Zagmag

ટમ ટમ ટમેટું

By GS Team
23 Oct 20264 mins read
ટમ ટમ ટમેટું
  • કાંતાએ ગોવિંદને ઢંઢોળીને જગાડયો. આ ચમત્કાર જોઈ ગોવિંદ પણ દંગ રહી ગયો. તે સમજી ગયો કે આ પેલા કૂતરાએ આપેલી ભેટનો પ્રતાપ છે. તેણે આસપાસ નજર કરી, પણ પેલો કૂતરો ક્યાંય દેખાયો નહીં.
  • વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર

સંતરામપુર નામે એક નાનકડું ગામ હતું. તેમાં જીવાભાઈ પોતાના પુત્ર ગોવિંદ અને પુત્રવધૂ કાંતા સાથે સ્નેહથી રહેતા હતા. જીવાભાઈ પાસે એક માનવબોલી બોલતો ચતુર પોપટ હતો. તેને પાંજરામાં લઈને જીવાભાઈ આસપાસનાં ગામોમાં ખેલ બતાવવા જતા. લોકો જાતજાતના સવાલો પૂછીને પોપટ પાસેથી જવાબ મેળવતા અને ખુશ થઈને જે પૈસા આપતા, તેનાથી પરિવારનું ગુજરાન ચાલતું. ગોવિંદ પણ પિતાજી સાથે મદદમાં જતો હતો.
વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને કારણે જીવાભાઈ ખાટલાવશ થઈ ગયા. તેઓ બહાર જઈ શકે તેમ ન હોવાથી ઘરમાં પૈસાની આવક સાવ બંધ થઈ ગઈ. અંતે ગોવિંદે નક્કી કર્યું કે પોતે એકલો પોપટને લઈને ખેલ બતાવવા જશે. ગોવિંદ પોપટનું પાંજરું અને પત્ની કાંતાએ બાંધી આપેલું ભાથું લઈને બાજુના ગામ તરફ નીકળી પડયો. તેણે ગામના ચોકમાં જઈને પોપટના ખેલ શરૂ કર્યા, પરંતુ પિતાજી જેવી કળા અને અનુભવ ન હોવાથી લોકો ઝાઝા ભેગા ન થયા. દિવસના અંતે ખૂબ ઓછા પૈસા મળ્યા, જેથી ગોવિંદ સાવ નિરાશ
થઈ ગયો.
બપોર થઈ ચૂકી હોવાથી ભૂખના માર્યા તેણે એક ખેતરમાં ઘટાદાર વૃક્ષના છાંયડે બેસી ભાથાની પોટલી ખોલી. પોટલીમાંથી બાજરાના બે નાના રોટલા અને ડુંગળી નીકળ્યાં. ગોવિંદે રોટલાનો પહેલો કોળિયો મોંમાં મૂક્યો જ હતો, ત્યાં એક રખડતો નાનો કૂતરો સામે આવીને અત્યંત દયામણી નજરે તેની સામે તાકી રહ્યો!
ગોવિંદનું હૃદય દ્રવી ઊઠયું. તેને સમજાયું કે આ અબોલ જીવ ભૂખથી વ્યાકુળ છે. તેણે જરાય વિચાર્યા વગર પોતાના ભાગનો એક આખો રોટલો કૂતરા આગળ મૂકી દીધો. ભૂખ્યો કૂતરો પળવારમાં રોટલો ખાઈ ગયો અને પૂંછડી પટપટાવી ત્યાંથી વિદાય થયો. ગોવિંદે પોપટને પણ રોટલાનો એક ટુકડો આપ્યો. પોતાનું પેટ અડધું ખાલી રહ્યું હોવા છતાં, અબોલ જીવને તૃપ્ત કર્યાનો સંતોષ માની તેણે પાણી પીધું અને એ જ ઝાડ નીચે થોડીવાર લંબાવ્યું.
ઊંઘમાં પણ ચિંતાને લીધે તે બબડવા લાગ્યો- 'મને બીજું કોઈ કામ આવડતું નથી અને હું ભણેલો પણ નથી. જો સારી કમાણી નહીં થાય તો ઘર કેમ ચાલશે? બાપુજીની દવાઓ ક્યાંથી આવશે?' થોડીવારે ઝબકીને જાગ્યો અને ભારે પગલે ઘર તરફ નીકળ્યો. ઘેર પહોંચ્યો ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી અને કાંતા ડેલીએ ઊભી ઊભી પતિની રાહ જોતી હતી.
ગોવિંદે ઘરમાં આવીને દિવસની કમાણીના જૂજ સિક્કા કાંતાના હાથમાં મૂક્યા અને લાચારીથી રડવા લાગ્યો- 'કાંતા, આજે તો માંડ આટલા પૈસા મળ્યા છે. જો આમ ને આમ ચાલશે તો આપણું ગુજરાન કઈ રીતે ચાલશે? બાપુજી માટે દવા કેવી રીતે લાવી શકીશ?'
કાંતા પણ ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગઈ. તેણે ગોવિંદને પાણી આપ્યું અને સાંજ થતાં ઘરનો દરવાજો બંધ કરવા ગઈ. ત્યાં જ તેણે જોયું કે પેલો નાનો કૂતરો ઉંબરે ઊભો હતો અને તેના મોંમાં એક રેશમી નાની પોટલી દબાવેલી હતી! કાંતાએ તેને ઘરમાં બોલાવ્યો. ગોવિંદ તેને તરત ઓળખી ગયો અને બપોરની વાત પત્નીને કહી સંભળાવી.
કાંતાએ વહાલથી કૂતરાના માથે હાથ ફેરવ્યો અને તેના મુખમાંથી રેશમી પોટલી છોડાવી. પોટલી ખોલીને જોયું તો અંદરથી ટમેટાંનાં ચમકતાં અનોખાં બીજ નીકળ્યાં! કાંતાએ આશાભેર એ બીજ પોતાના ઘરના આંગણામાં વાવી દીધાં અને કૂતરાને પ્રેમથી દૂધ-ભાત ખવડાવ્યાં. એ કૂતરો પણ વફાદારીથી તેમની સાથે જ રહી ગયો.
બીજે દિવસે વહેલી સવારે કાંતા જેવી આંગણું વાળવા બહાર આવી કે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ! આંગણામાં રાતોરાત ટમેટાંના ઘટાદાર મોટા છોડ ઊગી નીકળ્યા હતા અને તેના પર લાલચોળ, રસદાર ટમેટાં ઝૂલી રહ્યાં હતાં!
કાંતાએ ગોવિંદને ઢંઢોળીને જગાડયો. આ ચમત્કાર જોઈ ગોવિંદ પણ દંગ રહી ગયો. તે સમજી ગયો કે આ પેલા કૂતરાએ આપેલી ભેટનો પ્રતાપ છે. તેણે આસપાસ નજર કરી પણ પેલો કૂતરો ક્યાંય દેખાયો નહીં.
બંને જણા ટોપલો લઈને ટમેટાં ઉતારવા લાગ્યાં, ત્યાં વધુ એક અચરજ થયું! જે છોડ પરથી પાકું ટમેટું તોડે, તેની જગ્યાએ પળવારમાં બીજું એવું જ તાજું અને મોટું ટમેટું આપોઆપ ઊગી નીકળતું હતું!
એવામાં છોડ પરથી એક ચમકતું ટમેટું ઊડીને સીધું ગોવિંદના ખોબામાં આવી પડયું. ગોવિંદે આશ્ચર્યથી જોયું તો ટમેટા પર નાની નાની જીવંત આંખો અને હસતું મુખારવિંદ હતું!
ટમેટું મધુર અવાજે બોલ્યું- 'ગોવિંદભાઈ, હું એક જાદુઈ ટમેટું છું, મારું નામ ટમટમ ટમેટું છે! તે દિવસે બપોરે તમે પોતે ભૂખ્યા હોવા છતાં તમારા ભાથામાંથી અબોલ કૂતરાને અને પોપટને પ્રેમથી અન્ન આપ્યું. તમારી આ નિઃસ્વાર્થ દયા અને ઉદારતા જોઈને હું અતિ પ્રસન્ન થયો છું. ખેતરમાં તમે ઊંઘમાં જે વેદના વ્યક્ત કરી હતી તે મેં સાંભળી હતી, એટલે તમારી સેવા અને ભલાઈનું ફળ આપવા હું તમારા ઘેર આવ્યો છું.'
ગોવિંદ અને કાંતાની આંખો ભક્તિભાવથી છલકાઈ ગઈ. તેમણે પરમકૃપાળુ પરમાત્માનો, ટમટમ ટમેટાનો અને દેવદૂત બનીને આવેલા એ અબોલ જીવનો અંત-કરણથી આભાર માન્યો.