Zagmag

તમને મળ્યાં ઝાડ તો અમને મળી વાડ !

By GS Team
25 Sep 20262 mins read
તમને મળ્યાં ઝાડ તો અમને મળી વાડ !
  • તમને ઊની આંચ નહીં આવવા દઉં!
  • તે તણાઈ, ઘસડાઈ, વમળોમાં ખેંચાઈ…
  • તે મા હતી… અને મા હંમેશાં મા હોય છે. એ પછી માનવીની મા હોય, પશુની હોય કે પંખીની હોય
  • મા પોતાના જીવના જોખમે પણ બચ્ચાંને બચાવે જ છે.
  • હરીશ નાયક

માનવી પર આફત આવે ત્યારે પશુ-પંખીની ખબર તો કોણ પૂછે? તેમાંય પંખીઓ તો ઊડી પણ શકે, પણ બિચારાં મરઘાં-બતકાંનું શું?
એવું એક મનોહર દ્રશ્ય અમે ગોઇડી ગામે જોયું.
રેલમાં આખું ગામ તણાયું, પશુઓ ખેંચાઈ ગયાં, માણસો જીવ બચાવવા છાપરે ચડયાં કે ઝાડ પર ચડયાં.
એક હતી મરઘી. તે બિચારી શું કરે? પાછાં તેનાં નાનાં નાનાં પિલ્લાં પણ હતાં.
પૂરમાં પાણીનું જોર વધવા લાગ્યું. મરઘી જ્યાં બેસે તે જગ્યા જ ખેંચાઈ જતી.
પણ તે મા હતી… અને મા હંમેશાં મા હોય છે. એ પછી માનવીની મા હોય, પશુની હોય કે પંખીની હોય-મા પોતાના જીવના જોખમે પણ બચ્ચાંને બચાવે જ છે.
મરઘી તણાતી જતી હતી છતાં બચ્ચાંને સંગાથે રાખતી, તેમને પોતાની પાંખ હેઠળ દબાવી રાખતી. તેણે તો જાણે મનોમન પ્રતિજ્ઞાા કરી હતી- 'હું ભલે મરી જાઉં, પણ મારાં બાળુડાં! તમને ઊની આંચ નહીં આવવા દઉં!'
આ ધસમસતા પાણીની ટાઢ ઊની આંચ કરતાંય વધુ આકરી હતી, પણ એ માતા હતી. સુસવાટા મારતા પૂર સામે તે બહાદુરીપૂર્વક ઝઝૂમી.
તે તણાઈ, ઘસડાઈ, વમળોમાં ખેંચાઈ… બધું જ સહન કર્યું, પણ તેણે બચ્ચાંનો સાથ ન છોડયો. અંતે પૂરના પ્રવાહ વચ્ચે કાંટા-ઝાંખરાંની એક વાડ આવી ગઈ અને અટકી ગઈ. મરઘીએ એ વાડના ટેકે જ બચ્ચાંને સહીસલામત સાચવી લીધાં.
દ્રશ્ય પણ કેવું અદભુત! જે કુદરત તોફાન લાવે છે, એ જ તોફાનથી બચવાનો રસ્તો પણ કરી આપે છે.
પાણી ઊતરી ગયાં ત્યારે માનવીઓ છાપરેથી હેઠા આવ્યા, ઝાડ પરથી નીચે ઊતર્યા.
ત્યારે મરઘી પણ સુરક્ષિત બહાર આવી. બચ્ચાંને ધરા પર હેઠાં મૂકીને તે આનંદથી કલક-કલક કરી ઊઠી.
નદીનાં ધસમસતાં પાણી ઓસર્યાં પછી ત્યાં અસંખ્ય દાણા, કણ અને જીવડાં છોડી ગયાં હતાં. ભૂખ્યાં બચ્ચાંને મરઘી ઝડપથી કણ ચણાવવા લાગી.
બચવાનો આનંદ કંઈ જેવોતેવો હોય છે? ભલેને પછી તે એક નાનકડી મરઘીને કેમ ન મળ્યો હોય!