પેપર લીક કૌભાંડમાં શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલા રાજીનામું આપે : કોકરોચ કચવાટિયાની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
'જંગલની આપણી જૂની ને જાણીતી જગ્યા બંજર-ગંજરના મેદાનમાં હું આંદોલન કરીશ.'
'જંગલની કથળેલી શિક્ષણ વ્યવસ્થા પાછળ કાચિંડા કાંટાવાલાની નિષ્ક્રિયતા મુખ્ય કારણ છે. હું શિક્ષણમંત્રી કાચિંડા સામે જંગલવ્યાપી આંદોલન શરૂ કરીશ. જંગલના સૌ વિદ્યાર્થીઓને મારો સાથ આપવાની અપીલ કરું છું.' કોકરોચ કચવાટિયાએ વિડીયો મેસેજ મૂક્યો. કોકરોચ સમાજનું રાજકીય મહત્ત્વ સાબિત કરવા મેદાને પડેલો કોકરોચ કચવાટિયો છેલ્લા દિવસોમાં ભારે નિરાશ થયો હતો. રાજકીય કાવાદાવાના કારણે તેનું આંદોલન જામ્યું ન હતું. કોકરોચ સમાજ અફવાઓથી ડરી ગયો હતો એટલે પ્રદર્શનોમાં ભીડ એકઠી થતી ન હતી. એમાં વળી દેડકાએ જાહેરમાં કોકરોચને તમાચો મારી દીધો પછી તો આખાય કોકરોચ સમાજમાં ફફડાટ હતો.
આવી સ્થિતિ વચ્ચે કોકરોચ સમાજના ઉપપ્રમુખ વંદા વખારીના સૂચન પછી કોકરોચ કચવાટિયાએ આખાય જંગલને સ્પર્શતો મુદ્દો ઉઠાવ્યો હતો. જંગલમાં શિક્ષણ-વ્યવસ્થા કથળી ગઈ હતી. પેપરો લેવાતા ન હતા એટલા તો લીક થતાં હતાં. 'પેપર' શબ્દ સાથે 'લીક' અને 'કૌભાંડ' એટલા જામી ગયા હતા કે ઘણી વખત તો રાજા સિંહની પાર્ટીના નેતાઓ પણ ભૂલથી પેપર લીક કૌભાંડ એવું બોલી દેતા હતા. કાચિંડો જંગલનો શિક્ષણ મંત્રી હતો અને તેની સામે ઘણા સમયથી વિરોધ ઉઠતો હતો, પણ રાજા સિંહ એનાથીય મોટો મુદ્દો લાવીને આ કૌભાંડોને દબાવી દેવામાં સફળ થતા હતા.
જંગલમાં કાચિંડા કાંટાવાલા સામે આક્રોશ હતો. બરાબર એ જ સમયે કોકરોચ કચવાટિયાએ જંગલવ્યાપી આંદોલનની જાહેરાત કરી એટલે આખાય જંગલના વિદ્યાર્થીઓની આંખોમાં ચમક આવી. જંગલના સોશિયલ મિડીયામાં કોકરોચ કચવાટિયાના સમર્થનમાં ફરીથી ટ્રેન્ડ બન્યો. 'કોકરોચ તુમ આગે બઢો, હમ તુમ્હારે પીછે હૈ… એક દો તીન ચાર, કોકરોચ કા હાહાકાર… હમારા નેતા કૈસા હો, કોકરોચભાઈ જૈસા હૌ..' જેવા ચીલાચાલુ નારાથી સોશિયલ મિડીયા ઉભરાઈ ગયું.
ધારણા પ્રમાણે જ જંગલના વિદ્યાર્થીઓએ સમર્થન આપ્યું એટલે પોરસાઈને કોકરોચ કચવાટિયાએ સત્તાવાર જાહેરાત કરતી પોસ્ટ લખી: 'જંગલની આપણી જૂની ને જાણીતી જગ્યા બંજર-ગંજરના મેદાનમાં હું આંદોલન કરીશ. જ્યાં સુધી કાચિંડો રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલશે. મારી સાથે આપ સૌ પણ આવો. આપણે કાચિંડાને બતાવી દઈએ..'
જંગલમાં રાજા સિંહના દરબારથી થોડે દૂર જ બંજર-ગંજરનું મેદાન હતું. આ મેદાન સૌ આંદોલનકારીઓ માટે શુકનવંતુ મનાતું. એક તો રાજા સિંહના વિસ્તારમાં જ મેદાન હોવાથી તેનું મહત્ત્વ હતું. વળી, આ મેદાનમાં ઘણી ખુલ્લી જગ્યા હતી એટલે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ આવે તો મોકળાશ રહેતી. આ જગ્યા બંજર-બિનઉપજાઉ હતી. ખાલી જગ્યા હોવાથી જાત-ભાતની ચીજવસ્તુઓનો ગંજ ખડકાતો એટલે ધીમે ધીમે એ બંજર-ગંજરના નામે જાણીતી થઈ. ભલે આ મેદાન બિનઉપજાઉ હતું, પરંતુ જંગલના ઘણા નેતાઓ માટે એ ફળદ્રુપ સાબિત થતું આવ્યું હતું. કાચબાભાઈ કકળાટિયાએ તેમના ગુરૂ કરચલાભાઈ સાથે મળીને આ મેદાન પર જ જંગલના ભ્રષ્ટાચાર સામે આંદોલન કર્યું હતું અને એના કારણે કાચબાભાઈનું રાજકારણ એવું ચમકી ગયું કે એ દરિયાના મુખ્યમંત્રી બની બેઠા હતા.
'માહોલ બરાબર જામી રહ્યો છે. આ આંદોલનથી આપણે નામ કરીશું. કોકરોચ સમાજને યોગ્ય માન-પાન અપાવીશું.' તરફેણમાં ટ્રેન્ડ બનતો જોઈને કોકરોચ કચવાટિયાએ ઉપપ્રમુખ કમ સલાહકાર વંદા વખારીને કહ્યું.
'આટલું પૂરતું નથી. આપણે હજુ વધારે માહોલ બનાવવા થોડાં જૂઠાણાં ચલાવવા પડશે.' વંદા વખારીએ બિલકુલ ઉત્સાહમાં આવ્યા વગર એકદમ ઠંડકથી ઉમેર્યું, 'ફાયદો નહીં દેખાય તો એકેય જંગલવાસી આંદોલનમાં આવશે નહીં. યાદ છેને? સોશિયલ મિડીયામાં તો કોકરોચ સમાજ પણ પાર્ટી બનાવી ત્યારે ઉત્સાહમાં હતો.'
'યુ આર રાઈટ! કોકરોચ પાર્ટી બનાવી ત્યારે વંદાઓમાં પણ આટલો જ ઉત્સાહ હતો.' વંદા વખારીની વાત સાંભળીને તરત જ મોબાઈલ બાજુમાં મૂકીને કોકરોચ કચવાટિયો વિચારમાં પડી ગયો. થોડીવાર એમ જ વિચાર્યા કર્યું ને પછી બબડયો, 'આટલું પૂરતું તો નથી જ..'
'એટલે જ કહું છું કે જૂઠાણુ ચલાવવું પડશે,' વંદા વખારીએ ગળું ખોંખારીને ફરીથી મોટિવેશનલ સ્પીકરની અદામાં ભાષણ શરૂ કર્યું, 'તમે જેમનાથી પ્રેરિત છો એ કાચબાભાઈએ તો આખાય જંગલમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાની કેવી વાતો કરી હતી. એ વખતે તો તમે ખૂબ નાના હશો, મને તો એ આંદોલન બરાબર યાદ છે. બંજર-ગંજરનું મેદાન પ્રદર્શનકારીઓથી છલકાઈ ગયું હતું. સૌને લાગતું હતું કે કાચબાભાઈ જંગલમાં ભ્રષ્ટાચાર નાબુદ કરીને જંગલને નવી ઊંચાઈએ લઈ જશે. એમણે એટલા દાવાઓ-જૂઠાણાઓ ચલાવ્યા હતા કે વાત ન પૂછો. હવે તો એમની સામે જ ભ્રષ્ટાચારનો આરોપ લાગી ચૂક્યો છે. રાજા સિંહની જ વાત કરોને! તેમણે તો જૂના રાજા સિંહ સામે એવો મોરચો માંડયો હતો કે વાત ન પૂછો. જાણે તેમના હાથમાં રાજ આવશે તો જંગલનું એક દિવસમાં કલ્યાણ થઈ જશે એવી બડાશ હાંકી હતી. આજે જુઓ હાલત!'
'…ઓકે તો આપણે શું કરવું જોઈએ?' વંદો વખારી લાંબું ભાષણ આપવાની પેરવીમાં હતો એને રોકીને કોકરોચ કચવાટિયાએ સીધો જ સવાલ પૂછ્યો.
'વાયદા કરો વાયદા! પેપર લીકથી પરેશાન જંગલના વિદ્યાર્થીઓ સામે એવું ગાજર લટકાવો કે તમારા આંદોલનમાં ભીડ ઉમટી પડે.' વંદા વખારીએ આટલું કહીને વાયદાઓ લખેલો એક કાગળ કોકરોચ કચવાટિયાને થમાવ્યો.









