો તમને નવું વિચારવાનું ફાવતું ન હોય તો આપણે બીજા કોઈને જવાબદારી સોંપીએ..'
'અરે સસલાભાઈ… આ તો ચિંતન શિબિરની આપણી પરંપરા છે એટલે… બાકી મારી પાસે બીજા આઈડિયા પણ છે. હું તમને હમણાં કલાકમાં વ્યૂહ ઘડીને મળવા આવું છું.' સસલાભાઈ સલાહકાર બદલી નાખશે એ ડરથી લંગુર લપલપિયાએ નવા આઈડિયાનો વાયદો કર્યો. સામસામા ફોન કટ થયા પછી લંગુર વિચારે ચડયો.
એક કલાક ઊંધા માથે થઈને વિચાર્યાં પછી લંગુરને ખરેખર નવો આઈડિયા સૂઝ્યો. એ દોડતો સસલાભાઈ પાસે પહોંચી ગયો ને બોલવા માંડયોઃ 'ઝરખની બાજુના જંગલમાં રાજા સિંહની પાર્ટીના ગોધાભાઈ ગપ્પાબાજ મુખ્યમંત્રી છે. એ જ જંગલમાં તિમોર હરણ વિપક્ષનો નેતા છે. એની સાથે આપણું ગઠબંધન છે.'
'તમે ઝરખના જંગલની વાત કરો. તેના બાજુના જંગલની રાજકીય ગતિવિધિની મને બધી જ ખબર છે.' સસલાભાઈ અધીરાઈથી બોલ્યા.
'જી!' લંગુર લપલપિયાએ આગળ ચલાવ્યું, 'ગોધો ગપ્પાબાજ સવાર-સાંજ મોટી મોટી ડિંગો હાંકે છે પણ કંઈ કરતો નથી. એના રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ નારાજ છે. આપણે તિમોર હરણને કહીને નારાજ વિદ્યાર્થીઓને ભેગા કરીએ આંદોલન કરાવીએ. એનાથી બાજુબાજુનાં જંગલોમાં એક આંદોલન રાજા સિંહનું અને એક આંદોલન આપણું - એવું બેલેન્સ થઈ જશે.'
'વાહ… મઝા આ ગયા… આ નવો આઈડિયા છે.' ખુશ થયેલા સસલાભાઈએ તુરંત તિમોર હરણને ફોન કરીને વ્યૂહ સમજાવી દીધો.
'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો 'જંગલ ન્યૂઝ'… મુખ્યમંત્રી ગોધા ગપ્પાબાજના જંગલમાં પણ વનાક્રોશ ફાટી નીકળ્યો છે. તિમોર હરણના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે…'
ન્યૂઝ જોઈને સસલાભાઈએ રાજા સિંહ એક વખત જ જોઈ શકે એવો મેસેજ કર્યો, 'મહારાજ! હિસાબ સરભર…'