ટમટમ ટમેટું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
સંતરામપુર નામે એક ગામ હતું. તેમાં જીવાભાઈ પોતાના પુત્ર ગોવિંદ અને પુત્રવધૂ કાંતા સાથે રહેતાં હતાં. જીવાભાઈ પાસે એક બોલતો પોપટ હતો. તેને પાંજરામાં પૂરીને જીવાભાઈ આજુબાજુનાં ગામોમાં જઈને પોપટના ખેલ બતાવતા. લોકો જાતજાતના પ્રશ્નો પૂછીને પોપટ પાસેથી જવાબ મેળવતા અને પૈસા આપતા, તેમાંથી તેઓનું ગુજરાન ચાલતું. ગોવિંદ પણ તેમની સાથે જતો.
વૃદ્ધાવસ્થાને લીધે જીવાભાઈ બીમાર અને અશક્ત થઈ ગયા. તેઓ બહાર નીકળી ન શકતા હોવાથી ઘરમાં પૈસાની આવક બંધ થઈ ગઈ. અંતે ગોવિંદે નક્કી કર્યું કે પોતે એકલો પોપટ લઈને ખેલ બતાવવા જશે. ગોવિંદ તો પોપટનું પાંજરું અને કાંતાએ બનાવેલી ભાથાની પોટલી લઈને નીકળી પડયો. બાજુના ગામમાં જઈને પોપટના ખેલ બતાવવા લાગ્યો, પણ તેને પોતાના પિતા જેટલી આવડત ન હોવાથી વધુ માણસો ભેગા ન થયા અને થોડા જ પૈસા મળ્યા. ગોવિંદ નિરાશ થઈ ગયો.
બપોર થઈ ગઈ હતી તેથી તેણે એક ખેતરમાં ઝાડની છાયા નીચે બેસી ભાથાની પોટલી ખોલી. તેમાંથી નાના-નાના બે રોટલા અને ડુંગળી નીકળ્યાં. ગોવિંદે એક રોટલાનું બટકું મોંમાં મૂક્યું જ હતું ત્યાં એક નાનો કૂતરો આવ્યો અને દયામણી નજરે ગોવિંદ સામે જોઈ રહ્યો.
ગોવિંદને દયા આવી. તેને ખ્યાલ આવી ગયો કે આ કૂતરો ભૂખ્યો છે. તેણે પોતાના ભાથામાંથી એક રોટલો કૂતરા સામે મૂક્યો. કૂતરો ખૂબ ભૂખ્યો હોવાથી ઝટપટ ખાઈ ગયો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. પોપટને પણ તેણે રોટલાનું બટકું આપ્યું. ગોવિંદનું પેટ તો પૂરું ન ભરાયું, છતાં તેણે સંતોષ માન્યો અને પાણી પીને ઝાડ નીચે લંબાવ્યું.
એ ઊંઘમાં જ બબડવા લાગ્યો, 'મને તો બીજું કંઈ કામ આવડતું નથી અને હું ભણેલો પણ નથી. જો સારી રીતે પૈસા નહીં કમાઈ શકું તો અમારું ગુજરાન કઈ રીતે ચાલશે?' થોડીવાર પછી તેની આંખ ઊઘડી અને તે ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ગઈ હતી. ઘરને બારણે ઊભીને કાંતા પતિની રાહ જોતી હતી.
ગોવિંદ ઘરમાં આવ્યો અને તેણે આજે કમાયેલા થોડા પૈસા પત્નીના હાથમાં મૂક્યા. ચિંતા કરતાં તેણે કહ્યું, 'કાંતા, આજે તો બહુ ઓછા પૈસા મળ્યા છે. જો આમ જ ચાલશે તો આપણું ગુજરાન કઈ રીતે ચાલશે? બાપુજીની દવાઓ કેવી રીતે લાવી શકીશ?' એમ કહી તે રડવા જેવો થઈ ગયો.
કાંતા પણ વિચારમાં પડી ગઈ. તેણે ગોવિંદને પાણી આપ્યું. પછી ઘરનો દરવાજો બંધ કરવા ગઈ તો જોયું કે પેલો કૂતરો ત્યાં ઊભો હતો અને તેના મોંમાં એક નાની રેશમી પોટલી દબાવેલી હતી. કાંતાએ કૂતરાને ઘરમાં બોલાવ્યો. ગોવિંદ તેને તરત ઓળખી ગયો. તેણે કાંતાને બપોરની બધી વાત કરી.
કાંતાએ વહાલથી કૂતરાના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી તેના મોંમાંથી રેશમી પોટલી છોડાવી. પોટલી ખોલીને જોતાં તેમાંથી ટમેટાંનાં બી નીકળ્યાં. કાંતાએ પોતાના ઘરના આંગણામાં તે બી વાવી દીધાં અને કૂતરાને ખાવા માટે દૂધ-ભાત આપ્યાં. કૂતરો તેમની સાથે જ રહી ગયો.
બીજા દિવસે વહેલી સવારે કાંતા આંગણું વાળવા બહાર આવી તો આશ્ચર્યથી દંગ રહી ગઈ! તેના આંગણામાં ટમેટાંના મોટા-મોટા છોડ ઊગી નીકળ્યા હતા અને તેના પર લાલચટક ટમેટાં લટકતાં હતાં.
કાંતાએ ગોવિંદને જગાડીને આ બધું બતાવ્યું. તેને પણ ખૂબ નવાઈ લાગી. તે સમજી ગયો કે આ પેલા કૂતરાએ લાવેલા બીજનો ચમત્કાર છે. તેણે બધે નજર દોડાવી, પણ કૂતરો ક્યાંય ન દેખાયો.
બંને પતિ-પત્ની એક ટોપલો લઈને ટમેટાં ઉતારવા લાગ્યાં ત્યાં બીજી અચરજભરી વાત બની. જે છોડ પરથી ટમેટું ઉતારે ત્યાં તરત જ બીજું, એવું ને એવું જ રસીલું ટમેટું ઊગી નીકળે!
ત્યાં તો છોડ પરથી એક ટમેટું ઊડીને ગોવિંદના ખોબામાં પડયું. ગોવિંદે જોયું તો તેને ઝીણી-ઝીણી આંખો અને મોં હતાં! ટમેટું બોલ્યું, 'ગોવિંદભાઈ, હું જાદુઈ ટમેટું છું. મારું નામ 'ટમટમ' ટમેટું. તે દિવસે તમે ભૂખ્યા હોવા છતાં તમારા ભાથામાંથી કૂતરાને અને પોપટને ખવડાવ્યું. તમારી ઉદારતા જોઈને હું પ્રસન્ન થયો છું. તમે જે ખેતરમાં જમતા હતા, હું ત્યાં જ હતો. ઊંઘમાં તમે વ્યક્ત કરેલી ચિંતા મેં સાંભળી, તેથી મને દયા આવી અને હું તમારે ઘેર આવ્યો.'
ગોવિંદ અને કાંતાએ ભગવાનનો, ટમટમ ટમેટાનો અને દેવદૂત જેવા તે કૂતરાનો અંત-કરણપૂર્વક આભાર માન્યો.




