આઝાદીનો અર્થ

- 'સોનુ, તારા માટે આઝાદી એટલે શું?' સોનુએ થોડી વાર વિચારીને કહ્યું, 'મારે મોટો થઈને ભણવું છે. મને ભણવાની તક મળે અને આ જગ્યા છૂટે એ મારી આઝાદી.' બધાં ચૂપ થઈ ગયાં. આરવે ધીમેથી કહ્યું, 'આ તો બહુ મોટી વાત છે.'
- ડૉ. પારુલ અમિત 'પંખુડી'
'મમ્મી, આ વખતે પંદરમી ઓગસ્ટે હું કંઈ જ બોલવાનો નથી!' આરવે શાળાની બેગ સોફા પર ફેંકતાં જ જાહેરાત કરી.
મમ્મીએ રસોડામાંથી પૂછયું, 'કેમ?'
'કારણ કે દર વર્ષે એ જ ભાષણ! 'મારા વ્હાલા દેશવાસીઓ, ભારત મહાન દેશ છે…' પછી બે-ચાર શહીદોના નામ અને છેલ્લે 'જય હિંદ!' બસ! મને તો પોતાને જ ઊંઘ આવી જાય.'
રસોડામાંથી મમ્મીના હાસ્યનો અવાજ આવ્યો.
રિયા તરત બોલી, 'ભાઈ, તને ઊંઘ આવે એટલે આખા દેશને પણ ઊંઘ આવે એવું થોડું છે?'
'તો તું જ આપી દેજે ભાષણ!'
મમ્મી બોલી, 'જવાબદારી સરખે ભાગે વહેંચી લેવી જોઈએ.'
રિયા બોલી, 'ભાઈ, તને કંટાળો આવે છે તો તું દેશને નવું કંઈક આપી દે!'
આરવ હસ્યો, 'હું? હું તો હજી ચોથા ધોરણમાં છું!' રિયાએ આંખો મીંચીને કહ્યું, 'તો શું થયું? દેશને મોટી ઉંમરના લોકો જ ગમે છે એવું ક્યાં લખ્યું છે?'
આરવ વિચારમાં પડી ગયો. બીજે દિવસે શાળામાં શિક્ષિકા નેહાબેને જાહેરાત કરી કે આ વર્ષે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ થોડો અલગ હશે. કોઈ લાંબું ભાષણ નહીં. દરેક વર્ગે બતાવવાનું છે કે આઝાદીનો અર્થ તમારા માટે શું છે.
વર્ગમાં તરત ચર્ચા શરૂ થઈ.
'મારા માટે આઝાદી એટલે રજાનો દિવસ!' મયંક બોલ્યો. બધાં હસી પડયાં.
'મારા માટે તો મનગમતું ખાવું,' ચિંતન બોલ્યો.
'મારા માટે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવી!' પાછલી સીટ પરથી અવાજ આવ્યો.
નેહાબેન હસ્યાં, 'બસ! આ જ તો વિચારવાનું છે. આઝાદી એટલે ફક્ત જે મન થાય તે કરવું, એવી આઝાદી નહીં.'
આરવે હાથ ઊંચો કર્યાે, 'મેડમ, તો આઝાદી એટલે શું?'
નેહાબેને જવાબ આપ્યો નહીં, 'તમે શોધો. પંદરમી ઓગસ્ટના દિવસે મને તમારો જવાબ જોઈએ.'
આરવને આ વાત ગમી ગઈ. તે દિવસે શાળા છૂટયા પછી આરવ, રિયા અને તેમના ત્રણ મિત્રો-મયંક, ચિંતન અને ઝીલ ગામના જૂના વડના ઝાડ નીચે બેઠાં.
'ચાલો, આઝાદી શોધીએ!' ઝીલે કહ્યું.
'પણ ક્યાં?' મયંકે પૂછયું.
રિયાએ તરત કહ્યું, 'જ્યાં લોકો પોતાના મનની વાત કરી શકે ત્યાં!'
સૌપ્રથમ તેઓ ચાની લારીવાળા કાકા પાસે ગયા. આરવે પૂછયું, 'કાકા, તમારા માટે આઝાદી એટલે શું?'
કાકા હસ્યા, 'મારા માટે? કોઈ પોલીસવાળાની બીક વગર લારી પર ઈમાનદારીથી ચા વેચવી
એ જ.'
પછી તેઓ શાળાના પટાવાળા રમેશકાકા પાસે ગયા અને તેમને પૂછયું, 'કાકા, તમારા મતે આઝાદી એટલે શું?'
રમેશકાકા બોલ્યા, 'મારા માટે આઝાદી એટલે આ ઘંટ જેવી. મુક્ત મને સમયસર રણક્યા કરવાનું. નાના બાળકો હોય, મોટા બાળકો હોય કે શિક્ષકો-બધા એકસમાન! બધાં માટે એકસમાન રણકવાનું.'
આટલું સાંભળી તેઓ ત્યાંથી નીકળ્યા. થોડે આગળ એક નાનકડો છોકરો રસ્તા પાસે ફુગ્ગા વેચતો હતો.
રિયાએ પૂછયું, 'તારું નામ શું?'
'સોનુ.'
'સોનુ, તારા માટે આઝાદી એટલે શું?'
સોનુએ થોડી વાર વિચાર્યું, 'મારે મોટો થઈને ભણવું છે. મને ભણવાની તક મળે અને આ જગ્યા છૂટે એ… એ… એ મારી આઝાદી.'
બધાં ચૂપ થઈ ગયાં. આરવે ધીમેથી કહ્યું, 'આ તો બહુ મોટી વાત છે.'
એ રાત્રે આરવને ઊંઘ જ ન આવી. તેને લાગ્યું કે આઝાદી એક જ રંગની નથી.
બીજે દિવસે તેણે એક ચાર્ટ બનાવ્યો. ઉપર લખ્યું- આઝાદી એટલે ત્રણ પાંખો.
પહેલી પાંખ પર લખ્યું- પોતાના સપનાં જોવાની આઝાદી. બીજી પાંખ પર લખ્યું- પોતાની વાત કહેવાની આઝાદી. ત્રીજી પાંખ પર લખ્યું- બીજાની આઝાદીનું સન્માન કરવાની જવાબદારી.
પંદરમી ઓગસ્ટ આવી. શાળાનું મેદાન તિરંગાના રંગોથી સજાયું હતું. બાળકો સફેદ કપડામાં, હાથમાં નાનકડા ધ્વજ લઈને ઊભાં હતાં. કાર્યક્રમ શરૂ થયો. આરવનો વારો આવ્યો. તે મંચ પર ગયો. હાથમાં માઈક હતું, પણ આજે તેની પાસે ગોખેલું ભાષણ નહોતું.
તેણે કહ્યું, 'મને પહેલાં લાગતું હતું કે આઝાદી એટલે મન થાય તે કરવું. પછી મને ખબર પડી કે જો હું મન થાય તે કરું અને મારા કારણે બીજાને દુ-ખ થાય, તો એ આઝાદી નથી.'
મેદાનમાં શાંતિ છવાઈ ગઈ.
આરવે આગળ કહ્યું, 'આઝાદી એટલે સોનુ જેવા બાળકને ભણવાનું સ્વપ્ન જોવાનો અધિકાર. રમેશકાકાને દરેક માણસને સમાન માનવાનો અધિકાર. ચાની લારીવાળા કાકાને પોતાની મહેનતથી જીવવાનું ગૌરવ.'
પછી તેણે ચાર્ટ ઊંચો કર્યાે, 'આઝાદીની ત્રણ પાંખો છે-સપનું, સ્વતંત્ર વિચાર અને જવાબદારી. આ ત્રણેય સાથે હોય ત્યારે જ આપણા દેશના લોકો સાચી રીતે ઊડી શકે.'
થોડી ક્ષણ માટે કોઈ બોલ્યું નહીં. પછી આખું મેદાન તાળીઓથી ગૂંજી ઊઠયું. નેહાબેનની આંખોમાં ખુશીનાં આંસુ હતાં. તેમણે આરવને પૂછયું, 'આ બધું તને કોણે શીખવ્યું?'
આરવ હસ્યો, 'મેડમ, કોઈ એક વ્યક્તિએ નહીં. મેં તો મારી આસપાસના લોકોને સાંભળ્યા.'
રિયા પાછળથી બોલી, 'આની શરૂઆત તો મેં કરી હતી!'
બધાં હસી પડયાં.
એ જ સમયે તિરંગો પવનમાં લહેરાયો. આરવે ઉપર જોયું. તેને લાગ્યું જાણે તિરંગાની ત્રણેય પટ્ટીઓ તેને કંઈક કહી રહી હતીથ
'ઊડવું છે તો પાંખો ફેલાવ,
પણ યાદ રાખ, તારી ઊડાનમાં
બીજાના આકાશને જગ્યા હોવી જોઈએ.'
તે દિવસથી આરવ માટે પંદરમી ઓગસ્ટ માત્ર રજાનો દિવસ રહ્યો નહીં. એ બની ગયો પોતાના સપનાંને પાંખ આપવાનો દિવસ અને બીજાના સપનાંને પણ ઊડવા દેવાનો સંકલ્પ!
જય હિંદ!




