Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1950-1963

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ : આઝાદ દેશે બંધારણ અપનાવ્યું

'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ'નું નામ આજે કદાચ સાવ અજાણ્યુ લાગે, પણ ૧૯૫૦ની ૨૫મી જાન્યુઆરીની મધરાત સુધી ભારતમાં બંધારણના સ્થાને આ કાયદો લાગુ પડતો હતો. ૧૯૩૫માં અપનાવેલો એ એક્ટને ભારતે ૧૯૫૦માં તિલાંજલી આપી અને ૨૬મી જાન્યુઆરીથી બંધારણ અપનાવ્યું. એટલે કે આઝાદ દેશની સત્તા દેશના નાગરિકોના હાથમાં આવી.

વર્ષો પહેલા ૧૯૩૦માં 'ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે' ૨૬મી જાન્યુઆરીના દિવસે જ પૂર્ણ સ્વરાજનો ખરડો પસાર કર્યો હતો. માટે આઝાદી પછી રાષ્ટ્રને ગણતંત્ર જાહેર કરવા એ તારીખ જ પસંદ કરવામાં આવી હતી. ભારતમાં કુલ ૩ રાષ્ટ્રીય તહેવારો છે, એમાંનો એક પ્રજાસત્તાક દિવસ પણ છે.

૧૯૫૧-૫૨ : આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી

ભારત વર્ષનો ઈતિહાસ ભલે હજારો વર્ષ પૂરાણો હોય પણ લોકશાહીનો સ્વાદ ચાખવાની શરૃાત ૧૯૪૭ પછી થઈ છે. ભારતને આઝાદી મળી ત્યારે તો વચગાળાની સરકાર રચાઈ ગઈ હતી. એ પછી ૧૯૫૧માં દેશમાં પહેલી વખત લોકસભાની એટલે કે વડાપ્રધાનની પસંદગી કરવા માટે ચૂંટણી થઈ. ૧૯૫૧માં ચૂંટણી શરૃ થઈ અને ૧૯૫૨માં પૂરી થઈ હતી. કેમ કે પહેલી ચૂંટણી હતી, બધા માટે નવી પ્રક્રિયા હતી. એ વખતની લોકસભાની ૪૮૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠકો સાથે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજનો કદાવર પક્ષ ભાજપ ત્યારે ન હતો, પણ બીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) રહી હતી. દેશમાં ત્યારે ૩૬ કરોડ મતદારો હતા અને તેમાંથી ૪૫.૭ ટકા મતદારોએ એટલે કે ૧૭.૩ કરોડ લોકોએ જ મતદાન કર્યું હતુ.

જાન્યુઆરી ૧૯૫૨ : પ્રથમ આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ

ગોવામાં દર વર્ષે યોજાતો 'ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયા' ભારતનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટીવલ છે. આઝાદી પછી તુરંત તેની શરૃઆત થઈ હતી અને પ્રથમ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આજે આ ફેસ્ટીવલ એશિયાના મહત્ત્વના ફેસ્ટીવલોમાં સ્થાન ધરાવે છે. પ્રથમ ફેસ્ટીવલ જોકે મુંબઈમાં યોજાયો હતો અને બીજા શહેરોમાં પણ આયોજન થયું હતું. પ્રથમ ફેસ્ટીવલને પણ થોડા દિવસ પછી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.     

૪ ઓગસ્ટ, ૧૯૫૬ : પ્રથમ પરમાણુ રિએક્ટર

ભાભા એટમિક રિસર્ચ સેન્ટરે ૧૯૫૬ની ચોથી ઓગસ્ટે દેશનું પ્રથમ પરમાણુ રિએક્ટર શરૃ કર્યું, ત્યારે ભારત ઉપરાંત એશિયાનું પણ એ પ્રથમ રિએક્ટર હતું. વધુ મહત્ત્વની વાત એ હતી કે પરમાણુ રિએક્ટરની અત્યંત જટીલ ગણાતી ડિઝાઈન ભારતે જ તૈયાર કરી હતી અને બ્રિટનની મદદથી તેનું ઉત્પાદન કર્યું હતુ. ડો.હોમી ભાભાની આગેવાનીમાં માત્ર ૧૫ મહિનાના વિક્રમજનક સમયમાં એ પરમાણુ ભઠ્ઠી તૈયાર થઈ હતી. ભારતમાં હાલ ૨૨ પરમાણુ રિએક્ટર કાર્યરત છે, જે ભારતની કુલ જરૃરિયાત પૈકી સવા ૩ ટકા જેટલી ઊર્જા પેદા કરે છે.

૧૯૫૮ : વિનોબા ભાવેને રેમન મેગ્સેસે એવોર્ડ

ખેતી પ્રધાન દેશની પ્રજા પાસે ખેતી કરવા માટે જમીન જ ન હોય તો ખેતી પ્રધાન હોવાનો અર્થ શું? એટલે વિનોબા ભાવેએ આઝાદી પછી 'ભૂદાન' ચળવળ શરૃ કરી હતી. ચળવળ સિમ્પલ હતી, જેેમની પાસે વધુ પડતી જમીન હોય એ સ્વેચ્છાએ જમીન વિહોણા ગરીબને થોડી-ઘણી જમીન આપે! આખા દેશે પડકાર જીલી લીધો અને આજે અનેક લોકો ભૂદાન વખતે મળેલી જમીન ખેડે છે. એ કામગીરી બદલ ૧૯૫૮માં વિનોબાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. એવોર્ડ વિજેતા તેઓ પ્રથમ ભારતીય હતા. એ પછી ડઝનબંધ ભારતીયોને વિવિધ ૬ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે આ એવોર્ડ મળ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે!

સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ : દૂરદર્શનની સ્થાપના

હવે યુગ વેબ સિરિઝનો છે, મોબાઈલમાં જ ટીવી જોનારો વર્ગ વધી રહ્યો છે. પણ મનોરંજન યુગની શરૃઆત દૂરદર્શને કરી હતી. શરૃઆતમાં પ્રસારણ મર્યાદિત હતુ, ધીમે ધીમે ટેકનોલોજી સાથે ભારતના વિવિધ ભાગોમાં દૂરદર્શને દેખા દેવાની શરૃઆત કરી. દૂરદર્શન અત્યારે ૨૩ ચેનલો દ્વારા ભારતની ૯૨ ટકા પ્રજા સુધી પહોંચી વળ્યું છે. જગતનું એ સૌથી વધુ વ્યાપ ધરાવતુ ટેલિવિઝન નેટવર્ક છે. ડાયરેક્ટ ટુ હોમ સર્વિસને કારણે પણ દૂરદર્શન જોનારો વર્ગ વધ્યો છે. દીકરો આગળ જતાં પિતા કરતા મોટું નામ કરે એવો દૂરદર્શનનો કિસ્સો છે. કેમ કે શરૃઆતમાં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયોનો ભાગ હતું. આજે રેડિયો કરતાં તેનું કદ ઘણુ મોટુ થઈ ચૂક્યુ છે.

મે ૧૯૬૦ : એટલાન્ટિક પાર પહેલું ઈન્ડિયન વિમાન

એર ઈન્ડિયાએ ૧૪ મે, ૧૯૬૦ના દિવસે મુંબઈ-ન્યુયોર્ક વચ્ચે ફ્લાઈટ શરૃ કરી હતી. વાયા લંડન થઈને બોઈંગ-૭૦૭ વિમાન ન્યુયોર્ક પહોંચ્યુ હતું. એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકા પહોંચનારુ એ પ્રથમ વિમાન હતું. પોસ્ટ ખાતાએ એ ફ્લાઈટનું ખાસ કવર બહાર પાડયું હતું. ત્યારે ભારતે હજુ બોઈંગ વિમાન ખરીદવાની શરૃઆત કરી હતી અને એર હોસ્ટેસના ડ્રેસ તરીકે સાડી પણ અપનાવાઈ હતી. હવે રોજની સેંકડો ફ્લાઈટસ ભારતમાંથી પ્રવાસીઓને પરદેશ પહોંચાડે છે.

૪ માર્ચ, ૧૯૬૧ : પ્રથમ વિમાનવાહક જહાજ મળ્યું

૧૯૯૭માં નિવૃત્ત કરી દેવાયેલું 'આઈએનએસ વિક્રાંત' દેશનું પ્રથમ વિમાન વાહક (એરક્રાફ્ટ કરિયર) જહાજ હતું. વિશાળ દરિયાકાંઠો ધ્યાનમાં લઈને સરકારે બ્રિટન પાસેથી જૂનું થયેલું જહાજ ખરીદી ભારતની જરૃર પ્રમાણે તેમાં ફેરફારો કર્યા હતા. ૧૯૭૧ના યુદ્ધમાં બંગાળના અખાતમાં રહેલા વિક્રાંતનો શિકાર કરવા પાકિસ્તાની સબમરીન ગાઝી નીકળી હતી. વિક્રાંતે એ ગાઝીને જ દરિયા તળિયે પહોંચાડી દીધી હતી. હવે ભારત 'આઈએનએસ વિક્રાંત' નામે જ નવું યુદ્ધજહાજ બનાવી રહ્યું છે. એ સંપૂર્ણ થશે ત્યારે વળી સ્વદેશી જહાજ બનાવ્યાનું ગૌરવ દેશવાસીઓ અનુભવશે.

૨૦ ડિસેમ્બર, ૧૯૬૧ : દીવ-દમણ-ગોવા મુક્ત થયા

૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી દીવ-દમણ-ગોવા પર પોર્ટુગિઝોનો કબજો હતો. ભારત સરકારની સમજાવટ પછી પણ પોર્ટુગલ સરકાર ૪૫૦ વર્ષથી ડેરો જમાવેલા એ સ્થળો ખાલી કરવા તૈયાર ન હતી. માટે ભારતે 'ઓપરેશન વિજય' નામે સશસ્ત્ર કાર્યવાહી કરીને ત્રણેય સ્થળોને આઝાદી અપાવી. ૧૫૧૦થી ભારતમાં પ્રવેશેલી પોર્ટુગિઝ સત્તા ભારતીય સેના સામે ૩૬ કલાક સુધી ટકી શકી ન હતી.

૧૯૬૩ : દેશનો સૌથી મોટો ડેમ બન્યો

આજે તો ડેમ એટલે નર્મદા ડેમ એવી જ ઓળખ છે, પણ ભારતનો સૌથી મોટો ડેમ ૧૯૬૩માં બનેલો ભાખરા હતો. સતલજ નદી પર હિમાલચ પ્રદેશમાં ભાખરા બન્યો અને ૧૩ કિલોમીટર દૂર બીજો નંગલ ડેમ બન્યો. એ પ્રોજેક્ટ સંયુક્ત રીતે ભાખરા-નંગલ તરીકે ઓળખાય છે. બે પૈકી ભાખરા મોટો છે, મોટો એટલે સાડા સાતસો ફીટ ઊંચો. દુનિયાના સૌથી ઊંચા બંધોમાં તેનું સ્થાન આવે છે. ઉદ્ઘાટન વખતે જવાહરલાલ નહેરુએ ડેમને આધુનિક ભારતના ઉત્થાનનું પ્રતીક ગણાવ્યો હતો.
 

Post Comments