Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સદીઓ જૂની પરંપરાએ પરિવર્તનનો પોશાક પહેર્યો! - હર્ષ મેસવાણિયા

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તેને આજે બરાબર ૭ દાયકા થયા છે. આ સાત દશકામાં દેશ બહુ બદલાયો છે. ચાલો, બદલાયેલા ભારતની યાદોને રિવાઈન્ડ કરી લઈએ. ભારતવાસીઓ કયા અને કેવા પરિવર્તનના સાક્ષી બન્યાં છે?

પરિવર્તન એક સાહજિક પ્રક્રિયા છે. એ થતું હોય ત્યારે તેના સારા-ખરાબ પાસા વિશે વિચારવાનો માણસને સમય હોતો નથી અથવા તો એ સમયે એવી જરૃરિયાત વર્તાતી નથી. સંપૂર્ણ પરિવર્તન થયા પછી જ તેના સબળા-નબળા પાસા વિશે મૂલ્યાંકન થતું હોય છે. ભારતની આઝાદીના સાત દાયકાનો આ અવસર કદાચ એ મૂલ્યાંકન/આત્મમંથન કરવાની તક લઈને આવ્યો છે.

સામાજિક પરિવર્તનના સબળા-નબળા પાસાને બાજુ પર રાખીએ તો પણ ભારત જેવા વિશાળ દેશનો પાયો નાખનારી આગલી પેઢી કેવી હતી? ઝડપભેર વિશ્વ સાથે કદમ મિલાવી રહેલો વર્તમાન યુવામિજાજ કેવો છે? અત્યારે ભાંખોડિયા ભરી રહેલી નેકસ્ટ જનરેશનનું વિશાળ ડગલું કેવું હશે?  ચાલો, આઝાદીના સાત દાયકાના ઉંમરે ઉભા રહીને ભૂત-વર્તમાન અને ભવિષ્યને નિરખવાની કોશિશ કરીએ...

'જય જવાન, જય કિસાન'થી 'જય વિજ્ઞાન' સુધી

- ભારતને આઝાદી મળી ત્યારે રોજગારીનો આધાર કૃષિ અને કૃષિ આધારિત પ્રોડક્ટ ઉપર હતો. ધરતી માતાના આશીર્વાદ મેળવીને ખેડૂતોએ દેશની ૩૬ કરોડ જનતાનું પેટ ભરવાનું હતું. મર્યાદિત સાધનો વચ્ચે કુદરતના ભરોસે ખેતી થતી હતી.

- નોકરી એટલે સરકારી નોકરી એવી વ્યાપક વ્યાખ્યા હતી. સરકારી નોકરીઓ પણ શિક્ષકો અને સરકારી વિભાગોમાં કામ કરતા અધિકારીઓ કારકૂનો પૂરતી જ ઘણે ખરે અંશે મર્યાદિત હતી. ખાનગી કંપનીઓ તો ગણતરીમાં જ ન હતી એટલે નોકરી માટે વેપારી પેઢીઓનો વિકલ્પ મળતો ખરો, પણ એમાં ય પોષણ ઓછું અને શોષણ વધુ થતું. બીજી તરફ નવાં-સવાં સર્જાયેલા દેશની સરહદોનું સંરક્ષણ દેશના જવાનો કરી રહ્યાં હતા. એ બન્ને વાત ધ્યાને લઈને બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું હતું: જય જવાન, જવાન કિસાન.

- ત્રણ દશકા પછી ભારતમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીનો વિકાસ થવા લાગ્યો હતો. સાથે સાથે ભારતની આર્થિક ક્ષમતા વધી. ટેકનોલોજીના પરિણામે ઉદ્યોગો સ્થપાતા હતા અને ઉદ્યોગોના કારણે નવા નવા ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થઈ રહ્યું હતું. ખેતીમાં પણ સરળતા આણે એવા ટ્રેકટર જેવા યંત્રોનો પ્રવેશ થઈ રહ્યો હતો. માટે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શાસ્ત્રીજીના સૂત્રમાં એક ઉમેરો કરીને નવું સૂત્ર આપ્યું ઃ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાાન. જોકે દેશમાં કિસાનની હાલત થોડી બદતર છે. દેશના જીડીપીમાં ૧૮ ટકા હિસ્સો આપતા કૃષિ ક્ષેત્રના રખેવાળ ખેડૂતોની આત્મહત્યાનો ઉપાય હજુ સુધી મળ્યો નથી.

- આજે દેશમાં બેઠાં બેઠાં વિદેશમાંથી રોજગારી મેળવી શકાય છે. ભારતના આઈટી સેક્ટર ઉપર અમેરિકા સહિતના કેટલાય દેશો આધાર રાખતા થયા છે. ભારત પાસે ૪૮ કરોડ કામદારો છે. આ તમામ પરિબળના કારણે ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, ટેલિકોમ જેવાં કેટલાય વિકસતા સેક્ટર્સ ઉપર ભારતનું પ્રભુત્વ વધ્યું છે.

- ભારતનું સર્વિસ સેક્ટર ૫૫ ટકા જીડીપી જનરેટ કરે છે. ઈન્ડસ્ટ્રી સેક્ટર ઉપર ૨૬ ટકા જીડીપીનો આધાર છે. સાત દાયકા પછી ભારતની આર્થિક ક્ષમતા વિશ્વમાં છટ્વા નંબરની ગણાય છે. ઈન્ટરનેટની ક્રાંતિ પછી તો દેશના કોઈ ખૂણે બેસીને માણસ પોતાની પ્રોડક્ટ વિશ્વના કોઈ બીજા જ ખંડના માણસને વેંચવા સક્ષમ બન્યો છે. સામે મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં પણ વેપાર કરતી થઈ છે.

- પરિવર્તનના આ પવનમાં ભારતના પરંપરાગત વ્યવસાયોનો ભોગ પણ લેવાયો છે. દરજી-સુથાર-લુહાર-મોચી-પ્રજાપતિના સદીઓ જૂના વ્યવસાયને ઠેસ પહોંચી છે. મલ્ટિનેશનલ કંપનીઓના કારણે પરંપરાગત વ્યવસાયોનો ઢાંચો તૂટયો કે પરંપરાગત વ્યવસાય કરતા લોકો અન્ય રોજગાર તરફ વળતા પરિવર્તન આવ્યું કે પછી પરંપરાગત વ્યવસાયમાં નવીનતા ન આવી એટલે પરિવર્તન આવ્યું એ કળવું મુશ્કેલ છે.

શહેરીકરણના ચળકાટમાં ગામડાં ગાયબ થયાં

- ગાંધીજી કહેતા: સાચુ ભારત ગામડામાં વસે છે. પણ ગામડાઓનો વિકાસ કરવામાં તમામ સરકારો ઉણી ઉતરી. અલ્પ-અર્ધ વિકસિત ગામડાંઓમાં કારકિર્દીના મર્યાદિત વિકલ્પોને કારણે હવે ગામડામાં કોઈને રહેવું નથી. શહેરો આડેધડ વધી રહ્યાં છે, ગામડા ભાંગી રહ્યાં છે. દેશના નકશામાંથી ગામડાં ધીમે ધીમે ગાયબ થવા લાગ્યા છે. માટીની ખુશ્બુનું સ્થાન કારખાનાઓમાંથી બહાર નીકળતી દુર્ગંધે લીધું છે.

- તૂટતાં ગામડાં સાથે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા નાશ પામી. કુટુંબો વિભક્ત થયાં, ખેતીના ભાગ પડયાં. જમીનના નાના ટૂકડામાં ખેતી કરવાનું મુશ્કેલ બન્યું એટલે જમીન ઉપર ઉદ્યોગો આકાર પામ્યા. આખો પરિવાર એક મોભીની દોરવણીમાં ચાલતો હતો એટલે સુખ-દુઃખ વહેંચાઈ જતાં હતાં. કોઈ એક વ્યક્તિ ઉપર દુઃખના ડુંગરનો ખડકલો થતો ન હતો. આજે સુખ ઉપર નાનકડાં પરિવારનો ઈજારો હોય છે, એમ દુઃખમાં ય કોઈ ભાગ પડાવતું નથી. પરિણામે નિરાશા વધી છે. સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બનેલી આ બાબત વિકાસની આડઅસર છે. સંયુક્ત કુટુંબ પ્રથા તૂટી પછી બદલાયેલી સમાજ વ્યવસ્થાનું પરિણામ એટલે વધતા જતાં વૃદ્ધાશ્રમો.

ચહેરો જોયા વગરનાં લગ્નથી લીવ ઈન સુધી

- એક એવો જમાનો હતો કે લગ્ન માટે યુવક કે યુવતીની પસંદગીને ધ્યાનમાં લેવાતી ન હતી, વડીલો જ નક્કી કરી નાખતા. લગ્ન પહેલાં યુવક-યુવતીઓ એક બીજાનો ચહેરો સુદ્ધાં જોઈ શકતા નહીં. કોઈ માની ન શકે એવી લગ્ન વ્યવસ્થા ભારતમાં માત્ર ત્રણેક દશકા પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી! હવે દેશમાં લગ્ન માત્ર ઉત્સવ ન રહેતાં દેખાડાનું મહાપર્વ બન્યાં છે. કેટરિંગથી લઈને કપડાં સુધી બધું જ વિશાળ બિઝનેસ બની ચૂક્યું ંછે. સગા-વહાલાંઓ જાતે રસોડું કરીને મહેમાનોને જમાડતાં અને મહેમાનોની પંગત પડતી એ વાત હજુ તો એક પેઢીએ સ્મરણોમાં સાચવી રાખી છે ત્યાં પાર્ટી કલ્ચરની અદાથી લગ્નો થવા લાગ્યા છે.

- અન્ય જ્ઞાાતિ ઉપરાંત હવે તો ઈન્ટર-સ્ટેટ અને ઈન્ટર-કન્ટ્રી લગ્નોની પણ દેશમાં નવાઈ નથી. વળી, લગ્નની વય બાબતે પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. પાંચ-સાત દશકા પહેલાં છોકરાની ૧૮ વર્ષની વય લગ્ન માટે યોગ્ય ગણાતી અને છોકરી માટે ૧૩થી ૧૬ વર્ષની ઉંમર લગ્નને લાયક ગણાતી. હવે કારકિર્દીને પ્રાધાન્ય આપતા યુવક-યુવતીઓ ૩૫ વર્ષ સુધી લગ્નના બંધનથી મુક્ત રહેવાનું પસંદ કરે છે.

- આ બધું તો લગ્ન થાય ત્યારની વાત છે, વગર લગ્ને લીવ ઈન રિલેશનશિપમાં રહેવાનું પ્રમાણ ભારતમાં કૂદકેને ભૂસકે વધ્યું છે.

સાક્ષરતાનો દર ૧૬ ટકાથી ૭૪ ટકા

- ૧૯૫૧ની વસતિ ગણતરી પ્રમાણે દેશમાં ૧૬ ટકા લોકો જ સાક્ષર હતા. એટલે કે આઝાદી વખતે દેશની ૮૪ ટકા જનતા અભણ હતી. તેમને લખતાં-વાંચતા આવડતું ન હતું. નિરક્ષતા ઘટાડવા માટે ભારતમાં પ્રૌઢ શિક્ષણ જેવાં અભિયાનો પણ ચલાવાયા હતા. એના પરિણામે આખરે ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૪ ટકા થયું હતું. પહેલાં શાળાકીય શિક્ષણ સાત વર્ષે શરૃ થયું હતું તે હવે ૩ વર્ષે શરૃ થાય છે.

- શરૃઆતમાં સ્ત્રી સાક્ષરતાની ટકાવારી પાંચ ટકા પણ નહોતી એ હવે ૭૦ ટકા ઉપર પહોંચી છે. જ્યારે પુરુષોનો શિક્ષણનો દર ૮૪ ટકા છે. એટલે બંને વચ્ચે શિક્ષણની બાબતે સમાનતા વધી છે એમ ચોક્કસ કહી શકાય.

- શિક્ષણમાં ય અપાર વૈવિધ્ય ભળ્યું છે. ડોક્ટર-એન્જિનિયર-શિક્ષક-પ્રોફેસર બનવાને બદલે યુવાનો નવા નવા ક્ષેત્રોમાં કારકિર્દીનું ઘડતર કરે છે. અંગ્રેજી જેવી વૈશ્વિક ભાષાનું શિક્ષણ વધ્યું છે. સ્પોકન ઈંગ્લિશનો ક્રેઝ વધ્યો છે. સામે પ્રાદેશિક ભાષાનું શીખવાનું બહુ જ ઘટયું છે. સંસ્કૃત જેવી ભાષાનું શિક્ષણ નહીંવત્ થવાના આરે છે.

- પહેલાં ગામડેથી શહેરમાં ભણીને પણ માન-મોભો મળતો હતો, પણ છેલ્લાં દાયકાઓમાં રાજ્ય બહાર અને વિદેશમાં ભણવાનો ક્રેઝ વધ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે આવેલી ક્રાંતિના પરિણામે હવે સંતાન વિદેશમાં ભણે એ માટે માતા-પિતા જીવનભરની બચત ખર્ચતા થયા છે.

'પહેલું સુખ તે જાતે નર્યા' સૂત્ર કેટલું સાર્થક?

- ભારતમાં હોસ્પિટલો વધી છે એ વાત સાચી, પણ સામે રોગો પણ વધ્યા છે અને વસતિ પણ વધી છે. દેશમાં ૧૨૫ કરોડની વસતિ સામે સરકારી હોસ્પિટલોની સંખ્યા માંડ ૩૫ હજાર છે.

- હાર્ટ એટેક, ડાયાબિટિસ, કેન્સર અને એચઆઈવીનું પ્રમાણ ભારતમાં ભયજનક રીતે વધ્યું છે. 'અર્બન ઈન્ડિયા'માં હેલ્થકેરની જે વ્યવસ્થા છે એવી સુવિધા 'રૃરલ ઈન્ડિયા'માં નથી. દેશના ગ્રામ્ય વિસ્તારોને માત્ર ૨ ટકા તબીબોની સેવા જ મળે છે.

- દેશમાં સરેરાશ આયુષ્ય વધ્યું છે. શહેરી પ્રજા વધુ હેલ્થ કોન્સિયસ બની છે. કસરતો, યોગ, વોકિંગ, સાઈક્લિંગનું પ્રમાણ વધ્યું છે. જીમ અને ફિટનેસ ટ્રેનર્સની ડિમાન્ડ વધી છે. વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે ભારતમાં ૨૫ ટકા લોકો આરોગ્ય વીમો ધરાવે છે. આ પ્રમાણ એકાદ દશકા પહેલાં માત્ર ૧૫ ટકા હતું.

જીવન ધોરણ બહેતર બન્યું

- આઝાદી વખતે ૮૦ ટકા ભારતવાસીઓ સુધી વીજળી જ નહોતી પહોંચી એટલે ઈલેક્ટ્રીસિટીના કારણે મળતી સુવિધાઓની વાત જ દૂર હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તો પંખા પણ છેક ૧૯૮૦-૯૦ પછી પહોંચ્યાં. હવે પંખા તો ઠીક એસી અને એર કુલર પણ સામાન્ય વપરાશનો ભાગ છે.

- સાઈકલ મોભાનું પ્રતીક ગણાતી. હવે મોટરસાઈકલ અને કાર વર્તમાન પેઢી માટે ભવ્યતા નહીં, જરૃરિયાત છે. ભારતમાં વર્ષે ૧૭૦ લાખ ટુ વ્હિલર વેંચાય છે અને ૭ કરોડ કારની નોંધણી થઈ છે.

- વેકેશનોમાં ફરવા જવાનું શહેરીજનો માટે દાયકાઓ પહેલાં શક્ય બનવા લાગ્યું હતું પણ હવે ફરવા માટે વેકેશનની રાહ જોવાની રહેતી નથી. પ્રવાસન વધ્યું છે. પરિવહનની સુવિધા પણ વધી છે. હવાઈ મુસાફરી હવે મધ્યમવર્ગ સુધી પહોંચી ચૂકી છે. ભારતમાં વર્ષે ૮૦ લાખ લોકો હવાઈ મુસાફરી કરે છે.

- શેરી નાટકો, ભવાઈ જેવા પરંપરાગત મનોરંજનના માધ્યમો ઉપરાંત રેડિયો અને દુરદર્શનના વિકલ્પો હતા. તેના બદલે હવે અસંખ્ય મનોરંજન ચેનલો, અઢળક ન્યૂઝ ચેનલો, થિયેટરોથી લઈને કમ્પ્યુટર્સ, લેપટોપ અને સ્માર્ટફોન સુધીના વિકલ્પો વિકસ્યા છે. ટીવી સેટ વગર પણ ગમતી ફિલ્મો અને મનગમતી સીરિયલો કે લાઈવ ક્રિકેટ મેચ મોબાઈલ પર જોવાની સુવિધા ઈન્ટરનેટના કારણે મળતી થઈ છે.

- ખરીદી માટે તહેવારો યોગ્ય સમય ગણાતો. બદલતા ભારતમાં શોપિંગ માટે તહેવારોની નહીં, પણ ઓનલાઇન સેલની રાહ જોવાય છે. પહેલાં જીવન જરૃરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદાતી તો પણ ચહેરા ઉપર આનંદ છવાતો હતો. હવે મોજશોખ માટે બજેટ ફાળવી શકાય છે. ખરીદ શક્તિની બાબતે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. દાયકાઓ પહેલાં ઉધારીમાં વ્યાજ ચડતું અને વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગતું. હવે વ્યાજમાં પારદર્શિતા આવી હોવાથી અને ક્રેડિટ કાર્ડથી તેમ જ હપ્તે ચીજ-વસ્તુઓ વસાવી શકાતી હોવાથી ય ભારતીયોની ખરીદ શક્તિ વિકસી છે.

- મર્યાદિત આવકમાં પાંચ-સાત કે દસ સંતાનોનો નિર્વાહ કરવો પડતો હતો. એના બદલે આવક વધી છે, સામે કુટુંબ નિયોજનના કારણે પરિવાર નાનકડો થયો છે. નાનું કુટુંબ સુખી કુટુંબના સૂત્ર પ્રમાણે એક દંપતીને બે જ સંતાનો હોય તો બજેટનો ઘણો ખરો ભાગ બે સંતાનોના વિકાસ પાછળ ખર્ચી શકે અને બાકીની રકમ મોજશોખ-મનોરંજન માટે ય ફાળવી શકે. સરકારની બે બાળકોની પોલિસી હોવા છતાં શિક્ષિત માતા-પિતા સ્વયંભૂ વન-ચાઈલ્ડ પોલિસી અપનાવતા થયા છે. ફેમિલી પ્લાનિંગ એ મોર્ડન ઈન્ડિયામાં આવેલું સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન છે.

ખાણી-પીણી, રહેણીકરણીમાં પરિવર્તનનો વઘાર

- ઘઉં-બાજરી-જુવાર અને અડધ-મગ-રિંગણના સ્વાદમાંથી બહાર નીકળીને ભારતીયોની જીભ પિઝા, બર્ગર, ચાઈનીઝ, અમેરિકન, મેક્સિકનનો ટેસ્ટ કરતી થઈ છે! રોટલી-ભાખરી, દૂધ-ચાના નાસ્તાનું સ્થાન બ્રેડ બટર અને ટોસ્ટે લીધું છે.

- રાહદારીઓ માટે રસ્તા ઉપર પાણીના પરબ બંધાતા એના બદલે હવે પાણીના પાઉચ બનાવવા કારખાના બનવા લાગ્યાં છે. દૂધ અને પાણી વેંચાતું લેવું પડે એવી કલ્પના પાંચ-સાત દશકા પહેલાં કરી શકાતી ન હતી. હવે દૂધ અને પાણીનો બિઝનેસ કોઈ ધંધાર્થી માટે સફળતાની ગેરંટી ગણાય છે.

- વૃક્ષોની ખરી ગયેલી સૂકી ડાળખીઓમાંથી કે ગાય-ભેંસના છાણમાંથી બનેલાં છાણાંથી અસંખ્ય ભારતીયોના ઘરનો ચૂલો જલતો. એનું સ્થાન ૮૦-૯૦ના દશકામાં પ્રાઈમસે લીધું. પ્રાઈમસ માટે કેરોસીનની સબસિડી મળતી. એ ચક્ર ફરીને હવે ગેસની સબસિડી સુધી પહોંચ્યું છે. દેશમાં રાંધણકળા સમૂળગી બદલાઈ છે. ચૂલા અને 'રસોડા'નું સ્થાન ગેસ અને 'કિચને' લીધું છે. રસોડાની રાણી હવે 'કિચન ક્વિન'નું બિરૃદ મેળવતી થઈ છે!

પહેરવેશની ભાતીગળ ઓળખ લુપ્ત થઈ

- દેશની વિવિધતામાં એકતાનું સૌથી મહત્વનું પાસુ પહેરવેશના વૈવિધ્યમાં સમાયું હતું. પણ છેલ્લાં દાયકામાં પહેરવેશનું વૈવિધ્ય લુપ્ત થઈ ગયું. દેશભરના લોકો એક સરખો પોશાક પહેરતાં થઈ ગયાં છે. એક સરખા પોશાક પાછળનું મુખ્ય કારણ ફિલ્મોની અસર ગણાવી શકાય.

- પ્રેમની અભિવ્યક્તિમાં પરિવર્તન આવ્યું. એકાંતમાં વ્યક્ત થતો પ્રેમ હવે જાહેરમાં વ્યક્ત થાય તો પણ પ્રેમ વ્યક્ત કરનારાને પણ વાંધો નથી કે જેની સામે એ પ્રેમ વ્યક્ત થઈ રહ્યો છે તેને પણ વાંધો નથી.

૪જીની સ્પીડે ભાગતી જનરેશન

- સોશિયલ મીડિયાના કારણે અભિવ્યક્તિ વધી છે એમ વિવાદો ય વધ્યા છે. પોતાની વિચારધારા સાથે સહમત ન હોય તો તેને હડધૂત કરવાનું પ્રમાણ વધ્યું છે. આક્રોશ વ્યક્ત કરવા ય સોશિયલ મીડિયા, શુભેચ્છા આપવા ય સોશિયલ મીડિયા અને સેલિબ્રેશન કરવા ય સોશિયલ મીડિયા. ચૂંટણીનો માહોલ સર્જવાથી લઈને દેશભક્તિ દર્શાવવા માટે સોશિયલ મીડિયાનું પ્રયોજન વધ્યું છે. કોઈનું બ્રાન્ડિંગ કરવા વપરાતું સોશિયલ મીડિયા કોઈની બદનામી માટે ય વપરાતું થયું છે ત્યારથી સાયબર ક્રાઈમ વિરોધી કાયદા પણ બન્યાં છે.

- પહેલાં ઘરમાં પડયાં રહેતાં ટેલિફોન જરૃરી હતા. પછી મોબાઈલ ફોન આવશ્યક બન્યાં હતાં. હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જીવનનો અનિવાર્ય હિસ્સો બન્યાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક માહિતી ઝડપથી ફેલાઈ શકતી હોવાના કારણે તેની વિશ્વસનીયતા સામે સવાલો ખડાં થયા છે. શું સાચું અને શું ખોટું એ તારવવું મુશ્કેલ હોવાથી નવી જનરેશન માટે વિવેકબુદ્ધિથી નક્કી કરવાનો યુગ આવ્યો છે. સ્માર્ટ જનરેશન માટે આ પરીક્ષામાંથી ખરું ઉતરવું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ય જરૃરી છે.

સાયન્સ, સ્પોર્ટ્સ, સંરક્ષણ ક્ષેત્રે ઉજળી શાખ

- બેઝિક સાયન્સમાં ભારતની પ્રગતિ ખૂબ જ મર્યાદિત છે, પણ સ્પેસ સાયન્સ, મિસાઈલ ટેકનોલોજી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભારતે અલગ રસ્તો કંડારીને આટલા વર્ષોમાં ખરા અર્થમાં શૂન્યમાંથી સર્જન કર્યું છે. વિદેશી ટેકનોલોજીના સહારે શસ્ત્રો બનાવતા દેશે ગણતરીના દાયકાઓમાં આપબળે ટેકનોલોજી વિકસાવી છે.

- રમત-ગમત ક્ષેત્રે છેલ્લાં દોઢેક દશકાથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ક્રિકેટ એટલે રમત અને રમત એટલે ક્રિકેટ એ સ્થિતિ હવે નથી રહી. ફૂટબોલથી ટેનિસ, ચેસ, તિરંદાજી, બેડમિન્ટન સુધીની રમતોનું મહત્વ દેશે સ્વીકાર્યું છે. ઓલિમ્પિક્સમાં મેડલ્સ મળતા થયા છે. પણ જૂની રમતો સાવ ભૂલાઈ ગઈ. ક્રિકેટની લોકપ્રિયતાના દૌરમાં કબડ્ડી, ખોખો, તિરંદાજી, ગિલીદંડો, આંબલી પીપળી, સંતામણી દાવ.. નદીના પાણીમાં તરતા તરતા રમાતો પક્કડમ દાવ... એ બધું વીતી ગયેલાં સમયના ધસમસતા પ્રવાહમાં વિસરાઈ ચૂક્યું છે.

- ખૂણામાં પડયાં પડયાં રણકતાં રહેતા લેન્ડલાઈન ટેલિફોન બોક્સ, ઓછા શબ્દોમાં આપાતકાલિન સંદેશો આપતો તાર, ભવ્યતાનું પ્રતીક ગણાતી એમ્બેસેડર કાર, સંબંધોમાં માધુર્ય ભરતો પત્ર વ્યવહાર અને એને ઘર સુધી પહોંચાડતા ટોપીધારી પોસ્ટમેન, કર્કશ અવાજ કરતા ટાઈપ રાઈટર અને ગજવું ભરીને ખરીદી કરાવતાં ૨૫ પૈસા.... આવું તો કેટલુંય આ સાત દશકામાં લુપ્ત થયું.

- બીજી બાજુ સેવાકીય સંસ્થાઓ, જૂના રસ્તા ઉપર દોડતી નીતનવી વિદેશી કાર, આપણી ભાષામાં ડબ થયેલી અંગ્રેજી ફિલ્મોથી લઈને મોબાઈલ બેંકિંગ અને અનલિમિટેડ મોબાઈલ ડેટાથી અનલિમિટેડ ટોકટાઈમ સુધીના કેટલાય યુગોનું આગમન થયું.

- પરિવર્તનના અફર સાહજિક નિયમને કોઈ ટાળી શક્યું નથી કે કોઈ ટાળી શકવાનું પણ નથી. પરંતુ પરિવર્તનની સાથે સાથે પ્રગતિનો માર્ગ પણ કંડારવાનો હોય છે. પરિવર્તનની સાથે પ્રગતિનો પાલવ ઝાલી શકે છે એ દુનિયામાં મહાસત્તા બની શકે છે.

- આજે આઝાદીના ૭ દશકાના ઉંમરે ઉભા રહીને મનોમંથન કરવું પડશે કે ૨૦૪૭માં દેશ શતાયુ બનશે ત્યારે આપણે શું મેળવવું છે. એ મેળવવા માટે શું ગુમાવવું પડશે અને એ ગુમાવવા માટે કેટ-કેટલી બાબતો, કેટ-કેટલા આંતરિક સંઘર્ષ ટાળવા પડશે.

- મેટ્રો અને ૪જીની સ્પીડે ભાગીને આપણે સુનેહરા સપના તો જોઈ રહ્યા છીએ, પણ એટલી ઝડપે આપણે સહનશક્તિ પણ ગુમાવી રહ્યાં છીએ. વિશ્વગુરુ બનવું હશે કે મહાસત્તા બનવું હશે તો આપણે જ આપણા ભાગ્ય વિધાતા બનવું પડશે!

આજે જન્માષ્ટમી પણ છે, ત્યારે કૃષ્ણના મહાન કર્મયોગના સિદ્ધાંતને દેશદાઝ સાથે જોડવો પડશે. જગતગુરુ કૃષ્ણનો કર્મયોગ જ દેશને વિશ્વગુરુ બનાવી શકશે.
 

Post Comments