ઝૂબુ ખિસકોલી ચાંદાને મળી !

- કિરીટ ગોસ્વામી
એક સુંદર અને ઘટાદાર જંગલમાં ઝબુ નામની એક નાનકડી ખિસકોલી રહેતી હતી. ઝબુ આખો દિવસ ઝાડની ડાળીએ ડાળીએ કૂદાકૂદ કરતી અને નવી નવી વસ્તુઓ શોધતી રહેતી. પણ સાંજ ઢળે અને રાત પડે એટલે ઝબુ બધું કામ પડતું મૂકીને આકાશ સામે તાકી રહેતી. તેને નીલા આકાશમાં ચમકતો ગોળમટોળ રૂપાળો ચાંદો
ખૂબ ગમતો.
ઝબુ હંમેશાં મનોમન વિચારતી- 'આ ચાંદો કેટલો સુંદર છે! એ શાનો બનેલો હશે? શું ત્યાં પણ મારા જેવા નાના-મોટા ભેરુઓ રહેતા હશે? મારે તો એક વાર ત્યાં જઈને એને મળવું જ છે!'
શરદપૂનમની અજવાળી રાત આવી. ચાંદો સોળે કળાએ ખીલીને ખૂબ મોટો અને તેજસ્વી દેખાતો હતો. ઝબુએ મનોમન નક્કી કરી લીધું કે આજે તો ગમે તે ભોગે ચાંદા પર પહોંચવાનો કોઈક રસ્તો શોધવો જ પડશે! તે જંગલના સૌથી હોશિયાર મિત્ર ટીકુ વાંદરા પાસે પહોંચી.
ઝબુએ ટીકુને આજીજી કરતાં કહ્યું, 'ટીકુભાઈ, મારે ચાંદા પર જવું છે. મને ત્યાં પહોંચવાનો કોઈ સરસ ઉપાય બતાવોને!'
ટીકુએ માથું ખંજવાળતાં કહ્યું, 'ચાંદો તો બહુ દૂર છે, ઝબુ! ત્યાં જવા માટે તો મોટું રોકેટ જોઈએ.' પછી જરા વિચારીને તે ઉત્સાહથી બોલ્યો, 'પણ મારી પાસે એક જોરદાર આઈડિયા છે! આપણે જંગલના સૌથી ઊંચા વડના ઝાડ પર જઈએ. ત્યાં મજબૂત વેલાઓનો મોટો હીંચકો બનાવીશું. તું એ હીંચકા પર બેસજે અને હું પાછળથી જોરદાર ધક્કો મારીશ, એટલે તું સીધી ચાંદા પર!'
ઝબુ તો રાજી-રાજી થઈ ગઈ. બંને જણાં ઊંચા વડના ઝાડ પર ચડયાં. મજબૂત વેલાઓ બાંધીને એક સરસ હીંચકો તૈયાર કર્યાે. ઝબુ હિંમત કરીને હીંચકા પર બેસી ગઈ. ટીકુએ પોતાની આખી તાકાત લગાવીને હીંચકાને જોરદાર ધક્કો માર્યાે!
ઝબુ હવામાં ફંગોળાઈ. પણ અરે! તે ચાંદા પર પહોંચવાને બદલે બાજુના એક લીલાછમ આસોપાલવના ઝાડનાં પાંદડાં વચ્ચે ધબાક કરતી જઈ પડી! તેનાં નસીબ સારાં હતાં કે તેને ક્યાંય વાગ્યું નહીં, પણ તેની ચંદ્ર-યાત્રા અધૂરી રહી ગઈ.
ઝબુ સાવ નિરાશ થઈને બેસી ગઈ. તે જ ક્ષણે ત્યાંથી ચીંચીં કરતી સોનુ ચકલી પસાર થઈ. તેણે ઉદાસ બેઠેલી ઝબુને પૂછયું, 'શું થયું ઝબુ? કેમ મોં લટકાવીને બેઠી છે?'
ઝબુએ રડમસ અવાજે કહ્યું, 'મારે ચાંદા પર જવું હતું, પણ હું ત્યાં પહોંચી જ ન શકી.'
સોનુ ચકલી હસીને બોલી, 'અરે ભોળી, હીંચકા ખાવાથી થોડું ચાંદા પર જવાય? તું જરાય નિરાશ ન થા, ચાલ મારી સાથે, હું તને ચાંદાને મળવાનો એક જાદુઈ રસ્તો બતાવું!'
સોનુ ઝબુને જંગલની વચ્ચે આવેલા એક એકદમ શાંત અને નિર્મળ તળાવ પાસે લઈ ગઈ.
તળાવનું પાણી કાચ જેવું ચોખ્ખુંચણક હતું. શરદપૂનમની રાત હોવાથી આખેઆખો ગોળ ચાંદો એ પાણીમાં બરાબર વચમાં ચમકી રહ્યો હતો. એવું અદ્ભુત દ્રશ્ય હતું જાણે સાક્ષાત ચાંદો આકાશમાંથી ઊતરીને તળાવના જળમાં પોઢી
ગયો હોય!
સોનુએ પાણી તરફ પાંખ ચીંધીને કહ્યું, 'જો ઝબુ, તારો વહાલો ચાંદો તો તને મળવા સાચેસાચ નીચે આવી ગયો છે!'
ઝબુની આંખો હર્ષથી ચમકી ઊઠી. તે દોડીને તળાવના કાંઠે પહોંચી. પાણીમાં લહેરાતા ચાંદાના પ્રતિબિંબને જોઈને તે આનંદથી નાચવા લાગી! તેણે ધીમેથી પોતાનો નાનકડો પંજો તળાવના જળમાં મૂક્યો. પાણીમાં વમળો સર્જાયાં અને ચાંદો જાણે ઝબુ સાથે સંતાકૂકડી રમતો હોય તેમ મસ્તીથી હલવા લાગ્યો.
ઝબુને લાગ્યું કે તે પોતે જ ચાંદાના દેશમાં પહોંચી ગઈ છે! તેણે આસપાસ પડેલા નાના-નાના કાંકરા તળાવમાં ફેંક્યા, તો પાણીમાંથી એવા પરપોટા ઊઠયા જાણે રોકેટ આકાશ ભણી ઊડતાં હોય! ઝબુએ આખી રાત તળાવના કિનારે 'પાણીવાળા ચાંદા' સાથે મન મૂકીને ધમાલ-મસ્તી કરી.
વહેલી સવાર થતાં જ ચાંદો ધીમે ધીમે આકાશમાંથી વિદાય લેવા લાગ્યો અને તળાવના પાણીમાંથી પણ અદૃશ્ય થઈ ગયો. ઝબુ રાતભરની રમતથી થાકી જરૂર ગઈ હતી, પણ આજે તેનું હૈયું અસીમ આનંદથી છલકાતું હતું.
તેને સમજાઈ ગયું હતું કે ભલે તે આકાશમાં ઊડીને ચાંદા સુધી ન પહોંચી શકે, પણ પોતાની કલ્પના અને સાચી દ્રષ્ટિથી તે જ્યારે ઇચ્છે ત્યારે ચાંદાની અદ્ભુત સફર માણી શકે છે!
ઝબુ ખુશ થતી થતી પોતાના ઝાડની બખોલમાં પહોંચી, લંબાવીને મીઠી નીંદર માણી અને સપનાંમાં ફરી એ વહાલા ચાંદા સાથે રમવા લાગી.




