Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

ઠેરઠેર ઢોંગી સાધુ બાવાઓની બોલબાલા

જ્યાં ત્યાં મનની શાંતિ માટે ભટકવાથી  એ મળી જતી નથી, ઊલટું, મનના ગૂંચવાડામાં વધારો જ કરે છે

હરિયાણાના સીરસામાં બાબા રામરહિમની પોલ ખૂલી ગઈ અને જેલભેગા થયા. એ પછી એમના અવિશ્વાસુ હનીપ્રિત પણ જેલભેગા થયા.

આ હનીપ્રિત બાબાના કાવત્રામાં સામેલ હતી અને બાબા પકડાય કે તરત પાંચ કરોડ રૃપિયા ખર્ચીને તોફાનો કરાવવાની હતી, પણ એની એ યોજના નિષ્ફળ ગઈ. આ પછી હવે દિલ્હીમાં એક બીજા બાબા રવિન્દ્રની પોલ ખૂલી છે. આ બાબા દિલ્હીમાં ૧૭ વરસથી આશ્રમ ચલાવતા હતા અને સંખ્યાબંધ સ્ત્રીઓને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. અંતે એક બહેને ફરિયાદ કરી અને બાબા ઝડપાઈ ગયા.

આ બહેને જણાવ્યું કે મારી એક બહેન ૧૭ વરસથી આશ્રમમાં હતી એને શોધવા હું ગયેલી એ ન મળી ઉલ્ટું બાબાએ મને જ વાસનાનો શિકાર બનાવી. આ આશ્રમમાં લોખંડી વ્યવસ્થા હતી. લોખંડની જાળી એક પછી એક ખૂલતી, આવી છ જાળીઓ વટીએ ત્યારે આશ્રમ આવે. ફરિયાદ મહિલા આયોગ સુધી ગઈ તો મહિલા આયોગના પ્રમુખ પણ ત્યાં તપાસ માટે પહોંચ્યા એમની સાથે પણ મારપીટ થઈ અને અંતે આ ટીમને આશ્રમમાં પ્રવેશ મળ્યો.

હમણાં હમણાં અધ્યાત્મ અને આધ્યાત્મિકતા, એ બે શબ્દો વારંવાર કાને અથડાય છે. ઠેરઠેર જાતજાતની આધ્યાત્મિક શિબિરો યોજાઈ રહી છે અને એમાં સેંકડો લોકો ભાગ લે છે. આત્માની ઉન્નતિ અને મનની શાંતિ માટે લોકો જાણે એકાએક તલપાપડ બની ગયા છે. કેટલીક શિબિરોમાં તો કોલેજના અભ્યાસના જેમ ત્રણચાર તબક્કા હોય અને પહેલાં સ્નાતક અને પછી અનુસ્નાતકની ડિગ્રી મળે, એમ આત્માની ઉન્નતિના પણ તબક્કા પાડવામાં આવે છે અને એક શિબિર પૂરી કર્યા બાદ બીજી ઊંચી કક્ષાની શિબિર યોજાય છે.

આવા આધ્યાત્મિક સંવાદના અંગ્રેજી નામો અપાય છે અને એના વિષયે લોકો જાતજાતની વાતો સાંભળીને 'ઈન્સ્ટન્ટ રિલીફ' માટે એમાં જોડાવા ઉત્સુક બની જાય છે. પ્રશ્ન એ થાય કે, આ અધ્યાત્મ એ વાસ્તવમાં શું છે? વિનોબા ભાવેએ એકવાર કહ્યું હતું, 'આ વાતને જરા ઉંડાણથી સમજી લેવાની જરૃર છે અને તેમાંયે હિંદુસ્તાનમાં તો ખાસ. કેમકે અહીં અધ્યાત્મ વિષે જાતજાતના ખ્લાયો દ્રઢ લઈ ગયેલા છે.'

અધ્યાત્મની વાત આવે એટલે તરત ધ્યાનની વાત આવે. વળી પ્રશ્ન થાય કે ધ્યાન એટલે શું? વિનોબા ભાવેનો જ વિચાર જોઈએ, 'એકવાર એક ભાઈએ મને કહ્યું કે, હું આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માંગું છું, એટલા વાસ્તે હમણાં બસ ધ્યાન કરી રહ્યો છું. મેં એમને કહ્યું કે, ધ્યાનનો અધ્યાત્મ સાથે કોઈ ખાસ સંબંધ છે એવું હું નથી માનતો.

કર્મ એક શક્તિ છે, જે સારા ખરાબ સ્વાર્થ, સારા ખરાબ ચરાર્થ અને પરમાર્થ એમ પાંચમાંથી કોઈપણ કામમાં આવી શકે છે. એવી જ રીતે ધ્યાન પણ એક શક્તિ છે, જે આવાં પાંચેય કામોમાં આવી શકે છે. જેમ કર્મ સ્વયમેવ કોઈ આધ્યાત્મિક શક્તિ નતી, એમ ધ્યાન પણ સ્વયમેવ કોઈ આધ્યાત્મિક શક્તિ નથી.'

પણ, આપણે તો આ કહેવાતા ધ્યાનને આધ્યાત્મિકતા સાથે એવું જોડી દીધું કે બંને એકબીજાના પર્યાય જેવા બની ગયા. ગામેગામ ધ્યાનશિબિરો યોજવા લાગી. જો ધ્યાન જ ધરવાનું હોય તો તેની શિબિરમાં જવાની શી જરૃર છે? ઘેર બેઠાં પણ એ કરી શકાય.

મનની એકાગ્રતા કે શાંતચિત્તે મનને કેન્દ્રિત કરીને શુધ્ધ કરવાની પ્રક્રિયાને ધ્યાન ગણીએ તો એ વ્યક્તિ પોતે પણ આપમેળે કરી શકે છે અને આંખો મીંચીને પડયા રહેવાને જ જો ધ્યાન ગણાતું હોય તો માણસ ગાઢ ઊંઘમાં હોય એને પણ ધ્યાન ગણવું જોઈએ. વાસ્તવમાં કોઈ મહેનતકશ મજૂર આખો દિવસ શ્રમ કરીને પછી રાતે પથારીમાં પડે અને સીધી અને ગાઢ ઊંઘ આવી જાય, અને કોઈ જાતના નકામા વિચારો કે સપનાં જોયા વિના એ સીધો સવારમાં ઊઠે એને ધ્યાન નહીં તો બીજું શું કહીશું?

આજનો સરેરાશ નાગરિક સતત બેચેની અને અજંપો અનુભવે છે. આ અજંપાનાં કારણો અનેક હોઈ શકે. કોઈને નોકરીમાં મજા આવતી નથી, કોઈને ધંધો ફાવતો નથી, કોઈને ઘરમાં પત્ની સાથે મેળ પડતો નથી, તો કોઈને સંતાનો સાથે અંતર પડી જાય છે. કોઈ રાજકારણી તો વળી ઈચ્છિત પદ કે હોદ્દોે ન મળે એનાથી બેચેન થઈ જાય છે. મનગમતો મિત્ર કે મનગમતું પ્રેમપાત્ર ન મળે એ પણ અજંપાનું મોટું કારણ હોઈ શકે. આવા લોકો બેચેનીનો ઈલાજ પોતે શોધી શકતા નથી અને પરિણામે આધ્યાત્મિક ગુરૃઓને ચરણે જઈને આળોટે છે.

આટલી મોટી સંખ્યામાં મનની શાંતિની માંગ હ ોય તો પુરવઠો પણ મોટો જ હોવો જોઈએ. પરિણામે આજે તો ધર્મ અને અધ્યાત્મ પણ ધંધો બની ગયા છે. જાતજાતના ગુરૃઓ જાતજાતની શિબિરો ગોઠવે છે અને જાતજાતના નુસ્ખાનો પ્રચાર કરે છે. મારા એક મિત્ર એવા છે જેનો ક્યાંય પત્તો ન લાગે તો આવી એકાદ શિબિરમાંથી એ જરૃર મળી આવે! પણ, આટલી બધી શિબિરોમાં ગયા પછી એમનો માનસિક અજંપો હતો ત્યાં ને ત્યાં જ છે.

ઘણાં લોકોને પોતાની મુશ્કેલીઓનું કાળજીપૂર્વક જતન કરીને છેતરવાની ટેવ હોય છે. આવી રીતે જ્યાં ત્યાં મનની શાંતિ માટે ભટકવાથી એ મળી જતી નથી, ઊલટું, મનના ગૂંચવાડામાં વધારો જ કરે છે.

આપણે કદાચ કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રૃપાળું નામ આપી દીધું છે. કોઈપણ કામ કરવું હોય તો શરીર અને મન બંનેને કષ્ટ આપવું પડે છે. કારખાનામાં કોઈ માણસ મશીન પર બેઠો હોય તો એણે મશીનના જુદા જુદા ભાગો તરફ નજર કરવી પડે, પોતાનો હાથ મશીનમાં આવી ન જાય એની કાળજી રાખવી પડે અને મશીનમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ બરોબર થઈ રહી છે કે નહીં એ પણ જોવું પડે.

આમ, તન અને મન બંનેને કાર્યરત રાખવાં પડે. ઓફિસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે. સંદર્ભો જોવા પડે. ઓફિસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે.

સંદર્ભો જોવા પડે, કોઈને પત્રનો જવાબ આપવો હોય તો પણ જે પત્રનો જવાબ આપવાનો છે. એના સંદર્ભ નંબર ટાંકવા પડે, એનો વિષય અને એની વિગત જોઈ જવી પડે, કવર બનાવવું પડે, એની ઉપર ટિકિટ ચોંટાડવી પડે. આ બધાં કામો કરવામાં જેને આળસ થતી હોય અને કોઈપણ કામ કરવામાં જ મન ન ચોંટતું હોય તો આસાન રસ્તો આધ્યાત્મિક બની જવાનો છે.

નિષ્ક્રિય બનીને ધાર્મિક દ્રષ્ટાંત કથાઓ સાંભળ્યા કરવી અને આંખો મીંચીને ધ્યાન ધરતા રહેવું, એમાં આપણને જીવનની સાર્થકતા દેખાય છે અને ખેતરમાં કામ કરવું, રસ્તા બનાવવા, ઘરને સાફ કરવું એ બધામાં આળસ થાય છે. વિનોબા નાના હતા ત્યારે ખેતરમાં કોદાળી ચલાવતા, કાંતણ, વણાટની સાથે રસોઈ કરતા અને ઘરમાં દીવાલ રંગવાનું કામ પણ કરતાં.

પણ, 'એ બધાં કામ કરતી વખતે મારી એજ ભાવના હતી કે, હું ઉપાસના કરી રહ્યો છું'... આમ, જીવનમાં ઘરના ઓફિસના નાનાં-મોટાં કામ કરવાને વિનોબા જેવા લોકો 'ઉપાસના'નો દરજ્જો આપે છે, ત્યારે આપણે આવાં કામોને તુચ્છ ગણી, એમાં નાનમ અનુભવીને આપણી એ આળસ કે અભિમાનને છુપાવવા માટે કહેવાતી આધ્યાત્મિકતા અપનાવી લઈએ છીએ. વિનોબા ચરખો કાંતવાને કે ખેતરમાં કામ કરવાને 'આધ્યાત્મિક કર્મ' કહે છે.
 

જીવન ગૂંચવાડા ભર્યું છે. આ ગૂંચવાડામાંથી માર્ગ કાઢવા માટે આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ જેવી કોઈ બીજી દવા નથી. પણ, દર્દીને ખબર જ નથી કે એને શો રોગ થયો છે, પરિણામે રસ્તા પર બેઠેલા ઊંટવૈદો એને ભરમાવે છે. ધર્મને નામે, અધ્યાત્મને નામે, ત્યાગ અને બલિદાનને નામે, મોક્ષને નામે એને અવળે રસ્તે ચડાવે છે.

એક ભાઈ એક મનોવિજ્ઞાાની ડોક્ટર પાસે ગયા. ફરિયાદ એ હતી કે, આખો દિવસ ખોટા વિચારો આવે છે, મનને શાંતિ મળતી નથી, મન ભટકે છે, ઊંઘમાં સપનાં આવે છે. ડોકટરે પૂછયું કે, કામ શું કરો છો? ત્યારે ખબર પડી કે કોઈ સરકારી ખાતામાં નોકરી કરે છે. ડોકટરે પૂછયું  અત્યારે તો તમારી નોકરીનો સમય છે, તો પછી અહીં કઈ રીતે આવ્યા? જવાબ મળ્યો, સરકારી નોકરી છે.

સમયસર જવું જરૃરી નથી. ન જઈએ તો કોઈ પૂછતું નથી. ઓફિસમાં બધા આમ જ કરે છે. ડોકટરને જવાબ મળી ગયો. એણે કહ્યું, 'તમે ઓફિસમાં બરોબર હાજરી આપો. તમારી ફરજ પૂરી નિષ્ઠાથી બજાવો. અરજદારોના કામ પતાવો. આવા એક અરજદારનું કામ તત્પરતાથી પતાવ્યા પછી જે માનસિક સંતોષ મળશે એ જ તમારી દવા છે. પછી તમારું મન ક્યાંય નહીં ભટકે'...

દરેક માણસને એની ઈચ્છિત વસ્તુ મળી જતી નથી. દરેકના જીવનમાં કશુંક ખૂટે છે એ જ આપણે મેળવવું છે. અધૂરપ પૂરવાની ઝંખનામાં માણસ મનની સમતુલા ગુમાવી બેસે છે અને પછી અહીંતહીં ભટકવા માંડે છે. કહેવાતા 'ગુરુઓ' આવા ગુમરાહ લોકોની જ રાહ જોતા હોય છે.

કોઈ મઠ કે આશ્રમમાં લઈ જઈને એમને આધ્યાત્મિકતાનાં ઈન્જેકશન આપવાનું શરૃ થઈ જાય છે. આવા ગુમરાહ લોકોમાં આજકાલ બહુ પૈસાદાર લોકો વધુ જોવા મળે છે. સાચાખોટા માર્ગે પૈસો ખૂબ બનાવી લીધો, પણ પછી અંદરનો ખાલિપો ખખડવા માંડે ત્યારે સમજાય છે કે પૈસો એ પરમેશ્વર નથી.

ગુજરાતીઓ પાસે પૈસો વધી ગયો એટલે આધ્યાત્મિકતાની દુકાનોમાં એમની ઘરાકી વધી ગઈ છે. આવા લોકો કોઈ ગુરુ પાસે દોડી જવાને બદલે થોડો સમય પોતાની જાત સાથે સંવાદ કરે તો ઘણા પ્રશ્નોના જવાબ આપોઆપ જ મળી જાય.

આપણને આજે સૌથી વધુ જરૃર ઉત્પાદકતા અને શ્રમની છે. એ ભૂલીને આપણે આળસ અને અકર્મણ્યતા ઉપર પડી ગયા છીએ. આધ્યાત્મિકતાને જો ચિંતન અને મનન ગણીએ તો એ માણસ માટે જરૃરી છે. માણસના જીવનમાં કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ ફિલસૂફી હોવી જોઈએ. વિશ્વના શ્રેષ્ઠ વિચારકોનું ચિંતન એણે ભણવું જ જોઈએ.

પોતાના જીવનમાં પ્રગતિ અને સફળતામાં એ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે. પણ, આધ્યાત્મિકતાને નામે આત્મા, પરમાત્મા અને સ્વર્ગ-નર્ક જેવી અગમ્ય બાબતોમાં એ પડી જાય તો એ માણસ પછી કામ કરતો જ બંધ થઈ જશે અને પરાવલંબી બની જશે. આર્થિક ઉન્નતિ માટે સાહસ અને કુશળતા જોઈએ અને સખત પરિશ્રમ જોઈએ. જે માણસ જીવનને મિથ્યા માનશે એની મહત્વાકાંક્ષા મરી જશે અને એ કામ કરવા જ નહીં પ્રેરાય.

માણસમાં મહત્વાકાંક્ષા હશે તો એ પૂરી કરવા માટે મથશે. પણ, જો અગમનિગમની માયાજાળમાં પડી જશે તો જીવનમાં એને રસ જ નહીં રહે. માણસ બધું મેળવ્યા પછી સાદાઈ અપનાવે એ એક વાત છે અને પોતાની પાસે કંઈ હોય જ નહીં એટલે સાદાઈ અપનાવવી પડે એ બીજી જ વાત છે. જે માણસની પાસે વિચારનો આંતરિક વૈભવ છે, એણે મનની શાંતિની શોધમાં અહીંતહી ભટકવું પડતું નથી.
 

Post Comments