ફ્લ્યુરોસેન્ટ રંગ શેમાંથી બને છે?

પ્રકાશ પડવાથી વધુ તેજસ્વી દેખાય તેવા પીળા, કેસરી, લીલા રંગના કપડા તમે જોયા હશે. ટ્રાફિક પોલીસ વગેરે જાહેર સ્થળોએ કામ કરતા લોકો ઉપર તાત્કાલિક ધ્યાન જાય તે માટે ફ્લુરોસેન્ટ રંગના યુનિફોર્મ આપવામાં આવે છે. કેટલાક સાઇનબોર્ડમાં પણ આવા ચમકદાર રંગ જોવા મળે છે. આ રંગ અંધારામાં પણ થોડા ઘણા ચમકે છે.
ફ્લ્યુરોસેન્ટ રંગ અન્ય રંગની જેમ કુદરતી છે કેટલીક વનસ્પતિમાં તે હોય છે. આ રંગ ટૂંકી તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરી લાંબી તરંગ લંબાઈવાળા કિરણોનું પરાવર્તન કરે છે. ફોર ઓ ક્લોક નામનું ફૂલ સૌથી વધુ તેજસ્વી હોય છે. વિજ્ઞાાનીઓએ તેનો અભ્યાસ કરીને આ રંગનું રહસ્ય શોધી કાઢયું આ ફૂલમાં બીટાઝેન્થીન અને બીટાનાઇન નામના તત્ત્વો જોવા મળેલા. વિજ્ઞાાનીઓએ આ તત્ત્વો અલગ પાડીને તેમાંથી ફ્લ્યુરોસેન્ટ બનાવ્યું તે અન્ય રંગમાં ભેળવવાથી તે રંગની તેજસ્વીતા વધારે છે. હવે તો કૃત્રિમ ફ્લ્યુરોસેન્ટ પણ બને છે અને તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ફ્લ્યૂરોસેન્ટ કાપડ, પ્લાસ્ટિક કે લાકડાની સપાટી ઉપર ઉપયોગી થતા રંગોમાં પણ સહેલાઈથી ભળી જાય છે.









