સ્વતંત્રતાની કિંમત

- વાઈ-ફાઈ વાંદરો કહે, 'હા, હા, હું જરૂર લઈ આવીશ. હું હમણાં જ જંગલમાં જઈને મારા બધા સાથીઓને લઈ આવું છું.' સર્કસનો માલિક તો મનમાં હસવા લાગ્યો. એને તો ઘરબેઠાં કામ થઈ ગયું!
- વીંકુ કહે, 'અમે આજથી ભૂખ હડતાલ પર છીએ. જ્યાં સુધી તમે અમને મુક્ત નહીં કરો, જંગલમાં પાછા નહીં છોડો, ત્યાં સુધી અમે કશું ખાઈશું નહીં અને સર્કસમાં ખેલ પણ કરીશું નહીં.' બધાંને ખૂબ માર પડયો પરંતુ કોઈએ પોતાના ખેલ કર્યા નહીં.
ભારતી ભંડેરી 'અંશુ'
એ ક હતું જંગલ. તેમાં એક વાંદરો રહેતો હતો. તે ખૂબ નટખટ હતો. ક્યાંય સ્થિર બેસે નહીં. ઝાડે ઝાડે કૂદતો રહે અને હૂપાહૂપ કર્યા કરે. ક્યારેક શહેરમાં અને જંગલમાં પણ આંટો મારી આવે. પાછો આવીને જંગલનાં પશુ-પક્ષીઓને જાતજાતની ખબર સંભળાવે. આથી સૌ તેને 'વાઈ-ફાઈ' વાંદરો જ કહેતાં.
એકવાર વાઈ-ફાઈ વાંદરાભાઈ તો શહેરમાં જઈ ચડયા. શહેરમાં નદીના તટ પર સર્કસ ચાલતું હતું. વાઈ-ફાઈ વાંદરાભાઈ તો અંદર ઘૂસી ગયા. ત્યાં તેણે જોયું તો ઘણાં જંગલનાં પશુ-પક્ષીઓ અવનવા ખેલ કરતાં હતાં. લોકો તાળીઓ પાડીને વધાવતાં હતાં. વાઈ-ફાઈ વાંદરાભાઈને તો ખૂબ મજા પડી. સિંહ, હાથી અને પોપટ અવનવા ખેલ કરતા હતા. તેના જેવો એક વાંદરો તો શર્ટ, ચડ્ડી અને માથે ટોપી પહેરી જોકર બનીને બધાંને હસાવતો હતો.
આ વાઈ-ફાઈને સર્કસના માલિકે જોયો એટલે તેને બોલાવીને કહ્યું, 'એય વાંદરા, તારે અહીં કામ કરવું છે?'
વાઈ-ફાઈ તો આ સાંભળી રાજી-રાજી થઈ ગયો.
સર્કસના માલિકે કહ્યું, 'જો, તું અહીં કામ કરીશ તો તને અહીં ખાવા માટે સરસ મજાનાં ફળ આપીશ, રહેવા માટે પાંજરું આપીશ. જો તું જંગલમાંથી તારા સાથીઓને અહીં લઈ આવે તો બધાને પૈસા પણ આપીશ.'
વાઈ-ફાઈ વાંદરો કહે, 'હા, હા, હું જરૂર લઈ આવીશ. હું હમણાં જ જંગલમાં જઈને મારા બધા સાથીઓને લઈ આવું છું.'
સર્કસનો માલિક તો મનમાં હસવા લાગ્યો. એને તો ઘરબેઠાં કામ થઈ ગયું!
આ સર્કસમાં જોકર બનેલો વીંકુ વાંદરો આ વાત સાંભળી ગયો. તે વાઈ-ફાઈ વાંદરા અને તેના સાથીઓને બચાવવા માગતો હતો, પરંતુ ચાલુ સર્કસે તે કંઈ ના કરી શક્યો. વાઈ-ફાઈભાઈ તો તુરંત જંગલમાં જવા ઉપડયા. તે પૂરું સર્કસ જોવા પણ ના રોકાયા. તેમણે જંગલમાં કૂદાકૂદ કરતા તેમના મિત્રોને કહ્યું, 'તમે બધાં અહીં ખોટાં કૂદમકૂદ કરો છો! શહેરમાં જઈને જુઓ…
સર્કસમાં ખેલ કરો આવા,
તો મળે સારું સારું ખાવા.
સરસ પાંજરું મળે રહેવા,
મોજમજા મળે કરવા.'
જંગલમાં વાઈ-ફાઈ વાંદરાના મિત્રો તો આ સાંભળી ગેલમાં આવી ગયાં. બધાં એની સાથે શહેરમાં જવા તૈયાર થઈ ગયાં. કેટલાક મિત્રો કહે, 'આપણને તો ભરપેટ ખાવા મળે પછી આપણે પૈસાનું શું
કરવું છે!'
વાઈ-ફાઈ વાંદરો કહે, 'અરે, એ પૈસાથી તો શહેરમાં જે જોઈએ તે ખરીદી શકાય. પિક્ચર જોવા જવાય, નવાં નવાં કપડાં-બૂટ ખરીદી શકાય. તમને ખબર છે અહીં તો આપણે ઝાડે-ઝાડે ફળ તોડવા જવું પડે છે. શહેરમાં તો આવી મહેનત કરવાની જ નહીં! ત્યાં તો જાતભાતનાં ફળના ટોપલા ભરેલા હોય. પૈસા આપો, ફળ લો અને ખાઈ લો. કેવી મજા! એટલું જ નહીં, અહીં તો આપણે ઝાડ ઉપર જ રહેવું પડે. ઠંડી લાગે, ગરમી લાગે, વરસાદમાં તો કેવા હેરાન થઈએ! શહેરમાં તો આપણને રહેવા માટે સરસ મજાનું પાંજરું મળશે.'
હાથી, રીંછ, પોપટ, ઘુવડ બધાનાં બચ્ચાઓ તો આ સાંભળી ગેલમાં આવી ગયાં. બધાં ગાવા લાગ્યાંઃ
'શહેરમાં જઈશું, ખેલ નવા કરીશું.
નવું નવું ખાઈશું, મોજમજા કરીશું.'
એક વૃદ્ધ વાંદરાદાદા વાઈ-ફાઈ વાંદરા અને જંગલનાં બચ્ચાઓની વાત સાંભળતા હતા. તેમને પોતાનો ખોવાયેલો દીકરો યાદ આવી ગયો. તેમણે કહ્યું, 'વાઈ-ફાઈ વાંદરાની વાતમાં આવશો નહીં. શહેરની ઝાકમઝોળમાં ફસાશો નહીં. ભલેને સોનાનું તોય કહેવાય પાંજરું, હાથે કરીને ગુલામ કદી થવાય નહીં. આવું લીલુંછમ ખુલ્લું જંગલ પછી ત્યાં નહીં મળે. આપણે પૈસાની જરૂર જ ક્યાં છે? આપણને આ જંગલ બધું મફતમાં જ આપે છે.'
બધાં એકસાથે કહે, 'આ જંગલમાં તો છે શું? અમે તો શહેરમાં જઈશું. ખાશું, પીશું, કમાઈશું અને ખૂબ મોજ-મસ્તી કરીશું.'
વૃદ્ધ વાંદરાભાઈની વાત કોઈએ માની નહીં. વાઈ-ફાઈ વાંદરા સાથે બધા શહેરમાં આવી ગયાં. સર્કસના માલિકે તો તુરંત બધાને પાંજરામાં પૂરી દીધાં. પછી તો તેમને સોટી મારી મારીને ખેલ કરવા માટે મજબૂર કરવા લાગ્યા. ના સરખું ખાવાનું આપે, ના સરખું રહેવાનું! અહીં આવીને તો બધાને પસ્તાવો થવા લાગ્યો. બધાં વાઈ-ફાઈને કહેવા લાગ્યાં, 'તું તો કહેતો હતો ને કે અહીંયા તો બહુ મજા આવશે? અરે, આના કરતા તો આપણું જંગલ ખૂબ સારું હતું. ખાવા-પીવાનું શોધવા જવું પડતું હતું, એટલું જ ને? પણ આપણે આઝાદ હતા. જ્યાં મન પડે અને જે ગમે તે ખાતાં હતાં. ત્યાં આપણાં મા-બાપ આપણું કેટલું ધ્યાન રાખતાં હતાં!'
વીંકુ વાંદરો કહે, 'હું આ વાત વાઈ-ફાઈ વાંદરાને સમજાવવાનો જ હતો. પરંતુ હું તેને સાચી હકીકત જણાવું એ પહેલાં તો એ અહીંથી નીકળી ગયો.'
બધાને હવે વૃદ્ધ વાંદરાદાદાની વાત સાચી લાગી. તેમની વાત ના માની તેનો ખૂબ પસ્તાવો થતો હતો. પણ હવે શું થાય?
એક દિવસ સર્કસ જોવા બધા હાથમાં ઝંડા લઈને આવ્યા હતાં, કારણ કે તે દિવસ પંદરમી ઓગસ્ટ હતી-દેશનો સ્વતંત્રતા દિવસ. વીંકુ થોડું ભણેલો હતો, તેને એક યુક્તિ મળી ગઈ. તેણે રાત્રે બધાને પોતાની યુક્તિ સમજાવી દીધી. બીજા દિવસે બધા ઉપવાસ પર ઉતરી ગયાં. બધાંએ નક્કી કર્યું કે કાલે કોઈએ ખેલ કરવો નહીં. બીજા દિવસે ખેલ શરૂ થતાં પહેલાં સર્કસના માલિકે બધાને થોડું ખાવાનું આપ્યું, પણ બધાંએ ખાવાનો ઇનકાર કરી દીધો.
વીંકુ કહે, 'અમે આજથી ભૂખ હડતાલ પર છીએ. જ્યાં સુધી તમે અમને મુક્ત નહીં કરો, જંગલમાં પાછા નહીં છોડો, ત્યાં સુધી અમે કશું ખાઈશું નહીં અને સર્કસમાં ખેલ પણ કરીશું નહીં.' બધાંને ખૂબ માર પડયો પરંતુ કોઈએ પોતાના ખેલ કર્યા નહીં. પ્રેક્ષકોએ તો હુરિયો બોલાવ્યો અને સર્કસમાં તોડફોડ કરવા લાગ્યાં. આ બધી ધાંધલ-ધમાલમાં વાઈ-ફાઈ વાંદરાએ બધાંનાં પાંજરાં ફટાફટ ખોલી નાખ્યાં. બધાંએ જંગલ તરફ દોટ મૂકી.
વીંકુ વાંદરો તો વરસો પછી તેના વતન જંગલમાં આવતો હતો. તેની સાથે સર્કસમાં કેદ બીજાં પશુ-પંખીઓ પણ હતાં. જંગલમાં બધાં દુખી હતાં. બચ્ચાઓનાં કોઈ ખબર ન આવતા બધા ચિંતાતુર હતાં અને શહેરમાં બચ્ચાઓને શોધવા નીકળ્યાં હતાં. રસ્તામાં તેમનો ભેટો બચ્ચાઓ સાથે થઈ ગયો. બચ્ચાઓ માબાપને ભેટી પડયાં.
બચ્ચાઓ વાંદરાદાદાની માફી માંગતાં કહે, 'દાદા, અમને માફ કરો.
સાચી વાત ત્યારે સમજાણી નહીં,
અમે હવે લાલચમાં આવીશું નહીં.
આઝાદી છોડી ગુલામીમાં ફસાઈશું નહીં,
સ્વતંત્રતા જેવી મજા બીજી કોઈ નહીં.'
વીંકુ તો પોતાના પિતા વાંદરાદાદાને વરસો પછી જોઈને ભેટીને રડવા જ લાગ્યો. જંગલના વડીલોને વાઈ-ફાઈ ઉપર ખૂબ ખીજ હતી, પરંતુ વરસોથી વિખૂટા પડેલાં સંતાનોને તે પાછા લાવ્યો હતો. આથી બધાંએ વાઈ-ફાઈ વાંદરાની હિંમતને બિરદાવી અને તેને માફ કરી દીધો. સર્કસમાં ઝપાઝપીમાં વાઈ-ફાઈ વાંદરાના હાથમાં તિરંગો આવી ગયો હતો. વાઈ-ફાઈ વાંદરાએ તે ઊંચો કર્યાે. આમ, જંગલમાં સૌ પશુ-પંખીઓએ પણ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો!




